શારદાબહેન હોસ્પિટલ બહાર લુખ્ખાં તત્ત્વો અને દબાણોથી લોકો પરેશાન

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શારદાબહેન હોસ્પિટલ અવારનવાર વિવાદોમાં સપડાઇ રહી છે. તાજેતરમાં આ હોસ્પિટલના દર્દીઓને જેનરિક દવા અપાતી ન હોવાની કાગારોળ મચી હતી. હવે હોસ્પિટલની બહારના ઝાંપાની આસપાસ તત્ત્વો પડ્યાં પાથર્યાં રહેતાં હોવાની તેમજ લારી-રિક્ષાનાં દબાણની ફરિયાદો ઊઠી છે.
મ્યુનિસિપલ સંચાલિત શારદાબહેન હોસ્પિટલનો વહીવટ દિન પ્રતિદિન કથળતો જાય છે. કોર્પોરેશનની વી.એસ. હોસ્પિટલ અને એલ.જી. હોસ્પિટલ બાદ શારદાબહેન હોસ્પિટલ ગરીબ દર્દીઓને માટે સહારારૂપ છે. ભાજપના શાસકો હજુ સુધી પૂર્વ વિસ્તાર સાથે ભેદભાવ કરતા હોઇ કોર્પોરેટ સ્તરની હોસ્પિટલના નિર્માણનાં તો ફક્ત ઢોલ-નગારાં પીટાય છે. પરંતુ હયાત હોસ્પિટલની વ્યવસ્થા સુધારવા તરફ પણ ધ્યાન અપાતું નથી.

શારદાબહેન હોસ્પિટલના ગરીબ દર્દીઓને માટે તંત્ર પાસે પૂરતી સંખ્યામાં જેનરિક દવાઓ નથી. સરકારી જેનરિક સ્ટોર ખૂલતાં હજુ મહિનાઓ લાગે તેમ છે. હોસ્પિટલના ડોકટરો દર્દીને જેનરિક દવા લખી આપવાને બદલે મોંઘીદાટ દવાઓ લખી આપતા હોઇ દર્દીનાં સગાં-સંબંધી મોટા ખર્ચના ખાડામાં ઊતરી રહ્યા છે. હવે હોસ્પિટલ ઝાંપાની આસપાસ અસામાજિક તત્ત્વોએ ધામા નાખ્યાની ફરિયાદો ઊઠી છે.

ખાસ કરીને સાંજના સમયગાળામાં આસામાજિક તત્ત્વોની હાજરીથી દર્દીનાં સગાં-સંબંધીઓ એક અથવા બીજા પ્રકારની કનડગતનો ભોગ બની રહ્યા છે. ઝાંપાની આસપાસ લારી-રિક્ષાનાં દબાણ વધ્યાં હોઇ દર્દીનાં સગાં-સંબંધીને પોતાનાં વાહન પાર્ક કરવામાં મુસીબત પડી રહી છે. આ મામલે મ્યુનિસિપલ ભાજપના ટોચના નેતાઓ સુધી દાદ મગાવાઇ છે. જોકે મ્યુનિસિપલ હોસ્પિટલ કમિટીના ચેરમેન ભરત પટેલ કહે છે, ‘શારદાબહેન હોસ્પિટલની ત્રણ મહિના પહેલા મુકાયેલી સિક્યોરિટીને ઝાંપા આસપાસનાં દબાણોને હટાવવાની પણ સૂચના અપાઇ છે. તેમ છતાં આવી ફરિયાદો ઊઠી હોઇ સિકયોરિટી એજન્સીની કામગીરીની ચોક્કસ સમીક્ષા કરાશે.

http://sambhaavnews.com

You might also like