૫૧ શક્તિપીઠમાંની એક શક્તિપીઠઃ પાવાગઢ

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા રમણીય પર્વત પાવાગઢ એ ગુર્જરધરાનું પવિત્ર શક્તિપીઠ ધામ ધાર્મિક તીર્થસ્થાન અને સૌંદર્યધામ ગણાય છે. ઉપરાંત ચાંપાનેરને પણ વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે. પુરાણકાળમાં મહર્ષિ વિશ્વામિત્રજીએ આ પવિત્ર તપોભૂમિ ઉપર લાંબા સમય સુધી ઉગ્ર તપસ્યા અને આરાધના કરીને બ્રહ્મર્ષિનું શ્રેષ્ઠ પદ પ્રાપ્ત કર્યંુ હતું એવું માનવામાં આવે છે કે શ્રી કાલિકા માતાજીએ આપેલ નર્વાણ મંત્રનું અનુષ્ઠાન કરીને વિશ્વામિત્રજી બ્રહ્મર્ષિનું પદ પામ્યા હોવાથી તેને ચિરંજીવી રાખવા આ રમણીય પર્વતના સૌથી ટોચના શિખર ઉપર તેમણે સ્વયં જગતજનની મા કાલિકા માતાજીની સ્થાપના કરી હતી. આ પર્વતની સૌથી ઊંચી ટૂક લગભગ દરિયાઈ સપાટીથી ૨૭૩૦ ફૂટની ઊંચાઈએ સૌથી ઊંચા અને સાંકડા શિખરની ટોચે શ્રી કાલિકા માતાનું પ્રસિદ્ધ મંદિર પ્રસ્થાપિત કરવામાં આવેલું છે. અહીં સ્થિત મંદિરમાં મુખ્યત્વે માતાજીના પવિત્ર અંશ રૂપે ગોખ પ્રસ્થાપિત કરાયેલ છે. અહીં કાલિકા માતા ચક્ષુ સ્વરૂપે છે. એ તેમનું સૌમ્ય સ્વરૂપ છે. મંદિરમાં કાલીયંત્રની પૂજા-અર્ચના થાય છે. પાવાગઢ તળેટીના ભાગથી માંચી સુધી અને માંચીથી મૌબિયા ટૂક સુધીના પર્વતીય વિસ્તારમાં પ્રાચીન કાળની ભવ્ય જાહોજલાલીની પ્રતીતિ કરાવતા કિલ્લેબંધ કમાનાકાર દરવાજા, ટંકશાળ, ખંડેર મહેલાતો અને વિશાળ ગિરિદુર્ગ ભગ્નાવશેષ રૂપે પથરાયેલા જોઈ શકાય છે.
મધ્યકાલીન ગુજરાતની રાજધાની ગણાતા ચાંપાનેરના રાજવીઓ પૈકીના રાજા પતઇ- રાવળનો મહેલ પણ આ પર્વત ઉપર ભગ્નાવશેષ રૂપે નજરે પડે છે. પાવાગઢ પર્વત એ શક્તિ પીઠધામની સાથે સાથે જૈન ધર્મીઓ માટે પણ મહત્વનું ધામ છે. આ પર્વત ઉપર દૂધિયા અને છાશિયા તળાવની આજુબાજુના મેઘની વિસ્તારમાં શ્રી દિગંબર જૈન સંપ્રદાયના આરસપહાણના પત્થરના જુદાં જુદાં સાત જૈન મંદિરો પ્રસ્થાપિત થયેલાં છે.
ગુજરાતના યાત્રાધામોમાં પાવાગઢ મહત્વનું સ્થાન ધરાવે છે. પહેલાં આ પર્વત પર દર્શન કરવા જતાં યાત્રાળુઓ માટે પગથિયાં ચઢીને જઇ શકાય તેવી વ્યવસ્થા હતી. પરંતુ છેલ્લા ઘણાં વર્ષોથી યાત્રાળુઓની સેવા માટે ગુજરાત સરકારે ‘ઉડન ખટાૈલા’ (રોપ વે)ની વ્યવસ્થા કરી છે. આ વ્યવસ્થા ઘણી જ સુંદર અને સુરક્ષિત છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અને દર્શનાર્થીઓ મા કાલિનાં દર્શન માટે આવે છે.
પાવાગઢ ૫૧ શક્તિપીઠમાંની એક જ એવી શક્તિપીઠ છે.હાલ તેનું વિસ્તરણ કાર્ય ચાલે છે તેના પ્રથમ તબક્કામાં માંચીથી મંદિર સુધીનાં પગથિયાંનું નવિનીકરણ કરવામાં આવશે, જેમાં દર ૫૦૦ મીટરે ઠંડાં પાણીની પરબ, ૩૦૦ મીટરે યુરિનલ, ૧,૫૦૦ મીટરે ફૂડ-કૉર્ટ તથા સિક્યોરિટીની વ્યવસ્થા કરાશે. અહીં યાત્રિકોની સુખ-સુવિધાઓનો સંપૂર્ણ ખ્યાલ રાખવામાં આવેલો છે. મંદિર સુધીના રસ્તે વચ્ચે મેડિકલ સ્પૉટ પણ યાત્રિકોની આકસ્મિક સારવાર માટે ઉપલબ્ધ રહેશે. હાલમાં મંદિર ટ્રસ્ટ તરફથી યાત્રિકોને ફક્ત દસ રૂપિયાના રાહત દરે અન્નક્ષેત્રમાં પ્રસાદ પીરસવામાં આવે છે, તેનું પણ આધુનિકીકરણ કરવામાં આવશે. કાલિકા યંત્ર પર આધારિત યજ્ઞશાળા તેમજ એકસાથે ૫૦૦ શ્રદ્ધાળુઓ / યાત્રિકો બેસીને ટેબલ ખુરશી પર જમી શકે તેવું અન્નક્ષેત્ર પણ બનાવવામાં આવશે.
પાવાગઢ ખાતે પાણીના સ્રોત જળવાઈ રહે તે માટે યુગોથી સાત તળાવો બનાવવામાં આવેલ છે, જેમાં દૂધિયા તળાવ જે પાવાગઢ મંદિર નજીક આવેલ છે, તેના ડેવલપમેન્ટનો પ્લાન પણ બની ચૂક્યો છે. ઉપરાંત સિવાય ડુંગરા પરથી છાશિયું તળાવ, તેલિયું તળાવ, પાતાળ તળાવ, વડા તળાવ, બુઢિયા તળાવ જેવાં તળાવોનો વિકાસ પણ થશે.
હાલમાં એકસાથે ૪૫ યુગલ બેસીને યજ્ઞ કરી શકે તેવી યજ્ઞ શાળા કાર્યરત છે. આસો અને ચૈત્રી નવરાત્રિ દરમિયાન દરરોજ હવનનો પણ લાભ શ્રદ્ધાળુઓ લઈ શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. આ બંને નવરાત્રિ દરમિયાન ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જેવાં જુદાં જુદાં રાજ્યોમાંથી દરરોજ લગભગ ૧ લાખ ૫૦ હજાર જેટલા શ્રદ્ધાળુ અહીં દર્શનાર્થે આવતા હોય છે. દર્શનાર્થીઓને અહીં કોઈ પણ પ્રકારની અગવડ ન પડે અને સુખ સુવિધા પ્રાપ્ત થાય તે પ્રકારનો વિકાસ કરવા માટે ટ્રસ્ટ દ્વારા કાર્યવાહી ચાલુ છે. સુરેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આગામી સમયમાં પ્રથમ ફુલ ડે રિલિજિયસ પિકનિક સ્પૉટ ડેવલપ થાય તેવી ધારણા છે.•
http://sambhaavnews.com/

You might also like