પાટીદાર યુવકને કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં જ પોલીસે ઝૂડી નાખ્યો

અમદાવાદ: રાજ્યભરમાં ચકચાર મચાવનાર કેતન પટેલ કસ્ટોડિયલ ડેથ મામલો હજુ સુધી શાંત નથી થયો ત્યારે વધુ એક પાટીદાર પોલીસના દમનનો ભોગ બન્યાની ફરિયાદ ઊઠી છે. શહેરના કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ કરવા માટે ગયેલા પાટીદાર યુવકને પીએસઆઇ તથા કોન્સ્ટેબલે પોલીસ સ્ટેશનમાં પ્લાસ્ટિકના ડંડાથી માર માર્યો હોવાની ફરિયાદ નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે.

નવા નરોડા વિસ્તારમાં આવેલ પંચ કુટિર ફ્લેટમાં રહેતા સંદીપકુમાર મહેન્દ્રભાઇ પટેલ ગાડીઓની લે-વેચનો ધંધો કરે છે. દશેક દિવસ પહેલા સંદીપ પટેલે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં દોઢ લાખ રૂપિયાની છેતરપિંડી થઇ હોવાની અરજી કરી હતી. સંદીપ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ પોલીસે ગુનો નહીં નોંધતાં મંગળવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ડીસ્ટાફ ઓફિસમાં પીએસઆઇ એ.એસ.અસારીને મળવા માટે ગયા હતા.

તેમને અરજી પર શી કાર્યવાહી કરી તે અંગે પૂછતાં પીએસઆઇ એકદમ ઉશ્કેરાઇ ગયા હતા અને કહ્યુ હતું કે અરજીની તપાસ મારે કરવાની છે તું મારો સાહેબ નથી. તપાસ કરવી કે ના કરવી મારા હાથમાં છે. છેતરપિંડીનો ગુનો દાખલ કરવા માટે પૂરતા પુરાવા હોવાની વાત સંદીપે કરતાંની સાથે પીએસઆઇ અસારીએ તેને લાફો મારી દીધાે હતાે. તે સમયે ડી સ્ટાફ ઓફિસમાં રહેલા હેડ કોન્સ્ટેબલ અશોકભાઇ પ્લાસ્ટિકનો ડંડો લઇને સંદીપ પર તૂટી પડ્યા હતા. અસારી તેમજ અશોકભાઇએ ગડદાપાટુંનો માર મારી આ અંગે કોઇ ફરિયાદ નહીં કરવાની પણ ધમકી આપી હોવાનું સંદીપે ફરિયાદમાં જણાવ્યું છે.

સંદીપને બરડાના ભાગે રીતસરના સોળ પડી જતાં તેને 108 એમ્યુલન્સ મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન સંદીપે પોલીસ સ્ટેશનમાંં પોલીસકર્મીઓએ માર માર્યો હોવાની ફરિયાદ કરી હતી. મોડી રાત્રે નરોડા પોલીસે હોસ્પિટલમાં જઇને પીએસઆઇ અસારી તેમજ કોન્સ્ટેબલ અશોક વિરુદ્ધમાં ફરિયાદ નોંધી હતી. સંદીપે જણાવ્યું છે કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે ગયો અને પોલીસ કર્મીઓએ મને આરોપીની જેમ ફટકાર્યો હતો. મોડી રાત્રે ફરિયાદ કરવા માટે સિવિલ હોસ્પિટલના પોલીસ ટેબલ પર ફરિયાદ કરી ત્યારે 10 કરતાં વધુ પોલીસ કર્મીઓ સમાધાન કરવા માટે હોસ્પિટલમાં આવ્યા હતા.

નરોડા પોલીસ પીએસઆઇ અને કોન્સટેબલ વિરુદ્ધમાં ફરિયાદ કરી છે. ઝોન-૪ના ડીસીપી પરિક્ષિતા રાઠોડે જણાવ્યું કે પીએસઅાઈ અસારી અને કોન્સ્ટેબલ અશોક વિરુદ્ધમાં ફરિયાદ કરીને તપાસ શરૂ કરી છે અને તેમની સામે ખાતાકીય તપાસ સિવાય પણ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સંદીપે જેમની સામે આક્ષેપ કર્યો છે, પીએસઆઇ અસારીએ સામે અગાઉ પણ આવી ફરિયાદ થઇ ચૂકી છે.

મેટ્રોપોલિટન કોર્ટના વકીલ હર્ષવર્ધન ચૌહાણ અસીલ સાથે પાંચેક દિવસ પહેલાં કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં કેસ સંદર્ભે ગયા હતા, ત્યારે પીએસઆઇ અસારીએ વકીલને અસીલની સામે લાફા મારી દીધા હતા અને પોલીસ સ્ટેસનમાંથી કાઢી મૂક્યા હતા. આ મામલે વકીલે મેટ્રોપોલિટિન કોર્ટમાં ફરિયાદ કરી અને પોલીસ કમિશનર એ.કે.સિંઘને પણ રજૂઆત કરી છે.

કોન્સ્ટેબલ અશોકભાઇ સામે પણ કસ્ટોડિયલ ડેથનો ગુનો દાખલ થયેલો છે. 2013માં સરદારનગરમાં રહેતા રાજુ ઉર્ફે ચોર ઠક્કરની સારંગપુર બ્રિજ નીચે આવેલા ગનીના જુગારના અડ્ડા પરથી તે વખતે સેકટર-2 માં ફરજ બજાવતા અશોકભાઇ અને સરદારનગર પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.આર.પટેલ સહિતના સ્ટાફે ધરપકડ કરી હતી. અશોકભાઇએ અશોક મિલ પોલીસ ચોકીમાં રાજુને ઢોર માર મારતાં તેનું મોત નીપજ્યાંની ફરિયાદ થઇ છે. રાજુની લાશ ઇન્દિરાબ્રિજ પાસે નદીના તટમાંથી મળી આવી હતી. ઘટનાને દિવસે પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ કરતાં કસ્ટોડિયલ ડેથનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલામાં પીએસઆઇ પટેલ, કોન્સ્ટેબલ અશોકભાઇ સહિત પોલીસ કર્મચારીઓની ધરપકડ થઇ હતી. જોકે તમામ જામીન પર છૂટતાં તેમને ફરજ પર હાજર કરી દેવાયા હતા.
http://sambhaavnews.com/

You might also like