હાર્દિક પટેલ આગામી દિવસોમાં કરી શકે છે પારણાં, પાટીદાર સંસ્થાઓએ કરી ગુપ્ત બેઠક

અમદાવાદઃ હાર્દિક પટેલ છેલ્લાં 18 દિવસથી પોતાની ત્રણ માંગણીઓ સાથે ઉપવાસ કરી રહેલ છે. ત્યારે કેટલાંક સૂત્રો દ્વારા એવી માહિતી મળી છે કે, હાર્દિક પટેલનાં પારણાં થાય તે માટે પાટીદાર સમાજની કેટલીક વિવિધ સંસ્થાઓની એક ગુપ્ત બેઠક યોજાઈ હતી. જેમાં આ મુદ્દે સમાધાનની ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે. ઉમિયા ધામનાં સહમંત્રી રમેશ દૂધવાળાએ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી. દૂધવાળા પાટીદાર સંસ્થાઓનો સંદેશો હાર્દિકને માટે લઇને આવ્યાં.

મહત્વનું છે કે હાર્દિકને પારણાં કરાવવા મામલે સમજાવવા માટે પાટીદાર સમાજનાં અગ્રણીઓએ હાર્દિક સાથે મુલાકાત યોજી. જેમાં અમિત પટેલ, રમેશ દૂધવાલા, રમેશ અમીન, વિનોદ પટેલ, કે. જી પટેલ, મહેશ પટેલ અને હર્ષદ પટેલ જેવાં પાટીદાર સમાજનાં અગ્રણીઓએ હાર્દિક સાથે મુલાકાત કરી.

મળતી માહિતી અનુસાર જેમ બને તેમ હવે વહેલાં હાર્દિકનાં ઉપવાસનાં પારણાનાં પ્રયાસો સતત તેજ બની રહ્યાં છે. સામાજિક સંસ્થાઓ પારણાં કરાવવા ફરી મેદાને આવી શકે છે. હાર્દિકને પારણાં કરાવવા મામલે પાટીદાર સંસ્થાનાં આગેવાનોની બેઠક પણ મળી. સરકાર દ્વારા નમતું ન જોખતા ઉપવાસ છાવણી ચિંતામાં છે. ત્યારે આવનારા થોડાંક સમયમાં હાર્દિક પટેલનાં પારણાં થવાની શક્યતા સેવાઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલનાં ઉપવાસ મામલે એટલે કે હાર્દિકનાં મુદ્દાઓને લઇ આજે ઉત્તરાખંડનાં પૂર્વ મુખ્યમંત્રી હરીશ રાવતે પણ મુલાકાત કરી હતી. તેમણે પણ હાર્દિક પટેલને પારણાં કરી લેવા અંગે જણાવ્યું હતું. તેમણે નિવેદન આપતાં જણાવ્યું હતું કે,”જીવીશું તો લડીશું.” આ ઉપરાંત હાર્દિક પટેલની પ્રકાશ આંબેડકરે પણ મુલાકાત લીધી હતી. પ્રકાશ આંબેડકર એ ડો. બાબાસાહેબ આંબેડકરનાં પ્રપૌત્ર છે. છત્તીસગઢનાં પૂર્વ CM અજિત જોગીનાં પુત્ર અમિત જોગીએ પણ હાર્દિક પટેલ સાથે મુલાકાત લીધી હતી. આ ઉપરાંત બીજા અનેક આગેવાનોએ આ અગાઉ હાર્દિક સાથે મુલાકાત કરેલી છે.

You might also like