પીસીબી, ડીજી વિજિલન્સ અને સીઆઈડીના દરોડા બાદ સરદારનગર પીઆઈ રજા પર ઊતરી ગયા

અમદાવાદ: દારૂબંધીના કડક કાયદાના અમલીકરણ બાદ પણ શહેરના સરદારનગર વિસ્તારમાં દીવ-દમણની જેમ ખુલ્લેઆમ દારૂ વેચાઇ રહ્યો હોવાની ફરિયાદો છેક ગાંધીનગર સુધી પહોંચી છે. ડીજી વિજિલન્સ, પીસીબી અને સીઆઇડી ક્રાઇમના સીઆઇ સેલે સરદારનગરમાં દારૂ-જુગારના અડ્ડા પર દરોડા પાડીને દારૂનો જથ્થો પકડતાં સરદારનગર પોલીસ ઊંઘતી ઝડપાઇ ગઇ હતી.. સરદારનગર પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ઝાલા વિરુદ્ધમાં ઉચ્ચ અધિકારીઓએ ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી શરૂ કરતાં તેઓ ગઇ કાલથી રજા પર ઊતરી ગયા છે. સરદારનગર પોલીસ સિવાય અન્ય પોલીસની એજન્સીઓએ દરોડા પાડતાં ગઇ કાલે મોડી રાતે સરદારનગર પોલીસે પણ છારાનગરમાં દરોડા પાડીને ત્રણ કરતાં વધુ દેશી દારૂના કેસ કર્યા હતા.

સરદારનગર વિસ્તારમાં રવિવારના દિવસે નામચીન બુટલેગર રાજુ ગેંડીના બે સાગરીતો પાસેથી વિદેશી દારૂની ૬૭ર બોટલ નોબલનગર પાસેથી પીસીબીએ પકડી પાડ્યો હતો. ભરત સિંધી અને વાસુદેવ રિક્ષામાં દારૂનો જથ્થો લઇને રાજુ ગેંડીના અડ્ડા પર જઇ રહ્યા હતા ત્યારે તેમની ધરપકડ કરી હતી. ત્યારબાદ ડીજી વિજિલન્સ સ્કવોડે સરદારનગરમાં આવેલ સંતોષીનગરમાં દરોડા પાડીને સાત જુગારીઓની રૂ.૧પ,૦૦૦ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. જ્યારે સીઆઇડી ક્રાઇમના સીઆઇ સેલે નોબલનગર વિસ્તારમાં દરોડા પાડીને ૬૦૦ બોટલ પકડી હતી.

સરદારનગરમાં દારૂનાં જાહેરમાં સ્ટેન્ડ ચાલે છે તેવી અનેક ફરિયાદો સ્થાનિકોએ પોલીસ કમિશનરથી લઇને ગાંધીનગર સુધી કરી હતી, જેના પગલે છેલ્લા બે દિવસમાં અલગ અલગ દરોડા પાડીને પોલીસે દારૂની ૧ર૭૦ બોટલ કબજે કરી હતી. દારૂના અડ્ડા પર પોલીસની બે એજન્સીઓએ દરાડો પાડતાં સરદારનગર પોલીસ ઊંઘતી ઝડપાઇ હતી. આ મામલે સેક્ટર-રના જેસીપી ડી.બી.વાઘેલાએ જણાવ્યું હતું કે સરદારનગરમાં મળેલા દારૂના મામલે પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ઝાલા વિરુદ્ધમાં ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી શરૂ કરવામાં આવી છે.
http://sambhaavnews.com/

You might also like