પાટીદારોનું મન કળવા-રીઝવવા ભાજપના કાર્યકરોને કામ સોંપાયું

અમદાવાદ: પાટીદાર મતદારોના પ્રભુત્વ હેઠળની વિધાનસભા બેઠકમાં કાર્યકરોને ત્રણ દિવસ માટે પાટીદાર વિસ્તારમાં જઇને લોકોને મળવાનો ટાસ્ક આપવામાં આવ્યો હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે. ભાજપના નેતાઓ છેલ્લાં બે વર્ષથી પાટીદાર વિસ્તારોમાં જવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે ત્યારે આવા સંજોગોમાં કાર્યકરોને આગળ ધરવાની કૂટનીતિ ચૂંટણી ટાણે પક્ષે અપનાવતાં પક્ષના કાર્યકરોમાં આંતરિક ચર્ચાઓ ઊઠી છે.

પાટીદાર અનામત આંદોલન થયા પછી પાટીદાર વિસ્તારોમાં પક્ષના નેતાઓ માટે ‘નો એન્ટ્રી’ જેવી સ્થિતિ છે. છેલ્લાં બે વર્ષ દરમિયાન પાટીદારોનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારોમાં એક પણ જાહેર સભા યોજાઇ નથી. મોટા ભાગના નેતાઓ અત્યારે પાટીદાર વિસ્તારોમાં કાર્યક્રમોના લોકાર્પણથી પણ દૂર ભાગી રહ્યા છે ત્યારે પાયાના નાના કાર્યકરોને વિધાનસભા મતવિસ્તારમાં ફરીને તેનો અહેવાલ આપવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

પાટીદાર વિસ્તારોમાં જઇને કાર્યકરોને લોકો સાથે વાતચીત કરીને રાજ્ય સરકારનું લોકો પ્રત્યેનું વલણ સ્પષ્ટ કરવાની જવાબદારી કાર્યકરોના માથે નાખવામાં આવી છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાને પાટીદાર વિસ્તારમાં ડેમેજ કંટ્રોલ કરવા માટે પાટીદારોના ગઢ ગણાતા સુરતમાં મોકલવામાં આવ્યા છે. તેઓ સૌરાષ્ટ્રમાં બે દિવસથી જુદા જુદા વિસ્તારોમાં ફરીને સૌરાષ્ટ્રના આગેવાનો સાથે બેઠક કરી રહ્યા છે. શહેરના પાટીદાર પ્રધાનો વલ્લભ કાકડિયા, ધારાસભ્યો બાબુ જમના પટેલ, સુરેશ પટેલ, આર. સી. પટેલ સહિતના નેતાઓ પણ કાર્યકર્તાઓને શહેરના પાટીદાર વિસ્તારોમાં જઇને પાટીદારોના પ્રશ્નો સિવાય જીએસટી સહિતના પ્રશ્નો, જીએસટીના કારણે લોકોની લાગણી અને આક્રોશ, તેની સામે સરકાર જીએસટીના પ્રશ્નો હલ કરવા પ્રયત્નશીલ હોવાનો બચાવ, નોટબંધી દેશના હિતમાં હોવાનું વગેરે બાબતે સમજાવટનું કામ કરવા ડેમેજ કંટ્રોલ કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળે છે. ચૂંટણી ટાણે કાર્યકર્તાઓને આપવામાં આવેલા આ સ્પેશિયલ ટાસ્કને લઇ નારાજગી ફેલાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

You might also like