પેન્સિલ પકડતાં અાવડતી નથી તેમ કહી સાડા ત્રણ વર્ષના બાળકને સ્કૂલમાંથી કાઢી મૂક્યો

અમદાવાદ: શિક્ષણ એ બાળકોનો મૂળભૂત અધિકાર છે. બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા અનેક શૈક્ષણિક કાર્યક્રમોની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ગરીબ બાળકો માટે આરટીઆઇ હેઠળ પ્રવેશની પણ જોગવાઇ કરવામાં આવે છે, જેથી ગરીબ બાળકો પણ સારું શિક્ષણ મેળવી શકે, પરંતુ શહેરના વાસણા વિસ્તારમાં આવેલ આર.એમ. અધ્વર્યુ સ્કૂલના આચાર્યએ બે ભાઇ-બહેનને સ્કૂલમાંથી કાઢી મૂક્યાં છે તેનું કારણ માત્ર એટલું જ છે કે જુનિયર કેજીમાં ભણતા સાડા ત્રણ વર્ષના વિદ્યાર્થીને પેન્સિલ પકડતાં આવડતી નહોતી જ્યારે ધો.૧માં ભણતી તેની બહેનને પણ ભાઇના કારણે જ સ્કૂલમાંથી કાઢી મુકાઇ છે.

શિક્ષણજગત માટે કલંક સમાન આ ઘટનાની વિગત એવી છે કે માલાબહેન દંતા‌ણી શહેરના વાસણા વિસ્તારમાં લોકોના ઘરે કામ કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. તેમના પતિનું ત્રણ વર્ષ પહેલા અવસાન થયું છે. તેમણે પેટે પાટા બાંધીને બે બાળકોને સારું શિક્ષણ મળે તે માટે આર.એમ. અધ્વર્યુ સ્કૂલમાં મૂક્યાં છે. તેમની પુત્રી સેજલ પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે જ્યારે મયૂર જુનિયર કેજીમાં અભ્યાસ કરે છે, જેમાં મયૂરને પેન્સિલ પકડતાં નહીં આવડતી હોવાથી તેને અને તેની બહેન સેજલને શાળામાં પ્રવેશબંધી ફરમાવી દેવાઇ છે.

માલાબહેન દંતાણીએ જણાવ્યું હતું કે બંને ભાઇ-બહેને ગત વર્ષે પણ આ જ શાળામાં અભ્યાસ કર્યો છે. આ વર્ષે પણ આ જ શાળામાં પ્રથમ સત્રની ફી ભરી છે. શાળા શરૂ થયાના બે મહિના બાદ શાળાનાં આચાર્યા મીનાક્ષીબહેન જાનીએ મને બોલાવીને કહ્યું હતું કે, “તમારા મયૂરને પેન્સિલ પકડતાં નથી આવડતી તો તમે તેને શાળામાંથી ઉઠાડી લો અને સોનલને પણ ઉઠાડી લો.” માલાબહેને ઇનકાર કરતાં છેલ્લા ચાર દિવસથી આચાર્યાએ બંને બાળકોને શાળામાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દીધો છે.

આ બાબતે ‘સમભાવ મેટ્રો’ના પ્રતિનિધિએ આચાર્યા મીનાક્ષીબહેન જાનીની મુલાકાત લીધી હતી, જોકે ઓળખ આપી ન હતી. મયૂર અને સેજલને કાઢી મૂકવા અંગે પૂછતાં મીનાક્ષીબહેને સ્પષ્ટ કહ્યું હતું કે, “તે બંનેને હવે શાળામાં પ્રવેશ નહીં મળે.” જ્યારે પ્રિન્સિપાલને પૂછયું કે વિદ્યાર્થીને શિખવાડવાની જવાબદારી શિક્ષકની છે કે નહીં? ત્યારે તેમણે કહ્યું કે, “વર્ગદીઠ પ૦ વિદ્યાર્થી છે. અમારે કેટલા પર ધ્યાન આપવું?” પ્રિન્સિપાલે એમ પણ કહ્યું કે, “બાળકોને નવડાવ્યા વિના જ સ્કૂલે મોકલે છે.”

જ્યારે ‘સમભાવ મેટ્રો’ના પ્રતિનિધિએ પ્રિન્સિપાલ મીનાક્ષીબહેનને પૂછયું કે, “તમે સેજલને શા માટે કાઢી મૂકી?” તો પ્રિન્સિપાલે કહ્યું કે, “અમે સેજલને નથી કાઢી મૂકી, પરંતુ જ્યારથી મયૂરને ના પાડી છે ત્યારથી સેજલ પણ નથી આવતી.”

જોકે જ્યારે સમભાવ મેટ્રોના પ્ર‌િતનિધિએ પત્રકાર તરીકેની ઓળખ આપી તો પ્રિન્સિપાલના તેવર થોડા બદલાઇ ગયા હતા. પ્રિન્સિપાલે એમ કહ્યું હતું કે, “તમે વિદ્યાર્થીની જવાબદારી લેવા તૈયાર છો?” જોકે છેવટે મીનાક્ષીબહેને મયૂર અને સેજલને સ્કૂલમાં આવવા દઇશું તેવી ખાતરી આપી હતી.
જ્યારે આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારી નવનીત મહેતાએ જણાવ્યું કે, “હજુ સુધી મને આવી કોઇ ફરિયાદ મળી નથી, પરંતુ જ્યારે આવી ફરિયાદ આવશે તો ચોક્કસ તથ્ય જાણીને પગલાં ભરવામાં આવશે.”

You might also like