પાટીદારોનો નવો વ્યૂહઃ શિક્ષણનો કરશે બહિષ્કાર

અમદાવાદ: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ પાટીદારો ફરી અનામતના મુદ્દે સક્રિય બની રહ્યા છે. આક્રમક લડાઈના મૂડમાં આવેલા પાટીદારો હવે રાજ્યભરમાં ભૂખ હડતાળ પર ઊતરી વિરોધ કરી રહ્યા છે, જેમાં આજે અમદાવાદમાં રેશ્મા પટેલની સાથે ૧૧મા િદવસે અન્ય એક પાટીદાર જોડાશે તો બીજી તરફ ભાવનગરમાં આજે ૨૫૦૦થી વધુ પાટીદારો ઉપવાસ પર ઊતર્યા છે. આટલું જ નહીં, નવા વર્ષે આમરણાંત ઉપવાસ ઉપરાંત પાટીદારો ક્રમશઃ શિક્ષણનો બહિષ્કાર કરશે. એસપીજી નેતા લાલજીભાઈ પટેલે જણાવ્યું હતું કે શિક્ષણના બહિષ્કારની શરૂઆત મહેસાણા જિલ્લાના વીસનગર તાલુકાના ઉમતા ગામથી કરીશું. ૧લીથી ઉમતા ગામના પાટીદાર વિદ્યાર્થીઓ શાળાએ જશે નહીં.

લાલજી પટેલે વધુમાં કહ્યું હતું કે જો મંજૂરી મળશે તો ૬ઠ્ઠી જાન્યુઆરીથી ગાંધીનગર મહાત્મા મંદિર પાસે હાર્દિક પટેલનાં પરિવારજનો ઉપવાસ પર ઊતરશે. પાટીદારોએ ઘેરબેઠાં ઉપવાસ પર બેસવાની સ્ટ્રેટેજી અપનાવી છે.

અમદાવાદમાં રેશ્મા પટેલ ૧૦ દિવસથી ઉપવાસ પર છે. તેનું સ્થળ હવે બદલાયું છે. આજથી ત્રિકમનગર વસ્ત્રાલ ખાતે તેની સાથે અન્ય પાટીદારો જોડાશે. આજ સવારથી સુરત ખાતે જેલવાસ ભોગવી રહેલા પાટીદારોને છોડાવવા ૧૧૧ પાટીદારો ઉપવાસ પર ઊતર્યા છે.

જાહેર સ્થળો પર ધરણાં માટે પરવાનગી નહીં મળતાં પાટીદારોએ હવે ઘરમાં જ ઉપવાસ પર બેસવાનો માર્ગ અપનાવ્યો છે. ૨૬મીએ સુરતમાં ઉપવાસ પર ઊતરેલા પાટીદારોના સમર્થનમાં આજે ૧૧૧ ઉપવાસમાં જોડાયા છે. તેવી જ રીતે આજે અમદાવાદમાં રેશ્મા પટેલની સાથે એક અને પછીના દિવસોમાં અનેક પાટીદારો રેશ્મા પટેલના સમર્થનમાં ઉપવાસમાં જોડાશે. સાથે સાથે રાજ્યભરની શાળાઓમાં જતા પાટીદાર વિદ્યાર્થીઓ શિક્ષણનો બહિષ્કાર કરશે.

You might also like