‘પાસ’ના અડધા કન્વીનરો અેવું ઇચ્છે છે કે હાર્દિક જેલમાં જ રહે!

અમદાવાદ: સરકારની સવર્ણો માટેની જાહેર કરાયેલી ૧૦ ટકા અાર્થિક અનામત બાદ પણ પાટીદાર અનામત અાંદોલન શાંત થવાનું નામ લેતું નથી ત્યારે પાટીદાર સમાજના અગ્રણી અને સરકાર સાથે મધ્યસ્થીની ભૂમિકા ભજવનાર મહેશ સવાણીઅે ચોંકાવનારી વાત કરતાં જણાવ્યું છે કે ‘પાસ’ના અડધા કન્વીનરો ઇચ્છે છે કે પાટીદાર યુવા નેતા હાર્દિક પટેલ જેલમાં જ રહે.

વી ટીવી ન્યૂઝ ચેનલના ‘અોફ ધ રેકોર્ડ’ કાર્યક્રમમાં નિખાલસ અને તટસ્થ રીતે સવાલોના જવાબ અાપતાં સવાણીઅે અનેક ચોંકાવનારા નિવેદનો પણ અાપ્યાં છે.  ‘પાસ’ના કન્વીનર હાર્દિક પટેલ પર અાકરા પ્રહાર કરતાં મહેશ સવાણીઅે જણાવ્યું હતું કે હાર્દિકને ડર છે કે સરકાર સાથે સમાધાન થઈ જશે અને પોતે જેલમાં રહી જશે તો? હકીકતમાં ‘પાસ’ના લોકોમાં એકસૂત્રતા નથી.

હાર્દિકનાં રોજ બદલાતાં વલણ અંગે અાકરી ટીકા કરતાં સવાણીઅે કહ્યું હતું કે હાર્દિક રોજ નવા નવા બોમ્બિંગ કરે છે. તેથી તેને પણ નુકસાન જ થાય છે.  પાટીદાર સમાજ માટે મધ્યસ્થીની ભૂમિકા ભજવનારા મહેશ સવાણીઅે સાફ શબ્દોમાં જણાવી દીધું હતું કે હું અનામત પ્રથાનો જ વિરોધી છું. અનામત માગવી કે અાપવી તે અયોગ્ય છે. મારા મત પ્રમાણે સરકાર અને સમાજ બંનેઅે અનામત અાંદોલનને શરૂઅાતથી જ સરખી રીતે હેન્ડલ કર્યું નથી.

સરકારે જાહેર કરેલા અાર્થિક અનામત અંગે સવાણીઅે કહ્યું કે ઇબીસીની જાહેરાત થઈ તેની અમને ખબર જ નહોતી કે અા અંગે અમારી સાથે કોઈ ચર્ચા પણ કરવામાં અાવી નથી. મને લાગે છે કે અહીંયા (ગુજરાતમાં) કોઈને પણ ખબર ન હતી. સીધું દિલ્હીથી નક્કી થયું અને કહેવામાં અાવ્યું કે પાટીદારોને અનામત જોઈઅે છે ને? તો અાપી દો.

મહેશ સવાણીઅે મુખ્યપ્રધાન અાનંદીબહેન પટેલ સાથે થયેલી વાતચીત અંગે કહ્યું હતું કે મુખ્યપ્રધાને મને જણાવ્યું હતું કે હવે હું અનામતની વાતથી થાકી ગઈ છું.  હાર્દિક પટેલ અને ભાજપના સાંસદ વિઠ્ઠલ રાદડિયા વચ્ચે થયેલા ઉગ્ર શાબ્દિક યુદ્ધ અંગે સવાણીઅે કહ્યું હતું કે વિઠ્ઠલ રાદડિયાની પીઠ થાબડવી જોઈઅે. તેમના સિવાય પણ ઘણા અાગેવાનો ‘પાસ’ના અા પ્રકારનાં વલણ સામે શું કરવું તે અંગે વિચારી રહ્યા છે.

વી ટીવીના પોલિટિકલ એડિટર સુધીર અેસ. રાવલે ‘અોફ ધ રેકોર્ડ’ કાર્યક્રમમાં મહેશ સવાણીની અા રસપ્રદ મુલાકાત લીધી છે. અા કાર્યક્રમનું પ્રસારણ અાજે શનિવારે રાત્રે ૯.૦૦ કલાકે અને રવિવારે બપોરે ૧૨.૩૦ કલાકે વી ટીવી ન્યૂઝ ચેનલ પર થશે.

You might also like