સિંગતેલના ભાવમાં મક્કમ સુધારો, ડબ્બાનો ભાવ 1700એ પહોંચ્યો

અમદાવાદ, ગુરુવાર
સિંગતેલના ભાવમાં ફરી એક વખત સુધારાની ચાલ નોંધાતી જોવા મળી છે. સ્થાનિક બજારમાં સિંગતેલના ભાવ ૧૭૦૦ની સપાટીની નજીક ૧૬૯૦ રૂપિયાના મથાળે પહોંચી ગયા છે. સ્ટોકિસ્ટોએ આગામી દિવસોમાં કમૂરતા ઉતર્યા બાદ ડિમાન્ડ વધવાની શક્યતાઓ પાછળ ઘટાડે ખરીદી વધારતા સિંગતેલના ભાવમાં સુધારાની ચાલ જોવા મળી છે.

ઉલ્લેખનીય છે કે પાછલાં બે-ત્રણ સપ્તાહમાં સિંગતેલના ભાવમાં સ્ટેડી ચાલ જોવા મળી હતી. કાલુપુર બજારના હોલસેલ વેપારીઓના જણાવ્યા પ્રમાણે મલેશિયામાં પામતેલના ભાવમાં વધારો નોંધાયો છે. ચીનના નવા વર્ષની માગના પગલે વૈશ્વિક બજારમાં સૌથી વધુ એક્સપોર્ટ કરતું મલેશિયાના પામતેલમાં ભાવમાં સુધારાની ચાલની અસરથી પણ સિંગતેલના ભાવને સપોર્ટ મળ્યો છે.

દરમિયાન કપાસિયા તેલના ભાવમાં પણ મજબૂત સુધારાની ચાલ નોંધાતી જોવા મળી છે. કપાસિયા તેલનો ડબે ભાવ ૧૨૦૦ની સપાટી ક્રોસ કરી ૧૨૨૦-૧૨૩૦ની સપાટીએ પહોંચી ગયેલો જોવા મળ્યો છે. કપાસની આ વખતે મગફળીની સરખામણીમાં નીચા વાવેતરના પગલે કપાસિયા તેલના ભાવમાં મજબૂત સુધારો જોવા મળ્યો છે.

દરમિયાન પાછલા વર્ષની સરખામણીમાં સિંગતેલના ભાવમાં ડબે હાલ રૂ. ૫૦થી ૭૦ નીચા જોવા મળી રહ્યા છે. હોલસેલ વેપારીઓના જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં સ્ટોકિસ્ટોની ખરીદીના પગલે સિંગતેલના ભાવને સપોર્ટ મળી શકે છે અને કમૂરતા ઊતર્યા બાદ રૂ. ૧૭૦૦ની સપાટી ક્રોસ કરે તેવી શક્યતા વ્યક્ત કરાઇ છે.

You might also like