પાટીદાર અનામત આંદોલન ફરી અશાંતિનાં એંધાણ ?

પાટીદાર અનામત આંદોલનને કાર્યરત રાખવા કરવામાં આવેલા જેલભરો આંદોલને ફરી સામાજિક અને રાજકીય ચર્ચા જગાવી છે. મહેસાણા અને સુરતમાં જેલભરો આંદોલન બાદ થયેલાં તોફાનોએ ક્યાંક ને ક્યાંક ફરી અશાંતિનાં એંધાણ આપ્યાં છે. ૧૭ એપ્રિલના રોજ મહેસાણામાં લાલજી પટેલ અને અન્ય આગેવાનોના વડપણ હેઠળ જેલભરો આંદોલન યોજવામાં આવ્યું. હાર્દિક પટેલની મુક્તિ અને અનામતની માગણી સાથે મોઢેરા રોડ પર આવેલા એક પાર્ટી પ્લોટથી લઈ મોઢેરા ચોકડી સુધીની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આંદોલન ફરીથી હિંસક બન્યું
રવિવારે લાખોની સંખ્યામાં પાટીદારો મહેસાણા ખાતે ઉમટી પડતા એક તબક્કે પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ હતી. આથી મહેસાણા જિલ્લા પોલીસવડાની ફોર્મ્યુલા મુજબ પ૦૦ જેટલા આગેવાન-કાર્યકરોએ જ જેલમાં જવાનું સૂચન એસપીજી પ્રમુખ લાલજી પટેલે કર્યું હતું, જોકે હાજર ટોળું સૂચનને ફગાવીને જેલમાં જવાની માગ પર અડગ રહેતાં પોલીસ સાથે ઘર્ષણ થયંુ હતું. આંદોલનકારીઓ સરકારવિરોધી નારા સાથે જેલભરોની માગ કરતા જમીન પર બેસી ગયા હતા. ટોળાંને વિખેરવા પોલીસે વૉટર કેનન દ્વારા પાણી છોડ્યું અને ટિયરગેસની મદદ પણ લીધી હતી. છતાંય સ્થિતિ કાબૂમાં ન આવતા પોલીસે લાઠીચાર્જનો સહારો લીધો હતો. આ લાઠીચાર્જમાં એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલને માથામાં ઈજા થઈ હતી અને તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

લાલજી પટેલ ઈજાગ્રસ્ત થતા આંદોલનકારીઓ હિંસક બન્યા, જેના પડઘા રાજ્યભરમાં સંભળાયા હતા. જોકે એ પછી બહાર આવ્યું કે લાલજી પટેલને પથ્થર વાગવાથી ઈજા થઈ હતી. મહેસાણા અને સુરતમાં તોફાનો અને તોડફોડ થયાં હતાં. જેના પગલે મહેસાણામાં કરફ્યૂ લાદી સ્થિતિ કાબૂમાં લેવા પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓના કાફલાને તહેનાત કરવામાં આવ્યો હતો.

જ્યારે અમદાવાદ, મોરબી, રાજકોટમાં બે-ત્રણ છમકલાંને બાદ કરતા મોટી જાનહાનિ કે માલહાનિ સર્જાઈ નહોતી. રાજ્યના ગૃહપ્રધાન રજની પટેલના મહેસાણા ખાતેના મકાનમાં કેટલાક લોકોએ સોમવારે મોડી રાત્રે આગ લગાડી હતી. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં એએમટીએસ બસના કાચ તોડવામાં આવતા એએસટીએસએ તારીખ ૧૮ના રોજ એએમટીએસની કુલ ૮૫૬ બસ પૈકી ૨૦૦ બસને ન દોડાવવાનો નિર્ણય કર્યો હતો. ઉપરાંત કેટલીક બસના રૂટ બદલવામાં આવ્યા હતા.

સુરતનાં ૫ાચ અલગઅલગ સ્થળોએ જેલભરોનો કાર્યક્રમ નક્કી થયેલો હતો. જેમાં વરાછા, કતારગામ, પોલીસ કમિશનર કચેરી, ડીસીબી કચેરી અને લાજપોર જેલનો સમાવેશ થતો હતો, પરંતુ વરાછાને બાદ કરતા બાકીનાં સ્થળો પર નહીંવત્ સંખ્યામાં પાટીદારો એકત્રિત થયા હોવાથી જેલભરો આંદોલનનો ફિયાસ્કો થયો હતો.

રવિવાર સવારથી જ વરાછા મેઈન રોડ પર પાટીદારોની ભીડ જમા થવા લાગી હતી. વિશાળ મેદનીએ વરાછા પોલીસસ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. પાટીદારોની  સંખ્યા એટલી બહોળી હતી કે વરાછા મેઈન રોડ અને ફલાયઓવર બ્લોક થઇ ગયો હતો. જેથી પોલીસે પાટીદારોની ધરપકડ શરૂ કરી હતી, ધરપકડ બાબતે ટોળું તોફાને ચડ્યું હતું, જેમાં કેટલાક યુવાનો પોલીસ કાફલાનાં વાહનો પર ચડી ગયા હતા.

બપોરે બે વાગ્યાની આસપાસ સમાચારો વહેતા થયા હતા કે મહેસાણામાં લાલજી પટેલ લાઠીચાર્જ દરમિયાન ઘાયલ થયા છે. જેની તસવીરો વિવિધ સોશિયલ મીડિયા પર વાઇરલ થતા પાટીદારોનાં ટોળાં ફરી વિફર્યાં હતાં. સમગ્ર વરાછા રોડ પર તોફાની ટોળાં દ્વારા ઠેરઠેર પથ્થરમારો કરાયો હતો ઉપરાંત કચરાપેટીઓ અને લારીઓ સળગાવવામાં આવી હતી. જેના પગલે પોલીસે જવાબી કાર્યવાહી કરીને ટિયરગેસના શેલ છોડી કેટલાક લોકોની અટકાયત પણ કરી હતી. ટિયરગેસના શેલ છોડ્યા અને ટોળાંમાંથી કેટલાક લોકોની અટકાયત થતા તોફાની ટોળું વધારે વિફર્યું હતું.

આ ટોળાંએ માતાવાડી પોલીસચોકીમાં જઈને તોડફોડ કરી અને લગભગ ૫૦૦ જેટલા જૂના કેસની ફાઈલ્સનો નાશ કરી નાખ્યો હતો. ચોકીમાં રહેલાં ટીવી, લૅપટૉપ સહિતની સામગ્રી તોડવામાં આવી હતી. જોકે વરાછા વિસ્તારમાં મોડી રાત સુધી પણ આંદોલનકર્તાઓનાં ટોળાં શાંત નહોતાં થયાં. વરાછામાં એક ટોળાએ મોબાઈલ ટાવર સળગાવી મૂક્યો હતો. આગ બુઝાવવા આવેલાં ફાયરબ્રિગેડનાં વાહનો પર પણ પથ્થરમારો કરાયો હતો. જોકે પોલીસે ઘટનાસ્થળે દોડી આવી સ્થિતિ કાબૂમાં લેતા ટોળાં વિખરાઈ ગયાં હતાં.

વરાછા, કાપોદ્રા અને સરથાણા
પોલીસસ્ટેશનમાં ૧૭ તારીખે ૨૨૦૦થી વધુ લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. આ સાથે જ શહેરમાં શાંતિ અને સલામતીની સ્થિતિ બનાવી રાખવા માટે કલેક્ટરે ઈન્ટરનેટ સેવાને ૧૯મી એપ્રિલ સુધી સ્થગિત કરવા અને શહેરમાં ધારા ૧૪૪ લાગુ કરવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું.

આત્મહત્યાનું કારણ આંદોલન કે ઘરકંકાસ?
સુરતમાં પાટીદાર આંદોલનના જેલભરો કાર્યક્રમમાં ભાગ લીધા બાદ ભાવિન ખુંટ નામના એક પાટીદાર યુવાને ઘરે જઈને અનાજમાં નાખવાની ઝેરી દવા ખાઈ  આપઘાત કર્યો હતો. ૧૮ તારીખે સવારે આ યુવાનનું કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે પોસ્ટમોર્ટમ કરાયું હતું. તેના પુણા ગામ ખાતેના નિવાસસ્થાનેથી અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. આ અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં પાટીદારો તેમજ કોંગ્રેસના નેતાઓ જોડાયા હતા.

‘પાસ’ના સુરતના કન્વીનર ધાર્મિક માલવિયાનું કહેવું છે કે, “પોલીસે ૧૭ તારીખે કરેલા લાઠીચાર્જના પગલે માઠું લાગી આવતા તેણે આત્મહત્યા કરી લીધી હતી.” જ્યારે શહેરના જોઈન્ટ કમિશનર સિદ્ઘાર્થ ભાટીએ આપેલા સત્તાવાર નિવેદન અનુસાર ભાવિન ખુંટની જેલભરો આંદોલન સમયે અટક પણ કરવામાં નહોતી આવી. ભાવિન ખુંટે ઘરકંકાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું.

સૌરાષ્ટ્રે સંયમ જાળવ્યો
મહેસાણાના જેલભરો આંદોલનમાં જોડાવા રાજકોટ અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાંથી આશરે ૧૫૦ જેટલાં વાહનોમાં કાર્યકરો મહેસાણા ગયા હતા. જેમાં ‘પાસ’ના સૌરાષ્ટ્રના કન્વીનર લલિત વસોયા અને મનોજ પનારાનો સમાવેશ થાય છે. મહેસાણામાં સ્થિતિ હિંસક બનતા સૌરાષ્ટ્રમાં પાટીદાર વસતી ધરાવતા વિસ્તારોમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રાજકોટમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સંવેદનશીલ વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. જોકે રાજકોટમાં બંધની અસર જોવા નહોતી મળી.

મોરબીમાં પણ જેલભરો આંદોલન અને બંધના એલાન વખતે મોરબી અને આસપાસના વિસ્તારોમાં પાટીદારોએ સંયમ જાળવ્યો હતો. જૂનાગઢમાં પણ બંધની અસર નહીંવત્ રહી હતી. જૂનાગઢના બસ સ્ટેન્ડ પાસે ચક્કાજામનો એક કાર્યક્રમ થયો હતો, જેમાં કેટલાક પાટીદારોની અટક કરવામાં આવી હતી. ધોરાજીમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. ધોરાજીની બજારમાં કેટલાક પાટીદાર યુવકો સવારના સમયે દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા પણ કોઈ અનિચ્છનીય બનાવ બન્યો નહોતો. સૌરાષ્ટ્રમાં જેતપુર નજીકના જેતલસરમાં એક ટોળાએ બે બસના કાચ તોડ્યા હતા, તેના સિવાય બીજી કોઈ મોટી ઘટના નહોતી બની.

‘પાસ’ના રાજકોટ કન્વીનર બ્રિજેશ પટેલ કહે છે, “કેટલાક પાટીદાર યુવાનોમાં શરૂઆતમાં ઉશ્કેરાટ હતો પણ અમે દરેકને શાંતિ જાળવવા કહ્યું હતું. જેના કારણે સૌરાષ્ટ્રમાં આંદોલને હિંસક વળાંક લીધો નથી તે દરેક માટે રાહત રૂપ છે.”  ગુજરાત બંધના એલાનને ખૂબ જ મંદ પ્રતિસાદ મળ્યો હતો. અફવાઓને અને આશંકાઓને વધુ વેગ ન મળે તે માટે અમદાવાદ, મહેસાણા, સુરત અને રાજકોટમાં મોબાઈલ ઈન્ટરનેટ અને એસએમએસ સેવાઓ બંધ કરવામાં આવી હતી. આ લખાઈ રહ્યું છે ત્યારે મંગળવારની મોડી સાંજ સુધી ધરપકડ કરાયેલા નેતાઓ હજુ જેલમાં જ છે.

એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલ, રેશમા પટેલ સહિત ૨૭ પાટીદાર નેતાઓ અને ૫૦૦ લોકોનાં ટોળાં વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેલભરો આંદોલનની સામાન્ય જનજીવન પર ભલે અસર ન પડી હોય, પરંતુ રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો છે. મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલના નિવેદનની હાલ ભારે ચર્ચા થઈ રહી છે. આનંદીબહેન પટેલે પાટીદાર અનામત આંદોલનના સંદર્ભે નિવેદન આપ્યું હતું કે આવાં આંદોલનો તો થયાં રાખે. હાલ તો સમગ્ર પાટીદાર સમાજ અને રાજકારણમાં આ નિવેદને ચર્ચા જગાવી છે. તેમાં પણ આ નિવેદનોનો સોશિયલ મીડિયામાં ફેલાવો થતા બળતામાં ઘી હોમાયું છે.

રવિવાર છતાં સચિવાલયમાં ચહલપહલ !
સચિવાલયનાં કેટલાંક સૂત્રોનું માનીએ તો મુખ્યપ્રધાનના નિવેદનને સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં ભાજપના કેટલાક નેતાઓ અને કાર્યકર્તાઓનો હાથ છે. હિંસા ભડકતા જ મુખ્યસચિવ જી.આર. અલોરિયાની અધ્યક્ષતા હેઠળ બેઠક બોલાવવામાં આવી હતી. મહેસાણામાં હિંસા શરૂ થયા બાદ એક પ્રધાન તાકીદે ગાંધીનગર દોડી આવ્યા હતા.

જોકે મુખ્યમંત્રી વલસાડ હોવાને કારણે તેઓએ મુખ્યમંત્રીના કાર્યાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે મુખ્યમંત્રી નિવાસસ્થાનમાં બેઠક કરી હતી. જો કે આ બેઠકમાં અપાયેલી સૂચનાનો આ પ્રધાને જ અમલ કરવાનો ઇનકાર કર્યો હોવાનું પણ જાણવા મળે છે. જેના કારણે આખરે મુખ્ય સચિવ જી.આર.અલોરિયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજવાની ફરજ પડી હતી અને રાજ્ય સરકારે લીધેલાં પગલાં આમપ્રજા સુધી લઇ જવાનો પ્રયાસ કર્યો હતો. એટલે જ લાગે છે કે જ્યાં સુધી રાજ્ય સરકાર અને ભાજપમાં આંતરિક જૂથબંધી ચાલુ રહેશે ત્યાં સુધી પાટીદાર અનામત આંદોલન પૂરું થવાની શક્યતા ખૂબ જ ઓછી હોવાનું જાણકાર સૂત્રો જણાવી રહ્યાં છે.

સરકારનું વલણ વિસ્મયકારક
જેલભરો આંદોલન માટે પાટીદારો દ્વારા બે મહિના અગાઉથી જ ૧૭ એપ્રિલની તારીખ જાહેર કરીને શાંતિપૂર્ણ આંદોલનની તૈયારીઓ આરંભી દેવાઈ હતી. જોકે આ આંદોલન પ્રત્યે સરકારનું વલણ વિસ્મયકારક રહ્યું હતું. આંદોલનને તોડી પાડવાના ભાગરૂપે ૧૮ એપ્રિલના રોજ સરકારે એક વાર ફરીથી સમાધાન માટે ચર્ચા કરવાનું વલણ અપનાવ્યું હતું. જો સરકાર આ મામલે સુખદ અંત ઇચ્છતી હોત તો ૧૭ એપ્રિલ પહેલાં જ પાટીદાર અગ્રણીઓ સાથે મુક્ત ચર્ચા કરી હોત અને આ પરિસ્થિતિને ટાળી શકાઈ હોત.

અનામત નહીં અસ્મિતાનો સવાલ
એક તરફ સરકાર દ્વારા આંદોલનકારીઓ પર રાષ્ટ્રદ્રોહ-રાજદ્રોહની કલમો લગાવીને જેલમાં ધકેલી દેવાયા તો બીજી તરફ અનેક કેસ કરવા છતાં પોલીસ એટ્રોસિટીના જવાબદાર અધિકારીઓ સામે કોઈ પગલાં ભર્યા નથી. પાટીદારો માટે આ મુદ્દો એક અસ્મિતાનો સવાલ બની ગયો હતો. જેમાં સરકારે પછીથી મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ સવર્ણ જ્ઞાતિઓ માટે એક પેકેજ જાહેર કરીને આ વિવાદ શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પાટીદારોએ આ સરકારી પેકેજને લૉલીપોપ સમાન ગણાવીને ફગાવી દઈને અને અનામતની માગ ચાલુ જ રાખી અને તેમનો ગુસ્સો પાલિકા-પંચાયતોની ચૂંટણી વખતે ભાજપ પર ઉતાર્યો હતો.

દરમિયાન અનેક વાર પાટીદારો સાથે સરકારની મંત્રણા થાય તેવા પ્રયાસો થતા રહ્યા છે, પરંતુ કોઈ ને કોઈ કારણસર મંત્રણાઓ શક્ય બની નથી. પાટીદારો સાથે સમાધાનકારી મંત્રણાઓ થાય તેવું ખુદ સરકાર પણ ઇચ્છતી નથી તેવું સરકારના વલણ પરથી પ્રતીત થઈ રહ્યું છે.

સરકારને માહિતગાર કરાઈ હતી
રપ/૮ની ઘટના બાદથી જ પાટીદારોના તમામ કાર્યક્રમો પર સરકાર સીધી નજર રાખી રહી હતી. ઈન્ટેલિજન્સ બ્યૂરો (આઈબી) દ્વારા સરકારને સ્પષ્ટ માહિતી આપવામાં આવી હતી કે બોર્ડની પરીક્ષાઓ બાદ પાટીદાર અનામત આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે, પરંતુ સરકાર આ મામલાને હળવાશથી લઈ રહી હતી. છેલ્લા તબક્કે પરિસ્થિતિ કાબૂ બહાર જશે તેવી ભીતિથી જ સરકારે આંદોલનને તોડી પાડવા બળપ્રયોગ કરવા સૂચવ્યું હતું.

પાટીદારો ફરી જીએમડીસી ગ્રાઉન્ડમાં
અમદાવાદના આગામી ૨૯મી મેના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પાટીદાર યુવાનો માટે એસપીજીએ રોજગારી મેળો યોજવાનું નક્કી કર્યું છે. પાટીદાર ઉદ્યોગપતિઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ રોજગારીની મહત્તમ તક લઈને તેમાં જોડાય. જો કે આયોજન ભલે રોજગારી મેળાનું હોય પરંતુ રાજકીય વિશ્લેષકો આ આયોજનને શક્તિપ્રદર્શન તરીકે જ જોઈ રહ્યા છે.

અનામતનું કોકડંુ ઉકેલાશે?
૧૭/૪ની ઘટના બાદ પોલીસ ફરીથી પાટીદાર આગેવાનોને શોધીશોધીને જેલમાં ધકેલી રહી છે. સરકાર દ્વારા વાતચીત આગળ ધપાવવાની વાતો વચ્ચે એક તરફ અગાઉના પાટીદાર આગેવાનોને જેલમુક્ત કરવાને બદલે બીજા અનેક આગેવાનોને જેલમાં ધકેલવામાં આવી રહ્યા છે, બીજી તરફે અગાઉની અને હાલની ઘટનાના જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કોઈ પણ કાર્યવાહી ન કરવામાં આવતા પાટીદારોમાં અત્યંત રોષની લાગણી ફેલાઈ છે. અનામતનું કોકડું ઉકેલવાની કોશિશ મંથર ગતિએ ચાલી રહી છે ત્યારે તે ઉકેલાશે કે કેમ તે એક સવાલ છે.

ર૦૧૭ના વિધાનસભા ઈલેક્શન પહેલાં આ કોકડું ચોક્કસ ઉકેલાઈ જશે તેમ રાજકીય ક્ષેત્રના લોકો માની રહ્યા છે. જોકે ચૂૂટણી ટાણે જ પાટીદાર મતો અંકે કરવા માટે સરકાર આ મામલે જાણીજોઈને વિલંબ કરી રહી હોય તો તે અત્યંત ગંભીર બાબત લેખાશે. હવે તો ગુજરાતમાં એક જ વાત ચર્ચાઈ રહી છે કે સરકાર રાજકારણ ખેલવાનું બંધ કરીને જલદીથી પાટીદારોના પ્રશ્નનું નિરાકરણ લાવે. જેથી ગુજરાતમાં શાંતિભર્યું વાતાવરણ રહે અને કોઈ આંતરવિગ્રહ ન થાય.

ઘટનાક્રમનો ફ્લેશબેક
ગુજરાત રાજ્યમાં શિક્ષણ અને સરકારી ભરતીમાં થઈ રહેલા અન્યાય માટે પાટીદાર સમાજ દ્વારા સરકાર સમક્ષ અનામતની માગ કરવામાં આવી હતી. આ માટે પાટીદાર સમાજને ઓબીસી (અધર બેકવર્ડ ક્લાસ)માં સમાવવાની માગ સાથે લાખો પાટીદારોની હાજરીમાં ગત રપ ઓગસ્ટ, ર૦૧પના રોજ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે શાંતિપૂર્ણ રેલી યોજાઈ હતી.

જોકે રેલી બાદ યોજાયેલા ધરણાંના કાર્યક્રમમાં પોલીસે દંડાવાળી કરીને સરકારી પાવર બતાવ્યો હતો. પોલીસ દ્વારા આંદોલનકારીઓ ઉપર દંડો ઉગામવાની સાથે ખાનગી વાહનોમાં તોડફોડ પણ કરીને અમાનુષી અત્યાચાર ગુજારાયો હતો. આથી ઉશ્કેરાયેલા પાટીદારોએ સમગ્ર ગુજરાતમાં સરકારી મિલકતને તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું હતું. આ અથડામણમાં નવ લોકોએ જીવ ગુમાવ્યા હતા.

આ ઘટનાક્રમ એ અનામત આંદોલનનો પ્રથમ તબક્કો હતો. ત્યારબાદ પાટીદારો દ્વારા અનેક નાનામોટા કાર્યક્રમો યોજવામાં આવતા હતા, જોકે એક પણ કાર્યક્રમને તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવતી નહોતી. ઊલટાનું આંદોલન ચલાવનાર પાટીદાર અનામત આંદોલન સમિતિ-‘પાસ’ના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલ સહિતના કન્વીનરોને રાજદ્રોહના આરોપ હેઠળ જેલમાં ધકેલી દેવાયા હતા. આંદોલનને તોડી પાડવા માટે સરકારે શામ, દામ, દંડ અને ભેદ સહિતની નીતિઓ અપનાવી છે.

વિશેષ માહિતી- દેવેન્દ્ર જાની-રાજકોટ, હિતલ પારેખ- ગાંધીનગર, પ્રતીક કાશીકર-સુરત,

You might also like