બુરહાન વાની બાદ દુજાના પણ ઠાર થતાં કાશ્મીરમાં શાંતિ સ્થપાશે ખરી?

દેશના સરહદી રાજ્ય એવા કાશ્મીરમાં ચાર વર્ષથી આતંકવાદનો વિકલ્પ બની ગયેલા અને જેના શિરે ૧૫ લાખનું ઈનામ જાહેર થયું હતું તેવા લશ્કર-એ-તોઇબાના કમાન્ડર અબુ દુજાના ઉર્ફે હાફીઝનું ભારતીય સુરક્ષા દળોએ ઢીમ ઢાળી દેતાં કાશ્મીરમાં આતંક મચાવનારા વધુ એક આતંકીનો ખાતમો થયો છે ત્યારે હવે સવાલ અેવા થઈ રહ્યા છે કે શું બુરહાન વાની બાદ દુજાના પણ ઠાર મરાયો છે ત્યારે લગભગ ૧૩ માસથી અશાંત રહેલા કાશ્મીરમાં શાંતિનો માહોલ સ્થપાઈ શકશે ખરો? હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર બુરહાન વાની ૨૦૧૬ના જુલાઇમાં ઠાર કરાયો હતો. એટલે કે ૧૩ મહિના બાદ લશ્કર-એ-તોઇબાના કમાન્ડર અબુ દુજાનાનું ઢીમ ઢાળી દેવાની ઘટના સુરક્ષા દળો માટે મોટી સફ‍ળતા સમાન છે. અગાઉ જ્યારે વાની ઠાર મરાયો હતો ત્યારે જે રીતે તેના સમર્થનમાં કાશ્મીરીઓએ નારા લગાવીનેે પથ્થરમારો કર્યો હતો તેવી જ ઘટનાનું પુનરાવર્તન દુજાનાનાં મોત બાદ જોવા મળી રહ્યું છે. દુજાનાનાં મોત બાદ કાશ્મીર ફરી ભડકે ન બળે તે માટે આગોતરા પગલાં રૂપે સુરક્ષા દળોએ ઇન્ટરનેટ, ફોન સેવા, રેલવે સેવા બંધ કરીને કેટલાક વિસ્તારોમાં અઘોષિત સંચારબંધી પણ લાદી દીધી છે.

આ ઘટનાના સાક્ષી એવા જમ્મુ-કાશ્મીર પોલીસના આઈજી મુનીર અહેમદ ખાને જણાવ્યું હતું કે કાશ્મીરમાં હાલ સુરક્ષા દળ આતંકવાદ વિરોધી અભિયાનમાં વ્યસ્ત છે ત્યારે ૧૦૦ કરતાં વધારે દેખાવકારોએ તેમના પર પથરા ફેંક્યા હતા. દુજાના અને તેનો સ્થાનિક સાથી આરિફ લીલહારી પુલવામાના હકરીપુરા વિસ્તારમાં છુપાયો હોવાની બાતમી મળ્યા બાદ સવારે ઝપાઝપી શરૂ થઈ હતી ત્યારે એક સમયે તો એમ લાગ્યું કે જેની ઘેરાબંધી કરાઈ છે, તે અબુ દુજાના છે કે અન્ય કોઈ? અમે સતર્ક હતા અને વ્યૂહ ઘડતા રહ્યા હતા. સવારે આઠ વાગ્યા સુધી ત્યાં પથરમારો ન થતાં અમને ખાતરી થઈ કે તે અબુ દુજાના છે. ત્યાંના લોકો દુજાના પ્રતિ ભારોભાર માન અને સહાનુભૂતિ દર્શાવે છે. તેણે ભારતીય સુરક્ષા દળોની શરણાગતિ સ્વીકારવાનો નનૈયો ભણી દેતાં અમે તેના ઘરને સળગાવી દેતાં તે અને તેનો સાથીદાર કાટમાળ હેઠળ દબાઈને મરણ પામ્યા હતા. તેમની લાશ થોડી સળગી ગઈ હતી.

જોકે આ અગાઉ પણ દુજાના સાત વખત સુરક્ષા દળોને થાપ દઈને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. લશ્કરનો કમાન્ડર દુજાના સુરક્ષા દળોની ગોળીથી વીંધાતા પણ કેટલીયે વાર બચી ગયો હતો. પરંતુ આ વખતે તેને નસીબે યારી આપી ન હતી. તેમજ તે અગાઉના એન્કાઉન્ટર વખતે પણ તે ઘટનાસ્થળે આઇફોન ભૂલીને જીવ બચાવીને ભાગી ગયો હતો. ટેક્નોલોજીમાં નિપુણ દુજાનાના ફોન દ્વારા જ તેની સુરક્ષા દળોને તેની હિલચાલની ભાળ મળતી હતી. સૈન્ય, પોલીસ તેમ જ અન્ય સુરક્ષા દળોએ આદરેલી સંયુક્ત કામગીરીમાં તેનો ઘડોલાડવો થઈ ગયો હતો.

દુજાના પત્નીને મળવા ગામ આવ્યો હતો. ઐય્યાશ અને ટેક્નોસેવી દુજાના આ વિસ્તારની યુવતીઓ માટે પણ ભારે ખતરનાક બની ગયો હતો. દુજાના પર જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના હક્ડીપોરા ગામમાં ઘેરો ઘાલવામાં આવ્યો હતો. તે પત્નીને મળવા અવારનવાર આવી ચડતો અને સુરક્ષા દળને હાથતાળી આપીને નાસી જવામાં સફળ નીવડતો હતો. તેના વિસ્તારમાં ખાસ વોચ રાખવામાં આવતી હતી. આ વખતે તેના આગમનની બાતમી મળતાં જ પોલીસ અને સુરક્ષા દળના જવાનોને સાદા વસ્ત્રોમાં ત્યાં તહેનાત કરી દેવાયા હતા. બે કલાક બાદ ઘટનાસ્થળે વધારાના દળ મોકલ્યા હતા. ત્યારબાદ જમ્મુ-કાશ્મીર પોલીસ તથા સ્પેશિયલ ઓપરેશન જૂથના નેજાં હેઠળ સમગ્ર વિસ્તારને ઘેરો ઘાલીને શોધ કામગીરી આદરી હતી. પોલીસને સૈન્યની ૧૮૨ બટાલિયન, ૧૮૩ બટાલિયન, ૫૫ રાષ્ટ્રીય રાઈફલ્સ અને કેન્દ્રીય અનામત પોલીસ દળનો સહયોગ સાંપડ્યો હતો. ઓપરેશનમાં જાણવા મળ્યું હતું કે બે ત્રાસવાદી એક ઘરમાં સંતાયા છે. આ જોખમી કામગીરીમાં તેમને બહાર કાઢવાના જોરદાર પ્રયાસો કરાયા હતા પણ તેઓ ટસના મસ ન થતા તે ઈમારતને ફૂંકી મારવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. બંનેની લાશ મળ્યા બાદ જમ્મુ-કાશ્મીર પોલીસે પણ દુજાના મૃત્યુ પામ્યો હોવાનો વાત પર મંજૂરીની મહોર મારી હતી.

ગીલગીટ-બા‌લ્ટિસ્તાનના રહીશ અબુ ઉર્ફે હાફીઝે શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ૨૦૧૫માં બીએસએફના કાફલા પર હુમલાના કાવતરામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને બાદમાં પણ તેણે અવારનવાર આવા હુમલા કર્યા હતા. તેથી તે પહેલાથી જ સુરક્ષાદળોના નિશાન પર હતો.

http://sambhaavnews.com/

You might also like