પાટીદાર મહિલા સંમેલનમાં હોબાળો, SPG-PASSના સમર્થકો આમને-સામને

મહેસાણા: પાટીદાર મહિલા સંમેલનની શરૂઆત થઇ ચૂકી છે. સમગ્ર ગુજરાતમાંથી પાટીદાર મહિલાઓ આ મહાસંમેલનમાં ભાગ લેવા આવી પહોંચી છે. મહાસંમેલનમાં ભાગ લેવા માટે પહોંચેલા એસપીજીના પ્રમુખ લાલજી પટેલને સ્ટેજ પર સ્થાન ના મળતાં લાલજી પટેલના સમર્થકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. લાલજી પટેલના સમર્થકો તથા પાટીદાર અનામત આંદોલન સમિતી(પાસ)ના આમને-સામને આવી ગયા હતા. ખાસ કરીને ઉત્તર ગુજરાતમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉમટ્યા છે. જેલમાં બંધ પાટીદારોને છોડાવવા અને પાટીદાર સમાજના પ્રશ્નોને લઇને આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

પાટીદાર મહિલા સંમેલનમાં ભાગ લેવા જેલમાં બંધ પાટીદાર આગેવાન હાર્દિક પટેલના માતા-પિતા મહેસાણા ખાતે આવી પહોંચ્યા છે. આ ઉપરાંત જેલમાં બંધ અન્ય પાટીદારોના તથા આંદોલન દરમિયાન મૃત્યુ પામેલ યુવાનોના પરિવાજનો પણ સંમેલનમાં હાજરી આપી છે.

પાટીદારની મહિલા સંમેલનની શરૂઆતમાં જ પાટીદારો દ્વારા લાલજી પટેલનો હુરિયો બોલાવવામાં આવ્યો હતો. તમામ પાટીદારો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો અને લાલજી પટેલ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલને મંચ પર પણ ચઢવા દેવામાં આવ્યા નહોતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આજે મહેસાણના અવસર પાર્ટી પ્લોટ ખાતે યોજાનારા મહિલા પાટીદાર સંમેલનને છેલ્લી ઘડીએ મંજૂરી આપવામાં આવી હતી. જોકે, પાટીદારોને વર્ગ વિગ્રહ થાય તેવા ભાષણો ન કરવા અને બંધારણ ના નિયમોનું પાલન કરવાનું મંજૂરી પત્રમાં જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત સરકારી કે જાહેર મિલકતને નુકસાન ના કરવું, નુકસાન થાય તો ભરપાઈ કરવાની જવાબદારી આયોજકની રહેશે, આ ઉપરાંત તેમ પણ લખવામાં આવ્યું છે કે પાટીદારો બાઈક રેલી કે અન્ય કોઈ રેલી કાઢી શકાશે નહીં, તેમજ રેલીના સ્થળ પર અશોભનીય પ્રદર્શન કરી શકાશે નહીં, તેમ મંજૂરી પત્રમાં લખવામાં આવ્યું છે.

You might also like