જેતપુરના યુવક સામે રેશ્મા પટેલની પોલીસમાં અરજી

અમદાવાદ: પાટીદાર અનામત આંંદોલનના કન્વીનર હાર્દિક પટેલ અને પાસના સભ્ય રેશ્મા પટેલને ફોન કરી અનામત આંદોલન મામલે કરેલ આક્ષેપોની વીડિયો અને ઓડિયો ક્લીપ વાઇરલ થઇ છે. આ મામલે રેશ્મા પટેલે રામોલ પોલીસ સ્ટેશનમાં યુવક સામે અરજી કરી છે. રેશ્મા પટેલે અરજીમાં આક્ષેપ કર્યા છે કે જેતપુરના યુવકે બીભત્સ ભાષામાં વાતો કરી ધાકધમકી આપી હતી.

જેતપુરના યુવક નટુ બુટાણી દ્વારા હાર્દિક પટેલ અને પાસના કન્વીનરોને સંબોધીને આક્ષેપો કરતો વીડિયો વાઇરલ થયો છે. જેમાં તેેણે હાર્દિકને જણાવ્યું છે કે તારે તૈસા કમાવવા હોય તો મારી સાથે ગુનાખોરીમાં આવી જા. હાર્દિકને ખુલ્લેઆમ ચેતવણી આપતાં તેણે જણાવ્યું છે કે હવે જેતપુરના એક ગામડામાં તું સભા કરીને બતાવ અને જો તારી એક સભા સફળ થાય તો તારો ગુલામ બની જઇશ. આક્ષેપ કરતાં તેણે જણાવ્યું હતું કે સરકાર અને પોલીસના કારણે નહીં પરંતુ આંદોલનમાં નવ પાટીદાર યુવાનોના મોત હાર્દિકના ઉશ્કેરણીજનક ભાષણોથી થયા છે.

પાટીદાર અનામત આંદોલનના નેતા રેશ્મા પટેલને પણ જેતપુરના નટુ બુટાણીએ ફોન કરી ધાકધમકી આપી હોવાનું બહાર આવ્યું છે. રેશ્મા પટેલે આ અંગે રામોલ પોલીસમાં કરેલી અરજીમાંં આક્ષેપ કર્યો છે કે વિઠ્ઠલભાઇ રાદડિયા વિરુદ્ધમાં જે નિવેદનો આપ્યા છે તે બાબતે લિમિટમાં રહો તેમ જણાવી બીભત્સ ગાળો આપી ધાકધમકી આપી છે.

અરજીમાં રેશ્માએ જણાવ્યું છે કે નટુ બુટાણી વિઠ્ઠલભાઇ રાદડિયાનો માણસ છે અને હત્યાના ગુનામાં જેલમાંથી છૂટીને આવ્યો છે. રામોલ પોલીસ સ્ટેશનના પીઆઇ પરેશ સોલંકીએ જણાવ્યું હતું કે મોબાઇલ નંબરના સીડીઆરની વિગતો મેળવવામાં આવશે. સીડીઆરની વિગતના આધારે તપાસ કરવામાં આવશે અને ગુનો બનશે તો ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે.
http://sambhaavnews.com/

You might also like