બેવડી ઋતુએ રોગચાળો વકર્યોઃ ઘેર ઘેર શરદી, તાવ, ઉધરસના દર્દી

અમદાવાદ, ગુરુવાર
છેલ્લા એક સપ્તાહથી શહેરમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડી એમ બેવડી ઋતુના કારણે રોગચાળાના પ્રમાણમાં વધારો થયો છે. શહેરની સિવિલ સહિતની ખાનગી હોસ્પિટલો શરદી, ઉધરસ, તાવના દર્દીઓથી ઉભરાઇ રહી છે. ગત એક સપ્તાહમાં સિવિલના ચોપડે નવા ૧,૦૦૦થી વધુ કેસ નોંધાતાં શરદી, ઉધરસ અને વાયરલના કેસોમાં ચાર ગણો વધારો નોંધાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ઠંડા પવનની લહેરો વચ્ચે પણ દિવસે ગરમી અને રાત્રે ઠંડી એમ બેવડી ઋતુ અનુભવાઇ રહી છે.

આવી બેવડી ઋતુમાં મોટા ભાગે રોગચાળાના પ્રમાણમાં વધારો થાય છે. શહેરની ખાનગી હોસ્પિટલોમાં શરદી, તાવ અને ઉધરસના દર્દીઓમાં વધારો થઇ રહ્યો છે. આ અંગે ઠાકરશી હોસ્પિટલના ડો.મહેન્દ્ર શાહે જણાવ્યું હતું કે શરદી, ઉધરસ ચેપી રોગ હોવાથી ઝડપથી ફેલાય છે. હાલમાં ઓપીડીમાં આવતા દર્દીઓમાં ૩૦ ટકાથી વધુ દર્દીઓ શરદી ઉધરસ અને તાવથી પીડાઇ રહ્યા છે. દરરોજ દર્દીઓની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પડોશી રાજ્ય રાજસ્થાનમાં હાલમાં સ્વાઇન ફલૂના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે. જેના કારણે સ્વાઇન ફલૂ ગુજરાતમાં પણ આવે તેવી શકયતા છે. રાજસ્થાનથી અમદાવાદ અને ગાંધીનગર મોટી સંખ્યામાં લોકો આવનજાવન કરે છે. જેના કારણે આગામી દિવસોમાં આરોગ્ય વિભાગે તંત્રને સજાગ રહેવાની સૂચના આપી છે.

સામાન્ય શરીદી, ઉધરસ, તાવ, મલેરિયાના કેસો વધી રહ્યા છે. ખાનગી હોસ્પિટલો ક્લિનિક સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં શરદીમાંથી તાવ ખને ઉધરસની બીમારીની સારવાર લેવા માટે દર્દીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. નાનાં મોટાં અને બાળકો સહિતને વાયરલ બીમારીએ નિશાન બનાવ્યાં છે.

બેવડી ઋતુના કારણે ઘેર ઘેર બીમારીના ખાટલા જોવા મળી રહ્યા છે. સામાન્ય તાવ કે શરદીના લક્ષણો જોવા મળે તો તરત જ દવા અને સમયસર સારવાર લેવી જોઇએ. ફેબ્રુઆરી-માર્ચના વચ્ચેના સમયગાળામાં શિયાળો પૂરો થવા સાથે ઉનાળાની શરૂઆત થતી હોઇને મસીનું પ્રમાણ પણ વાતાવરણમાં વધ્યું છે. તેમજ મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે. જેના કારણે મેલેરિયા ઉપરાંત પાણીજન્ય રોગોમાં પણ વધારો થયો છે.

ફેબ્રુઆરી માસના હાલના દિવસોમાં મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રી જેટલું અને લઘુતમ તાપમાન ૧ર ડિગ્રી જેટલું રહ્યું છે. હજુ પણ શિયાળો વિદાય લે તે પહેલાં તાપમાન વધવાની શકયતા છે. સવારે ૮-૩૦થી ૧૧-૩૦ ત્રણ કલાક દરમિયાન જ ગરમીનો પારો સીધો ૧૦થી ૧ર ડિગ્રી વધી જાય છે. જે બપોરે ૩૦થી ૩૬ ડિગ્રી આસપાસ રહે છે. જ્યારે રાત્રે તેનાથી વિપરીત વાતાવરણ ઠંડુ થઇ જતાં રોગચાળો વકરે છે.

ડોકટરોની સલાહ મુજબ તાવ, શરદી, ઉધરસના દર્દીઓએ ઘરમાં પણ માસ્ક પહેરી રાખવો જોઇએ જેથી અન્ય કોઇને ચેપ લાગે નહીં. ઉકાળેલું નવશેકું પાણી પીવું જોઇએ તેમજ બહાર નીકળતી વખતે કાન ઢાંકેલા રાખવા જોઇએ. ખુલ્લી હવા કે પંખાની હવાથી દૂર રહેવું જોઇએ. સમયસર દવા ઉપરાંત ટેસ્ટ કરાવી લેવા જોઇએ. બાળકોને દર્દીથી દૂર રાખવાં જોઇએ. બપોરના તાપમાં બહાર નીકળવાનું ટાળવું જોઇએ.

You might also like