એએમટીએસ અથવા સ્કૂલ બોર્ડમાં ચેરમેન પાટીદાર હશે

અમદાવાદ: ભાજપ શાસિક કોર્પોરેશનમાં ર૦૦પથી ર૦૧પની છેલ્લી બે ટર્મમાં ટોચના હોદ્દાઓ પર પાટીદાર પાવર જોવા મળ્યો હતો. આ વખતે પ૦ ટકા મહિલા પ્રતિનિધિત્વને કારણે ભાજપ હાઇકમાન્ડે હજુ સુુધી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનપદે પાટીદાર એવા પ્રવીણ પટેલને રિપીટ કર્યા છે. જોકે ભાજપના શાસકોની ર૦૧પથી ર૦ર૦ સુધીની નવી અને ત્રીજી ટર્મમાં પણ અત્યાર સુધીમાં પરંપરા મુજબ પાટીદાર પાવર જળવાઇ રહેશે.

તા.રર નવેમ્બરે યોજાયેલી કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં શહેરના પાટીદાર સમાજ અનામત આંદોલનને કારણે ભાજપ વિરુદ્ધ મતદાન કરશે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા હતી, પરંતુ શહેરના પાટીદારોએ પુનઃ ભાજપના કમળ પર બટન દાબીને કોંગ્રેસની એક પ્રકારે અવગણના કરી હતી. પાટીદારોએ ભલભલા રાજકીય પંડિતોને ખોટા પાડીને ભાજપને પુનઃ સત્તા સ્થાને પહોંચાડવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી છે. નવી ટર્મમાં ભાજપના ૧૪ર કોર્પોરેટર પૈકી ૪૪ પાટીદાર કોર્પોરેટર છે. સાવ સ્વાભાવિકપણે ભાજપ હાઇકમાન્ડ પણ પાટીદારો પર ખુશખુશાલ છે. પ૦ ટકા મહિલા પ્રતિનિધિત્વથી કોર્પોરેશનમાં પુરુષ કોર્પોરેટર કરતાં મહિલાની સંખ્યા વધુ છે. ૯પ પુરુષ તો ૯૭ મહિલા કોર્પોરેટર મળીને કુલ ૧૯ર કોર્પોરેટર ચૂંટાઇ આવ્યા છે. મહિલાઓની સંખ્યા વધુ હોઇ ડેપ્યુટી મેયરના સ્થાને પ્રમોદાબહેન સૂતરિયાને બિરાજમાન કરીને હાઇકમાન્ડ નીચલી કમિટીઓમાં પણ મહિલાઓને મહત્ત્વપૂર્ણ હોદ્દા આપશે.

પાટીદાર પાવરને અગાઉની જેમ જાળવી રાખવા ભાજપ હાઇકમાન્ડ એએમટીએસ અથવા સ્કૂલ બોર્ડ પૈકી કોઇ પણ એક ટોચની કમિટીમાં પાટીદાર ચેરમેનની નિમણૂક કરશે. પરિણામે પહેલાંની જેમ ઓછામાં ઓછા બે ટોચના હોદ્દાઓ પર પાટીદાર પાવર જોવા મળશે. સ્કૂલ બોર્ડના હાલના ચેરમેન જગદીશ ભાવસારને રિપીટ કરે તેવી કોઇ પણ પ્રકારની શકયતા નજરે પડતી નથી. તેમની વિદાય નિશ્ચિત છે. જોકે સ્કૂલ બોર્ડના ચેરમેનપદે મહિલાની પસંદગી પણ સંભવિત નથી. સ્કૂલ બોર્ડના નવા ચેરમેન કાં તો ભાજપની ચૂંટાયેલી પાંખ અથવા સંગઠનમાંથી નીમવામાં આવશે. જોકે ર૦૦પ-ર૦૧૦ની ટર્મમાં મેયરની ચૂંટણીના ૧૧ મહિના બાદ જગદીશ ભાવસાર સ્કૂલ બોર્ડના ચેરમેનપદે ચૂંટાઇ આવ્યા હતા.

સ્કૂલ બોર્ડના ચેરમેનની નિમણૂકની પ્રક્રિયા જટીલ છે. જો નવા મેયર ગૌતમ શાહ આ અઠવાડિયે સ્કૂલ બોર્ડ માટેનું જાહેરનામું બહાર પાડે તો પણ સરકારના ત્રણ પ્રતિનિધિ સહિતના ૧પ સભ્યોના સ્કૂલ બોર્ડમાં નવી બોડી નક્કી કરવામાં સહેજે દોઢ મહિનો નીકળી જશે.

You might also like