પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પણ ઇચ્છે છે કે ભારત સામેની શ્રેણી શ્રીલંકામાં યોજાય

નવી દિલ્હીઃ એક તરફ શ્રીલંકા આગામી મહિને ભારત અને પાકિસ્તાન વચ્ચે યોજાનારી સંભવિત દ્વિપક્ષી શ્રેણીનું યજમાન બનવા સંપૂર્ણપણે તૈયાર છે ત્યારે શ્રેણી શ્રીલંકામાં યોજાય તો પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)ને પણ મોટી રાહત મળશે, કારણ કે એનાથી પ્રસારણ અધિકારનો મુદ્દો પણ ઉકેલાઈ જશે.

શ્રીલંકા ક્રિકેટ (એસએલસી)નાં સૂત્રોએ જણાવ્યું કે અમે આ શ્રેણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે, પરંતુ આ અંગેની જાણકારી પીસીબી ટાસ્કફોર્સ ચેરમેન જાઇલ્સ ક્લાર્ક તરફથી સત્તાવાર નિવેદન પછી જ અપાશે. આ શ્રેણીનું પ્રસારણ દુબઈ સ્થિત પ્રસારણકર્તા ટેન સ્પોર્ટ્સ દ્વારા કરાશે, જેનો અર્થ એ છે કે પીસીબીએ પોતાની આવક અંગે સમજૂતી કરવી નહીં પડે. બીસીસીઆઇના એક સિનિયર અધિકારીએ કહ્યું કે જો ભારતમાં શ્રેણીનું આયોજન થયું હોત તો તેનું પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ કરત, કારણ કે તેમની પાસે ભારતની ઘરેલુ શ્રેણીઓના પ્રસારણના અધિકાર છે. જો આપણે આ શ્રેણીને પાકિસ્તાનની ઘરેલુ શ્રેણી કહીએ તો એમાં કાનૂની ગૂંચવણો ઊભી થાત.

ટેન સ્પોર્ટ્સ પાસે શ્રીલંકામાં યોજાતી આંતરરાષ્ટ્રીય મેચના પ્રસારણના અધિકાર છે. બાંગ્લાદેશ પણ પીસીબી માટે સારો વિકલ્પ બની શકત, પરંતુ ત્યાં બાંગ્લાદેશ પ્રીમિયર લીગની શરૂઆત થઈ ચૂકી છે. પાકિસ્તાનનો પ્રસારણકર્તા સાથેનો કરોડો રૂપિયાનો કરાર મોટા ભાગે ભારત સામેની પ્રસ્તાવિત શ્રેણી પર ટકેલો છે.

ભારત સામે રમવા પીસીબીએ સરકારની મંજૂરી માગી
કરાચીઃ પીસીબીએ પરસ્પરની સમજૂતીથી નક્કી કરાયેલા તટસ્થ સ્થળે ભારત સામે પ્રસ્તાવિત દ્વીપક્ષી શ્રેણી રમવા માટે વડા પ્રધાન નવાઝ શરીફ પાસે મંજૂરી માગી છે. પીસીબી અધ્યક્ષ શહરયાર ખાને મીડિયાને કહ્યું કે, ”અમે શ્રેણીના સંદર્ભમાં અહેવાલ વડા પ્રધાન નવાઝ શરીફને મોકલી આપ્યો છે અને ભારત સામે તટસ્થ સ્થળે શ્રેણી રમવા માટે તેમની પાસેથી મંજૂરી માગી છે.” દક્ષિણ આફ્રિકા સામે ૭ ડિસેમ્બરે ટેસ્ટ શ્રેણી સમાપ્ત થયા બાદ ભારત પાસે પાકિસ્તાન વિરુદ્ધ શ્રેણી રમવા માટે ફક્ત એક મહિનાનો સમય રહેશે અને એવામાં શરૂઆતમાં બે ટેસ્ટ, પાંચ વન ડે અને બે ટી-૨૦ મેચના સ્થાને ત્રણ વન ડે અને બે ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચની શ્રેણીનું આયોજન થઈ શકે તેમ છે.

You might also like