પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટ આપી મ્યુનિ.એ હાથ ઊંચા કરી દીધા

અમદાવાદ: શહેરના રસ્તા પર આડેધડ વાહન પાર્ક થતાં હોઇ ટ્રાફિક જામની સમસ્યાના નિરાકરણ માટે એક વખત મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓએ રોડ પર નવા પે એન્ડ પાર્કનો હવાલો મહિલાઓને સોંપીને ખાસ મહિલા માર્શલ તૈયાર કરવાનાં બણગાં ફૂંક્યાં હતાં. આ પ્રયોગનું તો જાણે કે બાળમરણ થયું છે, પરંતુ હયાત પે એન્ડ પાર્ક પણ નાગરિકો માટે સુવિધારૂપ બનવાને બદલે રોજબરોજનો કકળાટ બન્યો છે. શહેરમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓના પણ પે એન્ડ પાર્ક ચાલતા હોઇ સત્તાવાળાઓએ એક પ્રકારે આના કોન્ટ્રાક્ટ આપી હાથ ઊંચા કરી દીધા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરભરમાં ૧૦૦થી વધુ પે એન્ડ પાર્કના કોન્ટ્રાકટ અપાયા છે. પે એન્ડ પાર્કમાં તંત્ર દ્વારા જે તે વર્ષ માટેની નિયત રકમ જે તે કોન્ટ્રાકટ પાસેથી લેવાઇને તેનો હવાલો સોંપી દેવાય છે. એક વખત પે એન્ડ પાર્કનો હવાલો મળી જાય પછી કેટલાક માથાભારે કોન્ટ્રાક્ટરના માણસો રોડ પર રીતસરનો આતંક ફેલાવવા લાગે છે. અમુક સ્થળે એ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ પે એન્ડ પાર્કનો કોન્ટ્રાક્ટ વર્ષોથી ચલાવી રહ્યા હોઇ જે તે ઝોનના એસ્ટેટ ઓફિસર આવા કોન્ટ્રાક્ટરની શરમ ભરે છે.

કોન્ટ્રાક્ટર વાહનચાલકો પાસે નિયત ફી કરતાં વધુ રકમ વસૂલે છે, તેની કાચી રસીદ પણ અપાતી નથી. ક્યાંક રસીદ અપાય છે તો સમય, તારીખ જેવી વિગતો હોતી નથી. આવી મોંઘમ ચિઠ્ઠીના કારણે વાહનચાલકોને રોજ માથાકૂટ થાય છે. આ પ્રકારની ફરિયાદો તંત્ર સુધી પહોંચે જ છે. ચૂંટાયેલ પાંખના ઉચ્ચ હોદ્દેદારો પણ પે એન્ડ પાર્કમાં લોકોને પડતી હાલાકીથી વાકેફ છે. એસ્ટટનો હવાલો સંભાળતા પૂર્વ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર જે.એસ. પ્રજાપતિ કહે છે, ફરિયાદ ઊઠે છે ત્યાં તંત્ર તપાસ કરાવે જ છે, પરંતુ હવે શહેરભરમાં પે એન્ડ પાર્ક માટે સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરવાની સૂચના આપીશ તેમજ પ્રશ્નોના કાયમી ઉકેલ માટે ટેન્ડરની નવી શરતમાં કોન્ટ્રાક્ટરે રસીદ ફાડવા હેન્ડી મશીન વસાવવાનો ઉમેરો કરાશે.
http://sambhaavnews.com/

You might also like