પાટીદારો પરના કેસો પાછા ખેંચી મુક્ત કરવાના નિર્ણયને કોંગ્રેસનો આવકાર

અમદાવાદ: પાટીદાર યુવાનો ઉપર કરેલા કેસો પાછા ખેંચીને તેમને મુક્ત કરવાના નિર્ણય અંગે પ્રત્યાઘાત આપતા પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ ભરતસિંહ સોલંકી જણાવે છે કે જખમ આપનાર ભાજપ સરકારને હવે મલમ લગાવવા માટે કાર્યવાહી યાદ આવ્યું તેમ છતાં ”દેર દુરસ્ત આયે” નિર્દોષ યુવાનો પરના પોલીસ કેસ પરત ખેંચવાનો નિર્ણય આવકાદાયક છે.

વધુમાં સોલંકીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં શિક્ષણ, આરોગ્ય, રોજગારના મુદ્દા સાથે ભાજપ સરકારની નિષ્ફળતા સામે ગુજરાતના યુવાનો અને ખાસ કરીને પાટીદાર યુવાનોએ મોટા પાયે લડત ચલાવી રહ્યાં છે ત્યારે ભાજપ સરકાર નિષ્ફળતાને ઢાંકવા સરમુખત્યાર શાસકોની જેમ યુવાનો ઉપર પોલીસ દમન કરવામાં આવ્યું અને ખોટા કેસો કરીને જેલમાં પૂરી દેવામાં આવ્યા અને તેમની સાચી વાતને સાંભળવાનો પણ સરકારે ઈન્કાર કરી દીધો. ભાજપ સરકાર પોલીસ તંત્ર નિર્દોષ આંદોનલકારી યુવાનોના પરિવારને કનડગત કરવાનું બંધ કરે.

ગુજરાતમાં જે રીતે ભાજપ શાસકોએ પોલીસ દમન કર્યું, હજ્જારો યુવાનો પર આડેધડ કેસો કરી દેવામાં આવ્યા, તે યુવાનોના કેસો પરત ખેંચાય અને જેમને જેલમાં ખોટી રીતે પૂરી દેવામાં આવ્યા હોય તેઓને તાત્કાલિક અસરથી મુક્ત કરવામાં આવે તે માંગ સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા તા. ૫મીએ ગાંધી આશ્રમ ખાતે ”દમન આક્રોશ રેલી”નું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતના ખેડૂતોને સિંચાઈનું પાણી ન આપવું. વીજળી મોંઘી આપવી, બિયારણ-ખાતરમાં કાળાં બજાર અને ગુજરાતના ખેડૂતોને ખેતપેદાશોના ભાવ ન આપવા, સહિત ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિઓને કારણે ખેડૂતોને પાયમાલ કરી દીધા છે ત્યારે ખેત-પેદાશોનો પૂરતા ભાવો મળે તેવી માંગ સાથે ભાજપના સરકારી તિજોરીથી થતાં બેફામ ખર્ચા-કૃષિ મેળા- ફોટો ફંકશનનો કોંગ્રેસ પક્ષ વિરોધ કરી રહ્યો છે.

You might also like