હાર્દિકને લવાયો અમદાવાદ: ત્રણ પાટીદાર યુવાનોનાં જામીન ફગાવાયા

અમદાવાદ : રાજદ્રોહ કેસમાં જેલવાસ ભોગવી રહેલા પાટીદાર યુવાનો પૈકી દિનેશ, ચિરાગ, કેતનનાં જામીન કોર્ટે ફગાવી દીધા હતા. બીજી તરફ આજે વિસનગર કોર્ટમાં રજુ કરાયા બાદ હાર્દિક પટેલને સુરતનાં બદલે અમદાવાદ ખાતે લવાયો હતો. કાલે ત્રણેય મિત્રો સહિત હાર્દિક પટેલને કોર્ટમાં રજુ કરવામાં આવશે. કેતન,ચિરાગ અને દિનેશનાં જામીન નામંજુર કરતા સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે જામીન માટે હાલ યોગ્ય સમય નથી.
સુપ્રીમ કોર્ટે પોતાનાં ચુકાદામાં નોંધ્યું કે હાલ જામીન માટે યોગ્ય સમય નથી. સુપ્રીમે કોર્ટમાં એસએલપી પેન્ડિંગ હોવાનું પણ જણાવ્યું હતું. પાટીદાર યુવાનોનાં જામીન ફગાવાયા બાદ એકવાર ફરી પાટીદાર આગેવાનોમાં ભડકો થયો છે. પાસનાં કન્વીનર વરૂણ પટેલે જણાવ્યું કે હવે સમધાનની તમામ ફોર્મ્યુલાનો અહી અંત આવે છે. હવેથી સમાધાનની કોઇ વાત કરવામાં નહી આવે. જો કે તેણે જણાવ્યું કે અમને ન્યાયતંત્ર પર પુરતો વિશ્વાસ છે. અમારી સાથે કોઇ પ્રકારનો અન્યાય નહી થાય.
અત્રે ઉલ્લેખનીય છે કે સમાધાનની ફોર્મ્યુલા હેઠળ હાર્દિકનાં સાથીદારોએ બાંહેધરી આપી હતી કે હવે તેઓ આવા ગુના નહી કરે અને કોર્ટનાં તમામ આદેશોનું પાલન કરશે. તે ઉપરાંત તેઓએ કાયદો અને વ્યવસ્થાનું પાલન કરવાની પણ બાંહેધરી આપી હતી. પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગુના નહી આચરવા પણ જણાવ્યું હતું. ત્યાર બાદ સરકાર દ્વારા જણાવાયું હતું કે તેઓ યુવાનોનાં જામીનનો વિરોધ નહી કરે. જેનાં કારણે તેઓની મુક્તિનો માર્ગ મોકળો થયો હોય તેવું લાગી રહ્યું હતું. જો કે પાટીદાર યુવાનોનાં જામીન હજી સુધી મંજુર થયા નથી.

You might also like