ચૈત્રી નવરાત્રિનું અંતિમ નોરતું, પાવાગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

આજે ચૈત્રી નવરાત્રીનું અંતિમ નોરતું હોવાથી માતાજીના મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે અમદાવાદના લાલદરવાજા પાસે આવેલ ભદ્રકાળી મંદિરે વહેલી સવારથી ભક્તો ઉમટયા છે. ગુપ્ત નવરાત્રિ તરીકે ઓળખાતા ચૈત્રી નવરાત્રિનો અંતિમ દિવસ હોવાથી ભક્તોએ માતાના દર્શનનો લ્હાવો લીધો હતો. ભદ્રકાળી મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા લાલ દરવાજા પાસે ભીડ જોવા મળી હતી.

અંતિમ નોરતાના કારણે યાત્રાધામ અંબાજી અને પાવાગઢ એમ બંને જગ્યાએ પણ ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો. પાવાગઢમાં મહાકાળીના મંદિરે ચૈત્રી નવરાત્રીને લઇને ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. આખી ચૈત્રી નવરાત્રીમાં આજ અંતિમ દિવસ સુધી પાવાગઢમાં 2 લાખથી પણ વધુ ભક્તો દર્શને આવ્યા છે, તેવું મંદિર તરફથી જાણવા મળી રહ્યું છે.

જો કે નવરાત્રિમાં આઠમ અને નોમનું ખાસ મહત્વ હોય છે. ઉપરથી આજે અંતિમ નોરતાના દિવસોમાં શનિવાર અને રવિવાર આવતો હોવાથી ભક્તો મોટી સંખ્યામાં પરિવાર સાથે ઉમટ્યા હતા. જો કે ભક્તોનો ઘસારો વધ્યો હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

You might also like