પાટીદાર આંદોલને સૌરાષ્ટ્રમાં ગુરુ-શિષ્યને સામસામે મૂક્યા

રાજ્યમાં ચાલતાં પાટીદાર અનામત આંદોલને રાજકીય પક્ષોના આગેવાનો અને કાર્યકરોમાં જ નહીં પરંતુ ગામડાંઓમાં સ્થાનિક લોકોના સંબંધોમા પણ તિરાડો પાડી દીધી છે. સૌરાષ્ટ્રમાં તો આ આંદોલને એક સમયના ગુરુ અને શિષ્યને સામસામે લાવી દીધા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

પાટીદાર અનામત આંદોલનના સૌરાષ્ટ્રના કન્વીનર લલીત વસોયા મૂળ ધોરાજીના છે અને હાલ આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ શરૂઆતથી જ આંદોલન સાથે જોડાયેલા છે અને આંદોલનને વેગવાન બનાવવા હવે પાટીદાર એકતાયાત્રા પણ શરૂ કરી છે. બીજી તરફ પાટીદાર આંદોલનકર્તા અને સરકાર વચ્ચે સમાધાન માટે સાંસદ વિઠ્ઠલ રાદડિયા મેદાને પડ્યા છે. લલિત વસોયા અને વિઠ્ઠલ રાદડિયા વચ્ચે મૂળ ગુરુ-શિષ્ય જેવો સબંધ છે.

વિઠ્ઠલ રાદડિયા ધોરાજી વિસ્તારનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. લલિત વસોયા પણ એક સમયે વિઠ્ઠલભાઈ સાથે કામ કરતા અને તેમનો જમણો હાથ ગણાતા હતા. કોંગેસ અને સહકારી ક્ષેત્રમાં પણ બંને વર્ષો સુધી સાથે રહ્યા છે. બંને વચ્ચે તાલમેલ હોવાને કારણે લલિત વસોયા એક સમયે ધોરાજી યાર્ડના ચેરમેન પણ બન્યા હતા. જોકે હવે બંને વચ્ચે વિચારભેદ ઊભો થયો છે. પાટીદાર આંદોલનને કારણે હવે વચ્ચે આક્ષેપબાજી ચાલી રહી છે. આ લડાઈમાં કોની જીત થશે તે તો સમય જ કહેશે, પરંતુ એક સમયના ગુરુ-શિષ્યની વિરોધાભાસી ભૂમિકા હાલ તો ચર્ચામાં છે.

You might also like