દર્દીના જમણા પગના બદલે ડાબા પગમાં સ્ટેન્ટ મૂકી દીધું

અમદાવાદ: અમદાવાદ શહેરના સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી યુએન મહેતા હોસ્પિટલમાં એક વૃદ્ધ વ્યકિતના ઓપરેશનમાં ડોક્ટરોની ગંભીર બેદરકારી સામે આવી છે. તબીબોએ વૃદ્ધના ડાબા પગની નળી બ્લોકના ઓપરેશનને બદલે જમણા પગની નળીનું ઓપરેશન કરી નાખ્યું છે. આ મામલે વૃદ્ધનાં પરિવારજનોએ હોસ્પિટલમાં પોતાનો આક્રોશ વ્યકત કરી ઊહાપોહ મચાવ્યો હતો.

સોમનાથ જિલ્લાના તલાલા તાલુકામાં રહેતા અને ખેતીવાડી કરી પોતાનું ગુજરાન ચલાવતા બાબુભાઇ જયરામભાઇ ભીલાણી ડાબા પગની નળી બ્લોક હોવાથી તા.રર ઓગસ્ટના રોજ યુએન મહેતા હોસ્પિટલમાં ઓપરેશન કરાવવા માટે દાખલ થયા હતા. હોસ્પિટલમાં બાબુભાઇના તમામ રિપોર્ટ કઢાવ્યા બાદ તા.ર૬ ઓગસ્ટના રોજ ડો.તુષારે તેમના પગનું ઓપરેશન કર્યું હતું. બે દિવસ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ બાબુભાઇના પગમાં દુખાવો યથાવત્ રહેતાં ગઇ કાલે સવારે તેમણે હોસ્પિટલમાં રિપોર્ટ કઢાવ્યા હતા, જેમાં ડોક્ટરની ગંભીર બેદરકારી સામે આવી હતી. ડોક્ટરે બાબુભાઇના ડાબા પગના ઓપરેશનની જગ્યાએ જમણા પગનું ઓપરેશન કરી નાખ્યું હતું અને જમણા પગમાં બ્લોક થયેલી નળી ખોલવા માટે સ્ટેન્ટ મૂકયું હતું.

રિપોર્ટમાં થયેલા ખુલાસા બાદ બાબુભાઇના પુત્ર રાજુભાઇએ તબીબો તેમજ હોસ્પિટલના સંચાલકો સામે પોતાનો આક્રોશ વ્યક્ત કરીને ગુસ્સો ઠાલવ્યો હતો. આ મામલે રાજુભાઇએ જણાવ્યું હતું કે ગઇ કાલે તબીબોએ પિતાને રજા આપવાનો ઇનકાર કર્યો હતો. ડોક્ટરની ગંભીર બેદરકારી બદલ અમે પોલીસ ફરિયાદ પણ કરીશું.

You might also like