ભારત બંધના દિવસે પણ પેટ્રોલના ભાવનો રેકોર્ડઃ મુંબઈમાં રૂ.88ને પાર

નવી દિલ્હી: ભારત બંધના દિવસે પણ પેટ્રોલ ડીઝલના ભાવવધારાએ નવો રેકોર્ડ બનાવ્યો છે. આજે જ્યારે વિરોધ પક્ષોએ દેશભરમાં ભારત બંધનું એલાન આપ્યું છે ત્યારે પણ પેટ્રોલની કિંમત નવી ઊંચાઇ પર પહોંચી છે.

આજે દિલ્હીમાં પેટ્રોલમાં પ્રતિલિટર ૨૩ પૈસાનો અને ડીઝલમાં ૨૨ પૈસાનો વધારો ઝીંકાયો છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર આર્થિક રાજધાની મુંબઇમાં પેટ્રોલનો ભાવ પ્રતિલિટર ૮૮.૧૨ પર પહોંચી ગયો છે. આમ મુંબઇમાં હવે પેટ્રોલ રૂ.૯૦ની નજીક પહોંચી ગયું છે.

દિલ્હીમાં પેટ્રોલનો પ્રતિલિટર ભાવ રૂ. ૮૦.૭૩, કોલકાતામાં રૂ. ૮૩.૬૧, ચેન્નઇમાં રૂ. ૮૩.૯૧ નોંધાયો છે, જ્યારે મુંબઇમાં ડીઝલનો ભાવ રૂ. ૭૭.૩૨, કોલકાતામાં રૂ. ૭૫.૬૮, ચેન્નઇમાં રૂ. ૭૬.૯૮ અને દિલ્હીમાં રૂ.૭૨.૮૩ પર પહોંચી ગયો છે.

આ દરમિયાન કેટલાંક રાજ્યોએ પેટ્રોલ અને ડીઝલ પર વેટ ઘટાડવાનું શરૂ કર્યું છે. રાજસ્થાને વેટમાં ચાર ટકાનો ઘટાડો કરતાં રાજ્યમાં પેટ્રોલ પ્રતિલિટર રૂ. ૨.૫૦ સસ્તું થઇ ગયું છે.

દરમિયાન ક્રૂડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવમાં તેજી જોવા મળી છે. બ્રેન્ટ ક્રૂડ ૦.૫ ટકાના ઉછાળા સાથે ૭૭.૨ ડોલરની સપાટી પર ટ્રેડ કરી રહ્યું છે, જ્યારે નાયમેક્સ પર ડબ્લ્યુટીઆઇ ક્રૂડ પણ ૦.૫ ટકાના ઉછાળા સાથે ૬૮ ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.

પેટ્રોલ-ડીઝલના રોજબરોજ સતત વધી રહેલા ભાવને લઇને કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વિવાદ છેડાયો છે. કેન્દ્ર સરકાર પેટ્રોલ-ડીઝલના વેચાણ પર એક્સાઇઝ ડ્યૂટી વસૂલે છે જ્યારે રાજ્ય સરકારો અલગ અલગ દરથી વેટ વસૂલે છે.

આમ, કેન્દ્રનું કહેવું છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચવામાં રાજ્ય સરકારની ભૂમિકા ઓછી નથી. રાજસ્થાનના પગલે હવે કર્ણાટક સહિત અન્ય રાજ્યો પણ પેટ્રોલ-ડીઝલ પર વેટ ઘટાડનાર છે.

You might also like