રાજકીય અભિવાદનમાં વિવાદનો રંગ!

ભારતીય જનતા પાર્ટીને હાલમાં જ એક ચોક્કસ પ્રકારનો ભય લાગી ગયો છે. અનામતની માગને લઈને લડત ચલાવી રહેલા પાટીદારોમાં જૂથબંધી કરાવવાના ભાગરૂપે સુરતના જ કેટલાંક ઉદ્યોગપતિ જૂથ દ્વારા રાજ્યમાં સત્તાધારી ભાજપના પાટીદાર મંત્રીઓ અને હોદ્દેદારોને સન્માનવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જોકે આ અભિવાદન કાર્યક્રમમાં ભાજપને એક અલગ પ્રકારના જ વિરોધનો સામનો કરવો પડ્યો હતો.

સુરત ખાતે યોજાયેલા ‘પાટીદાર રાજસ્વી સન્માન સમારોહ’ વખતે સ્ટેજ પર હાલમાં દેશના સૌથી શક્તિશાળી લોકોમાં નંબર-ટુ ગણાતા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજર હતા. તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે લગભગ આખી સરકાર પણ હાજર હતી. મહિનાઓની તૈયારી અને લોખંડી સુરક્ષા છતાં હાર્દિક… હાર્દિક… ના નારા પોકારતા માંડ ૧૫૦-૨૦૦ અસંતુષ્ટ પાટીદારોનાં ટોળાંએ કાર્યક્રમમાં અચાનક ગેરિલા ઍટેક કરી નેતાઓેને રીતસર સભા છોડવા મજબૂર કરી દીધા. આ બનાવથી દેશમાં સત્તાધીશ પાર્ટીની આબરૂ સરેઆમ ધૂળધાણી થઈ ગઈ. આવું કેમ થયું તેનો જવાબ સરકાર, પાર્ટી અને પાટીદારો પણ શોધી રહ્યા છે. હવે શું થશે તેનો પણ અંદાજ નથી.

૮મી સપ્ટેમ્બરે સુરતમાં યોજાયેલા પાટીદાર રાજસ્વી અભિવાદન સમારોહમાં શરૂઆતથી જ અભિવાદન કરતાં અજંપો વધુ હતો. સુરત શહેરના સીમાડે સિટી પોલીસની હદબહાર અબ્રામા ગામે સમારોહ રખાયો હતો. આખા રાજ્યથી પોલીસ બોલાવીને ખડકી દેવાઇ હતી. કાર્યક્રમમાં ખલેલ ન પહોંચાડે તે માટે પાટીદાર અનામત આંદોલન સમિતિ ‘પાસ’ના કાર્યકરોની આગોતરી અટક કરી લેવાઇ હતી.

કાર્યક્રમ સ્થળથી પાંચ કિલોમીટર દૂર સુધી જાણે પોલીસ જ પોલીસ જોવા મળતી હતી. સ્થળ પર તમામ પ્રકારની તપાસ કર્યા પછી જ પ્રવેશ મળતો હતો. કાર્યક્રમના મંડપમાં એન્ટ્રી કરો કે તરત જ સાંસદ સી.આર. પાટીલ અને ધારાસભ્ય હર્ષ સંઘવી કાર્યકરો સાથે કેસરી ટોપી વહેંચતા હતા. પોલીસ નજર ચૂકી જાય તો પણ દરેક ડગલે ને પગલે તમારા પર નજર રાખનારું કોઇક તો હતું જ. અભિવાદન સમિતિના કાર્યકરો, ભાજપના કાર્યકરો સતત કંઇક શોધી રહ્યા હોય તેવું લાગતું હતું. બપોરે બે વાગ્યાથી લોકોને લાવવાનું શરૂ કરી દેવાયું હતું અને સાંજે સાત વાગ્યે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશ પ્રમુખ જિતુ વાઘાણીના આગમન સુધી સભાસ્થળ ભરાઇ ગયું હતું.

ચારે તરફથી બંધ સભાસ્થળમાં ખુરશીઓ મુકાઇ હતી. જગ્યા જગ્યાએ એલસીડી સ્ક્રીન પણ હતા અને સ્ટેજ તથા મહેમાનો વચ્ચેની સ્પેશમાં લોખંડની જાળી પણ બાંધી દેવાઈ હતી. અલબત્ત, સભા હોલમાંથી કોઈ સ્ટેજ પર ન ધસી જાય અથવા તો જુતા ન ફેંકે તે બીકે પણ ભાજપને કાર્યક્રમમાં જાળી બાધવાની ફરજ પડી હતી.

સભા શરૂ થાય તે પહેલાં જ અજંપો એક્શનમાં બદલાવાની શરૂઆત તો થઇ જ ચૂકી હતી. ચંપલો ઉછાળવાં અને નારાબાજી કરનારા પંદરેક લોકોને ડિટેઇન કરીને લઇ જવાયા હતા. સ્ટેજ પરથી ‘પાટીદાર એકતા જિંદાબાદ, જય સરદાર, જય પાટીદાર’ જેવા નારા સતત બોલાવાતા હતા. મોટા નેતાઓ આવ્યા ને તેમનાં ભાષણો શરૂ થયાં. થોડી વાર શાંતિ હતી. મીડિયાના કૅમેરા સ્ટેજ તરફ મંડાયેલા હતા. થોડી વારમાં ગણગણાટ શરૂ થયો. સ્ટેજથી થોડે દૂર સભાની વચ્ચોવચ ૧૫૦-૨૦૦ લોકોનાં ટોળાંએ નારા લગાવવા શરૂ કર્યા. સ્ટેજ સુધી ‘હાર્દિક… હાર્દિક…’ નો અવાજ પહોંચતો થયો.

નેતાઓએ તેમનાં ભાષણોમાં સમાજની એકતાની વાત કરી. કેટલાકે વળી સમાજ અવળે રસ્તે ગયો હોવાની વાત કરી. ટોળું હવે વધુ આક્રમક બનવા લાગ્યું. કેસરી ટોપીઓ ઉછળવા લાગી. નારા વધુ બુલંદ થવા લાગ્યા. ‘સરકાર તારો વાંક છે, પાટીદાર તારો બાપ છે.’ જેવા નારા પણ સંભળાયા. અચાનક એક વ્યક્તિ સ્ટેજ તરફ ધસી ગઇ ને ‘હિટલરશાહી બંધ કરો’ના નારા પોકારવા લાગી. હવે ખુરશીઓ પણ ઉછળવા લાગી. મીડિયાના કૅમેરા સ્ટેજ પરથી ૧૮૦ ડિગ્રીએ ઘૂમીને ધમાલ કરનારાઓ પર ફેરવાઇ ગયા. સ્ટેજ પર સતત ટેન્શન વધી રહ્યું હતું. ગૃહ રાજ્ય પ્રધાન વારંવાર રાષ્ટ્રીય અધ્યક્ષને બ્રીફ કરતા અને પાછા ફરતા હતા.

પોલીસ ટોળાને શાંત કરતી ન કરતીને ફરી નારા શરૂ થઇ જતા. વચ્ચે સમાચાર આવ્યા કે સભાસ્થળ બહાર સ્થિતિ બગડી રહી છે. પથ્થરમારો શરૂ થયો અને ટિયરગેસના શેલ છોડાયા. હવે સ્ટેજ પરનાં ભાષણોની લંબાઇ ટૂંકી થતી ગઈ. જાણે બધા જવાની ઉતાવળમાં હોય. ટોળું પણ હવે નિયંત્રણ બહાર જતું હતું. સભા પૂરી થઇ હોવાની જાહેરાત કરવી પડી. નેતાઓ સ્ટેજ પરથી ઊતરવા લાગ્યા. સ્ટેજની પાછળ મીડિયાની ભીડ લાગી. નેતાઓ વાત કરવા માગતા ન હતા. છતાં કેટલાક બોલ્યા. કોઇકે કહ્યું કોંગ્રેસની ચાલ છે. કોઇકે ખોટે રસ્તે ચઢેલા કેટલાક પાટીદારોનો વાંક કાઢ્યો. વળી કોઇકે ‘પાસ’ તો કોઇકે ‘આપ’ પર દોષનો ટોપલો ઢોળ્યો. કોઇ જાણતું ન હતું. કોણે આ કર્યું. સભાસ્થળે જ જમવાની વ્યવસ્થા હતી. ત્યાં ગયેલા ટોળાએ ડિશો પણ ઉછાળી. ડરનો માહોલ હતો જેથી શાંત લોકોએ પણ જમવા જવાની હિંમત ન કરી. રાંધેલાં ધાન પડ્યાં રહ્યાં. પરત જતા રસ્તા પર ભાજપના ઝંડા, ખેસ અને કેસરી ટોપી આમતેમ ફંગોળાયેલા અને વેરવિખેર પડેલાં જોવા મળ્યાં.

આવું કેમ થયું? હાર્દિક વિરુદ્ધની કૅમ્પેન!
આ ઘટના બનવા પાછળનું ચોક્કસ કારણ કોઇ કહી શકે તેમ નથી. કોઇ કહે છે કે આયોજકોએ કાર્યક્રમ પહેલાં હાર્દિક સામે પૈસા લેવાની, પાટીદારોના નામે પોતાની દુકાન ચલાવવાની જે કેમ્પેન ચાલુ કરી તેની અવળી અસર થઈ. એક પાટીદાર અગ્રણીએ કહ્યું કે સારું કામ કરવા જતા હતા ત્યારે હાર્દિકનું નામ બગાડવાની શી જરૂર હતી. જે કંઇ પણ હોય હાર્દિકની ઇમેજ સમાજ માટે લડનારાની છે. આજ સુધી એવા કોઇ પુરાવા બહાર નથી આવ્યા કે તેણે રાજકારણીઓ સાથે મળીને પોતાના માટે ફાયદો લીધો હોય.

પાટીદારોમાં ભાગલા!
આ કાર્યક્રમને લઈને પાટીદાર અગ્રણીઓમાં પણ ભાગલા પડી ગયા હતા. સુરતના મંત્રી નાનુભાઇ વાનાણીના ગ્રૂપના ગણાતા ઉદ્યોગપતિઓ લાલજીભાઇ કે લવજીભાઇ આ આયોજનમાં સીધા સક્રિય ન હતા. આ મામલે અત્યાર સુધી ન્યૂટ્રલ રહેલા મોટા પાટીદાર ઉદ્યોગપતિઓ ગોવિંદભાઈ ધોળકિયા કે સવજીભાઈ ધોળકિયા પણ આ કાર્યક્રમથી દૂર જ રહ્યાં હતાં જ્યારે તેની સામે મહેશ સવાણી, મુકેશ પટેલ જેવા યુવા ઉદ્યોગપતિઓએ કાર્યક્રમ યોજ્યો હતો. આ અભિવાદન કાર્યક્રમ પાટીદાર અગ્રણીઓના અભિવાદન કરતાં રાજકીય અગ્રણીઓની ખુશામતનો વધારે લાગ્યો હતો. આમ, તમામ પાટીદાર નેતાઓ એકજૂથ ન હતા, તેવું જાણકારો કહે છે. ભાજપના જ એક સિનિયર નેતાએ તો ત્યાં સુધી કહ્યું કે, “ખરેખર, આ કાર્યક્રમનો આઇડિયા નાનુભાઈ વાનાણીના કેમ્પનો હતો, પરંતુ પછીથી શું થયું કે બધું બદલાઇ ગયું.”

પાર્ટીમાં ભાગલા-સંગઠન વેરવિખેર!
પાટીદાર ઉદ્યોગપતિઓની જેમ પાટીદારોના રાજકીય નેતાઓમાં પણ ભાગલા છે. નાનુભાઈ વાનાણીનું એક જૂથ છે તો બીજા જૂના નેતાઓ તેમની સાથે નથી. આ ઉપરાંત પાર્ટીમાં અન્ય જૂથ પણ છે જેમાં સી.આર. પાટીલ જૂથનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે અભિવાદન સમારોહના દિવસે જ ઉધના ખાતે પાર્ટીના નવા કાર્યાલયના ઉદ્ઘાટનમાં સી.આર.પાટીલ હાજર ન હતા. આ કાર્યક્રમ ભલે પાટીદારોનો અને પાટીદારો માટે આયોજિત હતો પરંતુ જ્યારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ આવવાના હોય ત્યારે તમામ જોડાય તે સ્વાભાવિક છે. પાર્ટીનું ચોક્કસ જૂથ આયોજકોના સમર્થનમાં હતું. પાર્ટીના એક સિનિયર કાર્યકરે કહ્યું કે, “હવે લોકોને સમજાવી શકે અને તેમના પર પ્રભુત્વ હોય તેવા નેતાઓ ક્યાં તો સક્રિય નથી, ક્યાં તો તેમને હાંસિયામાં ધકેલી દેવાયા છે. એટલે જ્યારે લોકોને સમજાવવાના હોય ત્યારે પાર્ટીને મુશ્કેલી પડે છે.”

પોલીસની નિષ્ક્રિયતા!
પાટીદાર અભિવાદન કાર્યક્રમ પૂરો થયા પછી સ્થળની નજીક એક પોલીસ જવાન ઘરે જવા લિફ્ટ માગી રહ્યો હતો. એક કારચાલકે કાર ઊભી રાખી. પોલીસમેન અંદર પાછલી સીટ પર બેસી ગયો. ચાલકે આગળ બેસવા કહ્યું ત્યારે પોલીસમેને જવાબ આપ્યો તે આંચકો આપનારો હતો. તેણે કહ્યું, “ધમાલ કરનારા ઉતારી ઉતારીને મારે છે. યુનિફોર્મમાં જોઇને તો છોડશે જ નહીં.” અગાઉના આંદોલન વખતે થયેલા અનુભવ પછી પોલીસ પણ ‘દૂધના દાઝ્યા છાશ ફૂંકી ફૂંકીને પીવે’ તે રીતે કામ કરી રહી હોય તેમ લાગી રહ્યું છે. કોઇ રિસ્ક લેવા તૈયાર ન હતું. પોલીસની સંખ્યા ઓછી ન હતી. આખા આયોજનમાં ૬ તો ડીવાયએસપી કક્ષાના અધિકારીઓને કામે લગાવાયા હતા, પરંતુ ન તો આવી ઘટનાનો કોઇ ઇનપુટ મેળવી શકાયો કે ન સ્થળ પર મોબ મેનેજમેન્ટ કરી શકાયું. એક ઉચ્ચ પોલીસ અધિકારીએ કહ્યું કે, “પોલીસ સરકાર માટે અને જનતા માટે કામ કરે છે. કોઇ પાર્ટીના પ્રચાર કાર્યક્રમ માટે નહીં.” લાગે છે કે પોલીસને પણ આ હકીકત અગાઉના અનુભવ પરથી સમજાઇ ગઇ છે.

ભાજપે પાટીદારોને મંત્રીઓ-પક્ષપ્રમુખ આપ્યા, અનામત નહીં
અનામત આંદોલનની અસરને ખાળવા માટે જ ભાજપે યુવા પાટીદાર અગ્રણીને પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. ઉપમુખ્યમંત્રીનું પદ પણ પાટીદાર સમાજને સોંપાયું છે. ઉપરાંત મંત્રીમંડળમાં પણ ઘણાં પાટીદાર નેતાઓનો સમાવેશ કરાયો છે. જોકે આ બધું એક સામાન્ય પાટીદારના મનમાં ધારી અસર ઊભી કરી શક્યું હોય તેમ લાગતું નથી. પાટીદારોની માગણી તો અનામત માટેની છે, જે ભાજપ આપી શકવાની સ્થિતિમાં નથી. સુરતના સમારોહમાં ધમાલ કરનારા લોકો તો ખૂબ ઓછા હતા અને તેમની પાસે કોઇ હથિયારો પણ ન હતાં, પરંતુ ત્યાં હાજર બીજા હજારો લોકોમાંથી કોઇએ પણ તેમનો વિરોધ ન કર્યો, એ જોતાં એવું લાગતું હતું કે અન્ય લોકોનું પણ તેઓને જાણે મૂક સમર્થન હતું.

શું ગેરિલા ઍટેક થતા જ રહેશે ?
હાલમાં જ સૌરાષ્ટ્ર ખાતે ‘સૌની યોજના’ના લોકાર્પણ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો પણ પાટીદારો દ્વારા વિરોધ કરાયો હતો. હવે સુરતના અભિવાદન સમારોહમાં તો ખૂબ જ સફળતાપૂર્વક આ ગેરિલા એટેક કરીને ધાર્યું નિશાન પાર પાડવામાં આવ્યું. સુરતના વરાછામાં લોકો ભેગા કરવા અને મોટી સભાઓ કરવી અઘરી નથી, પરંતુ તે પછી શાંતિપૂર્વક પૂરી કરવી તે સૌથી મુશ્કેલ કામ છે. અગાઉ વિધાનસભાની ચૂંટણી વખતે પણ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે આવી જ સભા યોજવામાં આવી હતી અને તે વખતે કાર્યક્રમ થતા જ ૫૦ બાઇક્સ સળગાવી દેવામાં આવી હતી. એટલે સુરત માટે આવી ઘટના નવી નથી.

સુરતના પદાથર્પાઠ રૂપે ભાવનગરમાં યોજાયેલા કાર્યક્રમમાં સભાગૃહની તમામ ખુરશીઓને લોખંડી તાર વડે બાંધી દેવાઈ હતી. કારણ કે ભાજપના નેતાઓને હવે અન્ય કાર્યક્રમોમાં પણ આવો વિરોધ થવાનો ડર સતાવી રહ્યો છે. મોટી સભા કરવાની હિંમત કદાચ હવે ભાજપ કરશે નહીં. નજીકના ભવિષ્યમાં અને ખાસ કરીને પાટીદારોના વિસ્તારોમાં તો આવી સભા યોજવાનું જોખમ હવે ભાજપ લેશે નહીં તેમ મનાઈ રહ્યું છે.

એક રાજકીય વિશ્લેષકે કહ્યું કે, “હાર્દિક ઉદેપુર જતા તેની અસર ધીરેધીરે ખતમ થઇ રહી હતી, પરંતુ આ પાટીદાર અભિવાદન સમારોહ યોજીને ભાજપે જ તેને ફરીથી જીવતો કરી દીધો છે અને અનામતની બંધ પડેલી આગમાં ફૂંક મારી છે. હવે તે બમણા જોરથી કામ કરશે અને તેના સમર્થકોમાં પણ બમણો જોશ આવી જશે.

એક હકીકત છે કે પાટીદારોમાં બધા હાર્દિકની સાથે નથી અને ભાજપવિરોધી પણ નથી. ભાજપે હવે લોકો પર પ્રભુત્વ હોય તેવા અનુભવી નેતાઓને ફરીથી પાર્ટીમાં લાવવા સિવાય છૂટકો નથી, કારણ કે હવે ગુજરાતમાં મોદી નથી અને તેઓ પહેલાંની જેમ પ્રચાર કરી પણ શકવાના નથી. પાર્ટી કે સરકારમાં પણ કોઇ એવો મોટો નેતા નથી જેના નામે જ ચૂંટણી જીતી શકાય.

આમ, સુરતની આ ઘટના પછી એક વાત ચોક્કસ છે કે પાટીદારોને સમજાવવાનું ભાજપ માટે હવે અઘરું બની ગયું છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે અસર થઇ હતી તે હજુ પણ ઓછી નથી થઇ તે આ ઘટનાથી દેખાઇ ગયું. સુરતમાં અમિત શાહની હાજરી લાઇવ ફીડબેક આપી ગઈ છે. પાટીદારોમાં તડા પડાવવાનો સરકારી પ્રયાસ પણ આ કાર્યક્રમથી જાણે નિષ્ફળ રહ્યો છે, ઊલટાનું ભાજપની આબરૂનું ધોવાણ થયું છે.

You might also like