પાટલીપુત્ર એક્સપ્રેસમાં લૂંટારુઓ ત્રાટક્યાઃ બેફામ લૂંટ ચલાવી

રાંચી: બિહારના પટણાથી હટિયા (રાંચી) જનારી ૧૮૬રર ડાઉન પટણા-હટિયા પાટલીપુત્ર એક્સપ્રેસમાં મંગળવારે મોડી સાંજે જમુઇ (બિહાર)થી પહેલાં કુંદનપુર હોલ્ટ ખાતે ૪૦ મિનિટથી વધુ ટ્રેન રોકીને તેના એસી-ર અને એસી-૩માં લૂંટારુ ટોળકી ત્રાટકી હતી અને બેફામ લૂંટ ચલાવી હતી.

આ ઉપરાંત લૂંટારુઓએ ટ્રેેનના અન્ય કોચને પણ નિશાન બનાવ્યા હતા અને યાત્રીઓ સાથે મારપીટ પણ કરી હતી. લૂંટારુઓએ રોકડ રકમ, મોબાઇલ, ઝવેરાત સહિત માલસામાનની લૂંટ ચલાવી હતી.

એક અહેવાલ અનુસાર કુંદનપુર હોલ્ટ નજીક ટ્રેન પહોંચતાં જ કોઇએ ટ્રેનની વેક્યુમ બ્રેક મારીને અટકાવી દીધી હતી. ત્યાર બાદ રપ જેટલા સશસ્ત્ર લૂંટારુઓ ટ્રેનના એસી-ર અને એસી-૩ કોચની બારીઓના કાચ તોડીને ઘૂસી ગયા હતા. તેમની પાસે કુહાડી અને ડંડા સહિતના શસ્ત્રો હતા અને તેમણે એસી કોચના યાત્રીઓને અંદર ઘૂૂસીને મારપીટ શરૂ કરી દીધી હતી.

તમામને શસ્ત્રોના આધારે બંધક બનાવીને રોકડ રકમ, મોબાઇલ, ઝવેરાત આપી દેવા જણાવ્યું હતું. એવી પણ ધમકી આપી હતી કે જો કોઇ ચાલાકી કરશે તો તેમણે જીવ ગુમાવવો પડશે.

આ રીતે કીમતી માલસામાનની લૂંટ ચલાવીને લૂંટારુઓ ફરાર થઇ ગયા હતા. આ દરમિયાન કોઇ રેલવે પોલીસકર્મી કે સુરક્ષાકર્મી ફરકયા નહોતા. ત્યાર બાદ ટ્રેન આગળના જમુઇ સ્ટેશન લઇ જવાઇ હતી, પરંતુ ત્યાં લૂંટારુઓ દ્વારા ઘાયલ કરવામાં આવેલ પ્રવાસીઓની સારવાર માટે કોઇ ડોકટર ઉપલબ્ધ નહીં હોવાથી લોકોએ ભારે ઉહાપોર મચાવ્યો હતો.

આ ઘટનાના સાક્ષીઓએ જણાવ્યું હતું કે લૂંટારુઓે ટ્રેનના ટીટીઇનેેે બંધક બનાવ્યા હતા અને તેમની સાથેે પણ મારપીટ કરી હતી. ટીટીઇ પર કુહાડીથી હુમલો કરીને તેને ઘાયલ કર્યો હતો. લૂંટારુઓ ટીટીઇને પોતાની સાથે ઉપાડીને જવા લાગ્યા હતા.

જોકે આ દરમિયાન પ્રવાસીઓએ લૂંટારુઓને અટકાવ્યા હતા અને ટીટીઇનો જીવ બચાવ્યો હતો. આ ઘટનામાં નકસલીઓની સંડોવણીની શકયતા નકારવામાં આવતી નથી, કારણ કે કુંદનપુુર હોલ્ટ એ નકસલીઓનો ગઢ માનવામાં આવે છે. લૂંટારુઓમાં માહિલાઓ પણ હતી. રેલવે પોલીસ તપાસ કરી રહી છે.

You might also like