અમદાવાદની પાંચ બેઠકો સહિત બીજા તબક્કાની ૯૩ પૈકી ૧૭ બેઠક પર પાટીદાર ફેક્ટર નિર્ણાયક

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની કુલ ૧૮ર બેઠક પૈકી પહેલા તબક્કાની કુલ ૮૯ બેઠક પર ગયા શનિવારે શાંતિપૂર્ણ રીતે ચૂંટણી સંપન્ન થયા બાદ હવે આવતી કાલે બીજા અને છેલ્લા તબક્કાની કુલ ૯૩ બેઠક માટે ચૂંટણી યોજાશે. આ વખતે ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત ‌હાર્દિક પટેલના નેતૃત્વ હેઠળનું ભાજપ વિરોધી પાટીદાર ફેક્ટર પણ મહત્વના પરિબળ તરીકે ઉમેરાયું છે. જો કે પહેલા તબક્કા કરતાં બીજા તબક્કામાં પાટીદાર ફેક્ટરની નિર્ણાયક ભૂમિકા ધરાવતી બેઠક ઓછી છે એટલે કે માત્ર ૧૭ બેઠક પર આ ફેક્ટર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

પહેલા તબક્કાના મતદાન દરમ્યાન સૌરાષ્ટ્ર અને સુરત વિસ્તારના પાટીદાર સમાજનું વર્ચસ્વ ધરાવતી રપ જેટલી બેઠક પર ધારણા કરતાં ઓછું મતદાન થયું હતું. હવે આવતી કાલે બીજા તબક્કાનું મતદાન હોઇ ફરીથી પાટીદાર ફેકટર ચર્ચાસ્પદ બન્યું છે.

અમદાવાદ શહેરના નિકોલ, બાપુનગર, ઠક્કરબાપાનગર, ઘાટલોડિયા અને નારણપુરા એમ પાંચ બેઠક પર પાટીદાર ફેક્ટર જે તે પક્ષની હારજીત માટે મહત્વનું બનશે. ગ્રામ્ય વિસ્તારની દસ્ક્રોઇ બેઠક પર નિકોલના ૧૧૦ બૂથ ભળવાથી દસ્ક્રોઇમાં પણ આ ફેકટર અગત્યનું પરિબળ બનીને ઉપસ્યું છે. ઉત્તર ગુજરાતમાં ઊંઝા, વીસનગર, વિજાપુર, પાટણ, મહેસાણા, હિંમતનગર અને માણસા એમ સાત બેઠક અને મધ્ય ગુજરાતમાં પાદરા, વાઘોડિયા, ડભોઇ અને નડિયાદ એમ ચાર બેઠક પર પાટીદાર ફેકટર નિર્ણાયક બની શકે છે.

આ ૧૭ બેઠક પૈકી છેલ્લી ર૦૧રની ચૂંટણીમાં ભાજપ પાસે ૧પ બેઠક હતી જ્યારે વિજાપુર અને માણસા બેઠક કોંગ્રેસના ‘પંજા’માં હતી. આવતી કાલે યોજાનારી ચૂંટણીમાં ભાજપે અમદાવાદની અમિત શાહની હાઇપ્રોફાઇલ નારણપુરા બેઠક પર કૌશિક પટેલ તો આનંદીબહેન પટેલની બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે. ત્યારે ડભોઇ સિવાયની તમામ જીતેલી બેઠક પરના ધારાસભ્યોને રિપિટ કર્યા છે. ડભોઇમાં શૈલેશ મહેતા ચૂંટણી લડશે. ત્યારે વિજાપુરમાં રમણ પટેલ, માણસામાં સુરેશ પટેલને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.

જ્યારે કોંગ્રેસ દ્વારા પાટણમાં પાસના કન્વીનર ડો.કિરીટ પટેલને ટિકિટ અપાઇ છે. દસ્ક્રોઇમાં પંકજ પટેલને પસંદ કરાયા છે. ધીરુભાઇ પટેલને બદલે હિંમતસિંહ પટેલ, ઠક્કરબાપાનગરમાં ગીતાબહેન પટેલના સ્થાને પાસ સમર્થક બાબુ માંગુકિયા, નિકોલમાં નરસિંહ પટેલની જગ્યાએ ઇન્દ્રવિજ્યસિંહ ગોહિલ ઘાટલોડિયામાં રમેશ દૂધવાલાની જગ્યાએ શશિકાંત પટેલ, નારણપુરા ડો.જીતુ પટેલને બદલીને નીતિન પટેલને પસંદ કર્યા છે.

જયારે વિજાપુર બેઠકના ગત ચૂંટણીના જીતેલા ઉમેદાર પ્રહ્લાદ પટેલ ભાજપમાં જોડાઇ જવાથી નાથાભાઇ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. માણસાના કોંગ્રેસના સીટિંગ ધારાસભ્ય અમિત ચૌધરી હવે ભાજપના ઉમેદવાર બન્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે બીજા તબક્કાની કુલ ૯૩ બેઠક પૈકી પ૬ બેઠક પર ભાજપ અને ૩૭ બેઠક પર કોંગ્રેસની જીત થઇ હતી.

You might also like