નાગરિકોને ફી ચૂકવ્યા બાદ પણ સર્ટિફિકેટ મળતાં નથી

અમદાવાદ: અમદાવાદમાં ગેરકાયદે બાંધકામોની સમસ્યા દિન પ્રતિદિન વિકરાળ થતી જાય છે ખુદ મ્યુનિ. મુખ્યાલયની નજીકના વિસ્તારોમાં તંત્રની રહેમનજર હેઠળ ગેરકાયદે બાંધકામોનું નિર્માણ થયું છે. કાયદાની ઐસી-તૈસી કરનારા લેભાગુ તત્ત્વોનો વાળેય વાંકો થતો નથી. પરંતુ કાયદાભીરુ શહેરીજનોને એક અથવા બીજાં કારણસર હેરાન થવું પડે છે. ઉત્તર ઝોનમાં અનેક નાગરિકોએ પોતાના ગેરકાયદે બાંધકામને ઇમ્પેકટ ફી ભરીને કાયદેસર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે તેમ છતાં આ નાગરિકોને ઇમ્પેકટ ફીનાં સર્ટિફિકેટ મળતાં નથી. ગેરકાયદે બાંધકામોને મામલે એક ને ગોળ અને એકને ખોળ જેવી સત્તાવાળાઓની આ પ્રકારની નીતિ-રીતિથી ખુદ શાસકપક્ષ નારાજ છે.

રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેકટ ફી યોજનાની જાહેરાત કરાઇ તે વખતે જ શહેરમાં એક અંદાજ પ્રમાણે પાંચ લાખથી વધારે ગેરકાયદે બાંધકામ હતાં. પરંતુ ઇમ્પેકટ ફી યોજનાનો લાભ લેવા માત્ર ર.૪૩ લાખ અરજી આવી હતી. આમ પ્રારંભથી ઇમ્પેકટ ફી યોજનાને અમદાવાદમાં નબળો પ્રતિસાદ મળ્યો છે. તેમાં પણ હેરિટેજ મિલકતોને ધરાશાયી કરીને ધોળે દાહડે ગોડાઉનોમાં ફેરવાતા જતા કોટ વિસ્તાર સહિતના મધ્ય ઝોનમાંથી તો ફકત પ,ર૭૩ અરજી જ મ્યુનિ. સત્તાવાળાઓને મળી હતી!

જે અરજદારોએ ન્યાયસંગત રીતે ઇમ્પેકટ ફી ચૂકવી છે તેવા અરજદારોને તંત્ર ધક્કા ખવડાવ્યા બાદ પણ તેનાં સર્ટિફિકેટ સમયસર આપતું નથી. ખાસ કરીને ઉત્તર ઝોનમાંથી આ પ્રકારની અસંખ્ય ફરિયાદો ઊઠી છે. ઉત્તર ઝોનમાંથી ઇમ્પેકટ ફી યોજના હેઠળ કુલ પ૧,૦૧૦ અરજી કરાઇ છે. જે પૈકી સત્તાવાળાઓ દ્વારા ર૯,૮૮ર અરજીને માન્યતા અપાઇને ઇમ્પેકટ ફીનાં સર્ટિફિકેટ અપાયાં છે.

ઉત્તર ઝોનમાંથી આજ દિન સુધીમાં કોર્પોરેશન રૂ.પ૬.પ૩ કરોડની આવક થઇ છે. કોર્પોરેશનના તમામે તમામ છ ઝોનમાં ઇમ્પેકટની આવકની દૃષ્ટિએ ઉત્તર ઝોન ચોથા ક્રમાંકે છે ઉત્તર ઝોનમાં સત્તાવાળાઓએ ૧૩,૭ર૩ અરજીને ફગાવી પણ દીધી છે. આ અરજદારોની અરજીને ફગાવતી વખતે તંત્રના કારણો ભલે નીતિ-નિયમ મુજબના હોય, પરંતુ જે અરજદારોના ઇમ્પેકટ ફી ભર્યા બાદ પણ તેમના બાંધકામ નિયમિત થયાં નથી કે તંત્ર દ્વારા ઇ સર્ટિફિકેટ અપાયાં નથી તે બાબત ચર્ચાના ચગડોળે ચઢી છે.

ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની આ પ્રકારની ગંભીર બેદરકારીથી શાસકો પણ નારાજ હોવાનું જાણવા મળ્યું છે. જેના કારણે છેક ઉચ્ચ સ્તરેથી આ અંગે તપાસ કરવાના આદેશ અપાયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે મ્યુનિ. તિજોરીમાં આજ દિન સુધીમાં ઇમ્પેક્ટ ફીની આવક પેટે રૂ.૩ર૯.પ૦ કરોડ ઠલવાયા છે.

You might also like