ભારતને નેગેટિવ રૂપમાં દર્શાવવા બદલ પ્રિયંકા સ્ટારર ‘ક્વાન્ટિકો’ના નિર્માતાએ માગી માફી

અમેરિકી ટેલિવિઝન સ્ટુડિયો એબીસીએ પોતાની ક્રાઇમ ડ્રામા ટીવી સિરિયલ ‘ક્વાન્ટિકો’ માટે ભારતીય પ્રશંસકોની માફી માગી છે. આ ચર્ચિત ટીવી સિરિયલના એક એપિસોડમાં પાકિસ્તાનને બદનામ કરવા માટે એક ભારતીય રાષ્ટ્રવાદીને તેની વિરુદ્ધ આતંકી પ્લોટની યોજના બનાવતા દર્શાવાયો છે. આ એપિસોડના પ્રસારણ બાદ તેનો મુખ્ય રોલ કરનારી બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા વિરુદ્ધ લોકોમાં ગુસ્સો ભડકી ઊઠયો છે.

ત્યાર બાદ વોલ્ટ ડિઝનીની એબીસીએ શુક્રવારે એક નિવેદન જારી કર્યું કે આ એપિસોડના કારણે લોકોની ઘણી બધી ભાવનાઓ સામે આવી છે જેમાં મોટા ભાગે પ્રિયંકા ચોપરાને નિશાન બનાવાઇ છે. જ્યારે તેણે આ શો બનાવ્યો નથી અને પ્રિયંકાએ આ શોની સ્ક્રિપ્ટ લખી નથી કે નિર્દેશિત કરી નથી.

એબીસીએ કહ્યું કે શોમાં ઘણા જૂના બેકગ્રાઉન્ડનો સહારો લેવાયો છે, પરંતુ આ મામલે અમે અજાણતા એક જટિલ રાજકીય મુદ્દામાં ઉલઝી ગયા છીએ. અમારો ઇરાદો કોઇનું અપમાન કરવાનો કયારેય નહોતો.

ઉલ્લેખનીય છે કે ૩પ વર્પીય પ્રિયંકા ચોપરાની સિરિયલ ‘ક્વાન્ટિકો’નો એપિસોડ પ્રસારિત થયા બાદ ભારતીય જનતા તેનાથી ખૂબ જ નારાજ છે. ખાસ કરીને તેની વિરુદ્ધ ઓનલાઇન કેટલાક લોકોએ પ્રિયંકાના કામનો ‌બહિષ્કાર કરવાની વાત પણ કરી છે.

દ‌િક્ષણ કોરિયાઇ કંપની સેમસંગ સહિત એ કંપનીઓના ઉત્પાદનોનો પણ બહિષ્કાર કરવાની વાત કહેવાઇ રહી છે જેનો પ્રચાર પ્રિયંકાએ કર્યો હતો.

આ વિવાદાસ્પદ એપિસોડને પણ બ્લેકઆઉટ કરવાની માગણી કરવામાં આવી રહી છે.

જેમાં એફબીઆઇ એજન્ટ બનેલી પ્રિયંકાને રુદ્રાક્ષની પવિત્ર માળાને ક્રાઇમ સાઇનના પુરાવા તરીકે ઉઠાવતી દર્શાવાઇ છે.

You might also like