પાવાગઢ છે શક્તિપીઠ, જ્યાં બિરાજે છે મા ભદ્રકાળી અને મા મહાકાળી

ગુજરાતનાં ઇતિહાસમાં અને લોકકથાઓમાં પાવાગઢ ઉપરનાં માતા કાળકા એટલાં બધાં વણાઈ ગયાં છે કે, ગુજરાતની પ્રજામાંની ભાગ્યે જ કોઈ વ્યક્તિ પાવાગઢ તથા પાવાગઢના મહાકાળીના નામથી અજાણ હશે. માતાઓના ગરબાઓમાં ‘પાવાગઢના મા’ પ્રસિદ્ધ છે. ગુજરાતનાં શક્તિપીઠોમાંનું એક મહત્વનું પીઠ છે.

ગુજરાતમાં અનેક ધાર્મિક સ્થળો તથા યાત્રાધામો આવેલાં છે. ગુજરાતની ચારેય દિશામાં જુદાં જુદા દેવ દેવી બિરાજેલાં છે. જે સદાય ગુજરાતની ચારેય દિશાના દુશ્મનોથી રક્ષા કરે છે. ઉત્તર િદશાનું રખોપું કરે છે. મા અંબા, પૂર્વ દિશામાં બિરાજે છે મા કાળકા, દક્ષિણ દિશાને સાચવે છે. કુંતેશ્વર મહાદેવ તો સોમનાથ અને દ્વારકેશ પશ્ચિમ દિશા સાચવીને બેઠા છે.

ગુજરાતમાં પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલું અતિ પ્રાચીન યાત્રાધામ પાવાગઢ. કરોડો વર્ષ પહેલાં આ સ્થળે જવાળામુખી ફાટી નીકળવાથી તેના લાવારસથી કુદરતી બનેલો અતિ પ્રાચીન પાવાગઢ પર્વત છે. જેને ભૂસ્તરશાસ્ત્રી, વિજ્ઞાનીઓ લગભગ આઠથી નવ કરોડ વર્ષનો અતિ પ્રાચીન હોવાનું દૃઢપણે માને છે. પાવાગઢ પૂર્વ દિશામાં આવ્યું છે. જેમાં માતા કાળકા સાક્ષાત બિરાજે છે. પાવાગઢ વિશે લોકોમાં જાત જાતની વાતો ચાલે છે.

પુરાણ ધર્મગ્રંથ અનુસાર કોપાયમાન થયેલા ભગવાન શિવજી માતા સતી દેવીના નશ્વર દેહને તાંડવ નૃત્ય કરતા પરિભ્રમણ કરી રહ્યા હતા. ત્યારે ભગવાન શિવજીના ક્રોધને ઠંડો કરવા વિષ્ણુ ભગવાનના ચક્રથી સતીના જમણા પગની આંગળી પાવાગઢ પર્વતના સૌથી ઊંચા શિખરના ટોચ પર પડી. આજે એ જ પવિત્ર, પાવન સ્થળે સાક્ષાત મહાકાળી માતાજી બિરાજે છે. એમ પણ કહેવાય છે કે આજે જ્યાં અડીખમ દુર્જેય પાવાગઢ છે ત્યાં હજારો વર્ષ પહેલા ઊંડી ખાઈ હતી. તે ખાઈ નજીક વિશ્વામિત્ર રહેતા હતા.

એક વખતની વાત છે. તેમની પાસે દિવ્ય શક્તિઓ ધરાવતી કામધેનુ ગાય છે. તે ચરવા નીકળી છે. તેની સાથે કોઈ ગોવાળિયો નહોતો. તે ચરતી ચરતી ઊંડી ખીણમાં ગબડી પડી. ખીણ ખૂબ ઊંડી હતી. ગાય ઉપર આવી શકે તેમ નહોતું. વિશ્વામિત્ર ગાયને શોધવા નીકળ્યા. ગાયને તેમણે ખીણમાં જોઈ. તેમનું ઋષિ હૃદય કકળી ઊઠ્યું. તરત તેમણે ભગવાનને આરાધ્યા.

તેમણે ખીણને પૂરી ગાયને બહાર લાવવા પ્રાર્થના કરી. વિશ્વામિત્રની પ્રાર્થના ભગવાને તરત સાંભળી. ગાય જ્યાં હતી ત્યાં ભગવાને એક પહાડ એવી રીતે ઊભો કર્યો કે પહાડના ત્રણ ભાગ વડે તે ખાઈ પુરાઈ ગઈ અને ચોથો જે ભાગ બહાર રહ્યો તે પાવાગઢ તરીકે પ્રસિદ્ધ થયો. ગાય ધીમે ધીમે પહાડ ચઢતી ચઢતી પોતાના પ્રિય ઋષિ પાસે આવે ગઈ. વિશ્વામિત્ર ઋષિ તપ માટે જગા શોધતા હતા તે વખતે તેમને પાવાગઢની ભૂમિ તપ માટે ઉત્તમ લાગી. પાવાગઢમાંથી એક પવિત્ર નદી નીકળતી હતી. આ નદી તટે તેમણે ખૂબ તપ કર્યું. તેથી તે નદી િવશ્વામિત્રી તરીકે ઓળખાઈ તેથી એક બીજી કથા પણ છે.

છસ્સો વર્ષ પહેલાં જ્યાં હાલનું પાવાગઢ છે ત્યાં હિંદુ રાજાની ચાંપાનેર નગરી હતી. તેમાં હિંદુ રાજપૂત પતાઈ રાવલ રાજાનો ભવ્ય કિલ્લાબંધી વિશાળ રાજમહેલ આવેલો હતો. ચારેય બાજુ પર્વતોની હારમાળાઓની તળેટીમાં ‘બાવન બજાર અને ચોર્યાસી ચૌટા’ ધરાવતી વિશાળ, વિખ્યાત ચાંપાનેર નગરી હતી. પાવાગઢ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ છે. પાવાગઢની તળેટીમાં ચાંપાનેર વસેલું છે.

ચાંપાનેર ઈ.સ. ૭૪૫માં એટલે કે આજથી લગભગ ૧૨૬૫ વર્ષ પહેલાં દક્ષિણના ચૌલુક્ય રાજા જયશિખરીના પુત્ર વનરાજ ચાવડાના સેનાપતિ ચાંપાએ વસાવ્યું હતું. તે કાળે માળવાની સરહદ નજીક આવેલી હોવાથી ગુજરાતનું રક્ષણ કરતો પાવાગઢ ખૂબ મજબૂત કિલ્લો હતો. પાવાગઢમાં કુલ ૧૨ રાજા થઈ ગયા. તેમાં ૧૨મો રાજા તે પતાઈ રાવળ. તેનું ખરું નામ જયસિંહદેવ પતાઈ. એક વખત નવરાત્રિના સમયમાં પતાઈ રાજા ગરબા જોવા નગરના ચોકમાં આવ્યો હતો. ત્યાં તેને એક ખૂબ રૂપરૂપના અંબાર સમી નારીને ગરબે ઘૂમતી જોઈ.

રાજા તે સ્ત્રીના રૂપમાં અંધ થઈ ગયો. તેણે તે સ્ત્રીનો પાલવ ખેંચ્યો. આ કાંઈ સામાન્ય સ્ત્રી નહોતી. તે તો સાક્ષાત મા મહાકાળી હતાં. તે ગરબે ઘૂમવા આવ્યાં હતાં. રાજાને તેમણે ઘણું સમજાવ્યો. છતાં રાજા ન માનતાં તેમણે પતાઈ રાજાને શ્રાપ આપ્યો. તે કારણે પતાઈનું રાજ નાશ પામ્યું. તે ગઢ ઉપર ગુજરાતનો મહંમદ બેગડો ચઢી આવ્યો.

તેણ પતાઈને હરાવી તેનો નાશ કર્યો. પાવાગઢ પર ભદ્રકાળી તથા મહાકાળિનાં બે શિખર છે. જે ૧૭૦૦ તથા ૨૭૨૦ ફૂટ ઊંચે છે. પાવાગઢ પર ૧૭૦૦ ફૂટ ઉપર માંચી નામનું સ્થળ છે. યાત્રાળુ રાત્રે માંચી રોકાય છે. સવારે ગઢ ચઢે છે. બપોર પહેલાં દર્શન કરી નીચે આવી જાય છે. પહેલાં તો અહીં પગથિયાં ચડીને જ જવું પડતું હતું પરંતુ હવે તો રોપ વે ની વ્યવસ્થા પણ છે. •

You might also like