અમદાવાદઃ જેનેટિક બિમારીથી પીડાતા દર્દીની મુખ્યમંત્રી સમક્ષ ઈચ્છામૃત્યુની માંગ

અમદાવાદઃ સુપ્રિમ કોર્ટ દ્વારા તાજેતરમાં જ ઈચ્છામૃત્યુને મંજૂરી આપવામાં આવી છે ત્યારે અમદાવાદનાં એક દર્દીએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ ઈચ્છામૃત્યુની દરખાસ્ત મૂકી હોવાંની વિગતો સામે આવી છે. શહેરનાં અસારવા વિસ્તારમાં આવેલી ભોગીલાલની ચાલીમાં રહેતા બળદેવજી સોલંકી પાછલાં 15 વર્ષથી સ્પાઈનલ મસક્યુલર એટ્રોફી નામની બિમારીથી પીડાઈ રહ્યાં છે.

પરીવારજનોએ અનેક પ્રકારની સારવાર કરાવી હોવાં છતાં સકારાત્મક પરિણામ ન દેખાતાં તેમણે મુખ્યમંત્રીને આ પત્ર લખ્યો છે. દર્દી પાછલાં 15 વર્ષથી પથારીવંશ છે અને તેઓ કંઈ પણ પ્રવૃતિ કરી શકતાં નથી.

ઉઠવા, બેસવા અને ઉંઘવાથી લઈને તમામ પ્રક્રિયાઓ પર દર્દીએ પરીવારજન પર જ નિર્ભર રહેવું પડે છે. દર્દી બળદેવજી કાપડ વણવાનું કામ કરતાં હતાં પરંતુ 15 વર્ષ પહેલાં ઠોકર વાગતાં તેઓ અચાનક પડી ગયાં હતાં અને ત્યાર બાદ તેઓ બિમારીમાં સપડાઇ ગયાં હતાં.

શું છે સ્પાઇનલ મસ્કયુલર એટ્રોફી?

સ્પાઇનલ મસ્કયુલર એટ્રોફી એ જિનેટિક ડીસીસ છે. આ બીમારીમાં દર્દીનાં શરીરનાં સ્નાયુઓ જકડાઈ જાય છે. દર્દી ઇલાજની શોધમાં ડૉક્ટરો અને હૉસ્પિટલો બદલી નાખીને અચાનક જ ભટક્યાં કરે છે પરંતુ આનો કોઈ જ ઇલાજ નથી. આ બીમારીને કારણે શરીરમાં માંસ બનવાની પ્રક્રિયા અટકી જાય છે જેથી જાતે જ હાથ-પગ પણ હલાવી શકતા નથી.

બળદેવજીએ જણાવ્યું હતું કે,”હાલ દિકરો સારવાર કરે છે પરંતુ જ્યારે સમસ્યા વધુ સર્જાય ત્યારે ભાઈને બોલાવવા પડે છે અને તેમને નોકરી છોડીને આવું પડે છે. સરકાર બિમારીની સારવાર કરાવે તો પણ વધુ ફાયદો થઈ શકશે નહીં. વળી પરિવાર માનસિક અને આર્થિક રીતે તૂટી પડ્યું હોવાને લીધે ઈચ્છામૃત્યુની માંગ સરકાર સમક્ષ કરી છે.”

You might also like