મૌકા દેખ કે ચૌકાઃ રિવરફ્રન્ટ પર દારૂની મહેફિલો જામી

અમદાવાદ: ૩૧ ડિસેમ્બરની છેલ્લી નાઈટને વિદાય આપવા માટે અને નવા વર્ષને વેલકમ કરવા માટે ફાર્મ હાઉસ અને હોટલોમાં લોકો મોટી સંખ્યામાં ઊમટી પડયા હતા. શહેર પોલીસ ફાર્મ હાઉસ અને હોટલોમાં ચેકિંગમાં વ્યસ્ત રહી ત્યારે યંગસ્ટરોએ રિવરફ્રન્ટના પાર્કિંગમાં કારમાં બેસીને દારૂની મહેફિલ માણી હતી. રિવરફ્રન્ટ ઉપર બે પોલીસ મથક આવેલાં છે. જે બંને પોલીસ મથકના મોટા ભાગના સ્ટાફ સીજી રોડ અને એસજી હાઈ વે ઉપર બંદોબસ્તમાં ફાળવવામાં આવ્યા હતા.રિવરફ્રન્ટના પાર્કિંગમાં જ ૧૨ના ટકોરે દારૂની બોટલો ખોલીને દારૂ ઢીંચતા ફેમિલી સાથે રિવરફ્રન્ટ પરથી પસાર થતા લોકોએ દારૂડિયાઓને ટોકયા હતા.

૨૦૧૫ના વર્ષના આખરી દિવસને શહેરીજનો વિદાય આપવા માટે અને ૨૦૧૬ના નવા વર્ષને વધાવવા માટે રાત્રે ૧૧ વાગ્યાથી સીજી રોડ અને એસજી હાઈ વે પર મોટી સંખ્યામાં ઊમટી પડયા હતા. શહેર પોલીસે શહેરની મોટા ભાગના પોલીસને સીજી રોડ અને એસજી હાઈ વેને ફાળવી દીધા હતા.બીજી તરફ યંગસ્ટરોએ રિવરફ્રન્ટ ઉપર એક પણ પોલીસ નહીં હોવાથી પાર્કિંગમાં જ દારૂની બોટલ ખોલીને પીવાનું ચાલુ કરી દીધું હતું. આશ્રમરોડનાં પાર્લરો પરથી યંગસ્ટરોએ ઠંડાં પીણા ખરીદી રિવરફ્રન્ટમાં ગાડીઓમાં પાર્ક કરીને બેસી ગયા હતા. રિવરફ્રન્ટ પોલીસ મથકના જણાવ્યા મુજબ રિવરફ્રન્ટ પરથી કોઈ દારૂ પીતા પકડાયા ન હોવાથી એક પણ કેસ કરવામાં આવ્યો નથી.

કેટલાક યંગસ્ટર બાઈક ચાલકો પોલીસની હાજરીમાં જ જાહેર રસ્તા પર જ સ્ટંટબાજી કરીને ચિચિયારીઓ કરી હતી અને ફરજ પર હાજર પોલીસે તમાશો જોતા રહ્યા હતા. જયારે નવા વર્ષને વેલકમ કરવા માટે ફેમિલી સાથે સીજીરોડ અને એસજી હાઈ વે પર આવેલા લોકોને ગાડીઓ અને બાઈક ચાલકો નજીકથી ચિચિયારીઓ કરીને ઠઠ્ઠા મશ્કરી કરતા નજરે પડયા હતા.

You might also like