ધ્રુવીકરણના પ્રયાસોને લોકોએ ફગાવી દીધા: નીતીશકુમાર

પટણા: બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બે તૃતિયાંશ બહુમતિ મેળવીને ઇતિહાસ સર્જ્યા બાદ સાંજે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર અને આરજેડીના નેતા લાલૂ પ્રસાદ યાદવે પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું જેમાં આ બંનેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર આકરા પ્રહારો કર્યા હતા. નીતીશકુમારે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જીત બિહારના સ્વાભિમાનની જીત છે.

તેમણે એમ પણ કહ્યું હતું કે, બિહાર ચૂંટણીના પરિણામોથી સમગ્ર દેશમાં એક નવો સંદેશો ગયો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, લોકોની ભાવનાઓની જીત થઇ છે. બીજી બાજુ લાલૂ યાદવે પણ કહ્યું હતું કે, મહાગઠબંધનની જીત મોદીની મોટી પીછેહઠ સમાન છે.

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે ધ્રુવીકરણના પ્રયાસો કરાયા હોવાના દાવો નીતીશકુમારે કર્યો હતો પરંતુ આ તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. વિભાજનની નીતિ ફ્લોપ રહી છે. લાલૂ યાદવે ચેતવણી આપતા કહ્યું હતું કે, નરેેન્દ્ર મોદીના શાસનને ઉથલાવી દેવામાં આવશે.

આજના પરિણામો દર્શાવે છે કે, બિહારના લોકો મોદી અને તેમની પાર્ટીને બિલકુલ ફગાવી ચુક્યા છે. પોતાના ભાઈ તરીકે નીતીશ કુમારને ગણાવતા આરજેડી વડાએ કહ્યું હતું કે, બિહારના મુખ્યમંત્રી તરીકે નીતીશકુમાર ચાલુ રહેશે. નીતીશકુમારની લીડરશીપ વિકાસના માર્ગ ઉપર આગળ વધશે.

તેમણે ઉમેર્યું હતું કે, નીતીશકુમાર વિકાસની નવી ઉંચાઈ ઉપર બિહારને લઇ જશે. મહાગઠબંધનની તરફેણમાં મતદાન કરવા બદલ આરજેડી વડાએ લોકોનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે, ગરીબ, વંચિત અને પછાત લોકોની આ જીત થઇ છે. ભાજપને આ લોકો ફગાવી ચુક્યા છે. લાલૂએ એમ પણ કહ્યું હતું કે, બિહારમાં પછાત લોકો પ્રત્યે તેઓ સમર્પિત છે. આ જીતથી દેશની રાજનીતિમાં નવો વળાંક આવશે. તેમણે કહ્યું હતું કે, વચન મુજબ કેન્દ્રમાં મોદી સરકારને અમે ઉથલાવી દઇશું.

ભાજપની પડતીની શરૂઆત થઇ ચુકી છે. વ્હાઇટવોશ આનાથી સાબિતી આપે છે. બીજી બાજુ નીતીશકુમારે પણ તેમની પ્રતિક્રિયા આપી હતી. નીતીશકુમારે કહ્યું હતું કે, ધ્રુવીકરણના તમામ પ્રયાસો કરાયા હતા પરંતુ પ્રયાસોને સફળતા હાથ લાગી નથી. નીતીશકુમારે બિહારના લોકોને વચન આપ્યું હતું કે, લોકોની અપેક્ષાઓને પૂર્ણ કરવા માટે તેઓ બનતા તમામ પ્રયાસો કરશે.

બિહારના લોકોને તેઓએ અભિનંદન આપ્યા હતા. સમાજના તમામ વર્ગનો ટેકો અમને મળ્યો છે. અમે લોકોની અપેક્ષાઓને સમજી રહ્યા છીએ. કુમારે કહ્યું હતું કે, રાષ્ટ્રીય સ્તર પર પણ તેની અસર જોવા મળશે. જો કે, તેમણે કહ્યું હતું કે, વિપક્ષનું પણ સમ્માન કરવામાં આવશે. સાથે મળીને અમે આગળ વધીશું. દરેક લોકો અમને અભિનંદન આપી રહ્યા છે. જે કંઇપણ થયું તેની અસર બિહારના કામ ઉપર દેખાશે નહીં.

You might also like