કાંગારુંઓએ ત્રણ જ દિવસમાં વિન્ડીઝને ઇનિંગ્સ અને ૨૧૨ રને કચડી નાખ્યું

હોબાર્ટઃ ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં યજમાનોએ મહેમાન કેરેબિયન્સને પાંચ દિવસની ટેસ્ટના ત્રીજા દિવસે ફોલોઓનની ફરજ પાડીને એક ઇનિંગ્સ અને ૨૧૨ રને ટેસ્ટ મેચ જીતી લીધી છે. ઓસ્ટ્રેલિયાના પ્રથમ દાવમાં બેવડી સદી ફટકારનાર વોગ્સને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં વોગ્સના ૨૬૯ રન અને શૌન માર્શના ૧૮૨ રનની મદદથી ૫૮૩ રનનો સ્કોર ખડક્યો હતો, જેની સામે વેસ્ટ ઇન્ડીઝની ટીમ બ્રાવોની સદી (૧૦૮) છતાં પ્રથમ દાવમાં ૨૨૩ રન બનાવી ઓલઆઉટ થતાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્મિથે વિન્ડીઝને ફોલોઓનની ફરજ પાડી હતી અને વિન્ડીઝનો બીજો દાવ પેટિન્સનની ઘાતક બોલિંગ સામે ફક્ત ૧૪૮ રનમાં જ સમેટાઈ જતાં મહેમાન ટીમનો એક ઇનિંગ્સ અને ૨૧૨ રને પરાજય થયો હતો.

આજે મેચના ત્રીજા દિવસે વિન્ડીઝે ગઈ કાલના સ્કોર છ વિકેટે ૨૦૭ રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું અને આખી ટીમ પ્રથમ દાવમાં ૨૨૩ રનમાં ઓલઆઉટ થઈ જતા ઓસ્ટ્રેલિયાને ૩૬૦ રનની લીડ મળતાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્મિથે વિન્ડીઝને ફોલોઓનની ફરજ પાડી હતી. પહેલી ઇનિંગ્સમાં ઓસ્ટ્રેલિયા તરફથી હેઝલવૂડે ચાર, લિયોને ત્રણ અને સિડલે બે વિકેટ ઝડપી હતી. ફોલોઓન પછી વેસ્ટ ઇન્ડીઝે તેના બીજા દાવની શરૂઆત કરી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયન બોલર્સની ઘાતક બોલિંગ સામે તેઓ ટકી શક્યા નહોતા અને એક તબક્કે કુલ ૩૦ રનના સ્કોર પર વેસ્ટ ઇન્ડીઝની અડધી ટીમ પેવેલિયનમાં પાછી ફરી હતી.

ઓસ્ટ્રેલિયાનાે ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક ઈજાગ્રસ્ત થતાં તેના સ્થાને ટીમમાં સામેલ કરવામાં આવેલો પેટિન્સન કેરેબિયન્સ માટે ઘાતક સાબિત થયો હતો. તેણે ફક્ત આઠ ઓવરમાં ૨૭ રન આપી પાંચ વિકેટ ઝડપતા કેરેબિયન્સની કમર તોડી નાખી હતી. બીજા દાવમાં વિન્ડીઝ તરફથી એકમાત્ર બ્રાથવેઇટે ઓસ્ટ્રેલિયન બોલિંગનો પ્રતિકાર કરીને શાનદાર ૯૪ રન બનાવ્યા હતા, પરંતુ તે પોતાની ટીમને હારમાંથી બચાવી શક્યો નહોતો.

પહેલી ઇનિંગ્સમાં બેવડી સદી ફટકારનાર વોગ્સને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
ટૂંકો સ્કોરઃ ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવઃ ચાર વિકેટે ૫૮૩ રન ડિકલેર
વેસ્ટ ઇન્ડીઝ પ્રથમ દાવઃ ૨૨૩
વેસ્ટ ઇન્ડીઝ બીજો દાવઃ ૧૪૮

You might also like