પાટીદાર આંદોલનમાં મૃતકોના વારસદારોને સહાયની રકમ અપાઇ

મહેસાણા : મહેસાણા જિલ્લામાં તાજેતરના પાટીદાર આંદોલનમાં મૃતકોના વાલી-વારસોને મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી સહાયની રકમના ચેક આરોગ્ય મંત્રી નીતીન પટેલના હસ્તે મહેસાણા ખાતે અપાયો હતો.તાજેતરના આંદોલનમાં ઇજા પામેલા મહેસાણાના મયુરકુમાર નટવરલાલ પટેલની ૧૨૨ દિવસની સારવાર બાદ મૃત્યુ થયું હતું. મયુર પટેલની સારવાર પાછળ મોટો ખર્ચ થયેલ હતો. આ તમામ થયેલ ખર્ચની રકમ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે મુખ્યમંત્રી રાહતનિધિમાં ફંડમાં આપી હતી.

જેનો રૂપિયા ૧૪,૬૦,૬૨૭નો ચેક આરોગ્ય મંત્રી નીતીન પટેલ મયુરની માતા અને તેના દાદાને જિલ્લા કલેકટર કચેરી મહેસાણા ખાતે આપ્યો હતો. આ પહેલાં જિલ્લા કલેકટર લોચન સેહરાએ ૪ નવેમ્બરના રોજ રૂપિયા ૦૯,૦૩,૨૮૦ની સહાય આપી હતી. જેથી કુલ મળી મયુર પટેલના પરિવારને રાજ્ય સરકારે રૂપિયા ૨૩,૬૩,૯૦૭ની રકમ રાજ્ય સરકારે આપી છે.

આ ઉપરાંત આંદોલન સમયે મૃત્યુ પામેલ નિશીજ પ્રવિણભાઇ પટેલના પરિવારને રૂપિયા ૦૪ લાખનો ચેક મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી આરોગ્ય મંત્રી નીતીન પટેલે આપ્યો હતો. આ ઉપરાંત આંદોલનમાં ગંભીર ઇજા પામેલ અને હાલ સારવાર લઇ રહેલ પ્રતિકકુમાર બાબુભાઇ પટેલને રાજ્યના મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી ખાસ કિસ્સા તરીકે રૂપિયા ૦૭,૦૩,૨૮૦ની સહાયની રકમ ૦૪ નવેમ્બર ૨૦૧૫ના રોજ અપાઇ છે. આરોગ્ય મંત્રી નીતીનભાઇ પટેલે હાલમાં ચાલી રહેલ પ્રતીક બાબુભાઇ પટેલનો સારવારના ખર્ચ અંગેની મદદ પણ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે, તેમ જણાવ્યું હતું.

આરોગ્ય મંત્રી નીતીનભાઇ પટેલે આર્થિક સહાયના ચેક તેમના વાલી વારસો અને આંદોલનના અગ્રણી આગેવાનોની હાજરીમાં જિલ્લા કલેકટર કચેરી મહેસાણા ખાતે આપ્યા હતા. આરોગ્ય મંત્રી નીતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રથમ વાર મુખ્યમંત્રી રાહત ફંડમાંથી સ્વર્ગસ્થ મયુર પટેલના સારવાર હેઠળ રૂપિયા ૨૩,૬૩,૯૦૭ની રકમ અપાઇ છે. મયુરનું જીવન આપણે બચાવી શક્યા નથી. તેનું સૌને દુઃખ છે. આ તમામ ઘટનાઓ બની છે જે દુઃખ સમાન છે.

કોઇપણ મદદ માટે આનંદ થતો હોય છે, પરંતુ આ મદદ એક દુઃખદ મદદ છે જેનું કાયમી દુઃખ રહેવાનું છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના કોઇ સાથે બનવી જોઇએ નહીં. માનનીય મુખ્યમંત્રીના રાહત ફંડમાંથી સહાય મહેસાણા જિલ્લા વહીવટી તંત્રના જાગૃત અને ત્વરીત પ્રયાસોથી ચૂકવવામાં આવેલ છે. જે બદલ અસરગ્રસ્તોના વાલી વારસો અને તેમના સંબંધીઓએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.

જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર લોચન સેહરા, આસિસ્ટન્ટ કલેકટર અરુણ મહેશ બાંબુ, અગ્રણીઓ, અધિકારીઓ, મૃતક મયુર પટેલ અને નિશીજ પટેલના વાલી વારસો ઉપસ્થિત રહ્યા હતા.

You might also like