આઈટમ નંબરથી પાયલ કરી રહી છે બોલીવુડમાં કમબેક

એક દાયકા પહેલાં ફિલ્મ ‘કોર્પોરેટ’માં ‘ઓ સિકંદર…’ આઇટમ સોંગ કરનારી પાયલ રોહતગી એક આઇટમ નંબરની સાથે રૂપેરી પરદે કમબેક કરી રહી છે. ‘આદત ખરાબ હૈ બોલબાલ’ શબ્દોવાળું આ આઇટમ સોંગ એક રિજનલ ફિલ્મ માટે ફિલ્માવાયું હતું. આ ફિલ્મ તામિલ, તેલુગુ અને ભોજપુરી ત્રણેય ભાષામાં રિલીઝ થશે, પરંતુ આ ગીત હિંદીમાં હશે.

ભોજપુરીમાં ફિલ્મ ‘હલકા મચા કૈ ગઇલ…’ નામથી રિલીઝ થશે. આ ગીતનું શૂટિંગ એક ભવ્ય સેટ પર કરાયું છે, જેમાં પાયલની સાથે ફિલ્મનો હીરો રાઘવ નૈયર પણ હશે. ગીતમાં પાયલનું બિનધાસ્ત રૂપ જોવા મળશે. પાયલ કહે છે કે મને ડાન્સ સાથે પ્રેમ છે, પરંતુ મેં ‘ઓ સિકંદર…’ બાદ કોઇ આઇટમ સોંગ કર્યું નથી, કેમ કે હું આઇટમ ડાન્સરની છબીમાં બંધાવા ઇચ્છતી ન હતી.

પાયલે નાના પરદા પર ‘બિગ બોસ’ અને ‘સર્વાઇવલ ઇન્ડિયા’ જેવા શો કર્યા છે. તેણે ‘નચ બલિયે’માં પણ ભાગ લીધો હતો. હવે પાયલ આઇટમ સોંગમાં એટલે રસ લઇ રહી છે, કેમ કે તે એક મોટા પરદા પર મોટા બજેટ સાથે ફિલ્માવાઇ રહ્યું છે. આવામાં પ્રોડ્યૂસર રમેશ નૈયરે પાયલને આ ફિલ્મની ઓફર કરી ત્યારે તે ના ન કહી શકી.

આ આઇટમ નંબર બાદ પહેલવાન અને અભિનેતા સંગ્રામસિંહ સાથે તેનાં લગ્નની દર્શકોને આતુરતાથી રાહ છે. પાયલ કહે છે કે સંગ્રામે કહ્યું છે કે આપણે ઠંડીની સિઝનમાં લગ્ન કરીશું. જોઇએ હવે આગળ શું થાય છે?

You might also like