ઈબીસી જોઈએ કે અોબીસી તે પાટીદાર સમાજ જ નક્કી કરશે

અમદાવાદ: અનામત માટે અાંદોલન કરતા પાટીદારોને રીઝવવા રાજ્ય સરકારે અાર્થિક રીતે નબળા હોય તેવા સવર્ણ વર્ગના લોકો માટે ખાસ ૧૦ ટકા ઈબીસીની જાહેરાત કરી છે. અા ઈબીસીને સુપ્રીમ કોર્ટ દ્વારા માન્યતા મળશે કે કેમ તે એક સવાલ છે. બીજી બાજુ ૧૦ ટકા અાર્થિક અનામતનો સ્વીકાર કરી અાંદોલન સમેટવું કે કેમ તેની અવઢવ પાટીદાર અગ્રણીઓમાં ચાલી રહી છે ત્યારે અા સંજોગોમાં સુરતની જેલમાં બંધ પાટીદાર અનામત અાંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલે વધુ એક લેટર બોમ્બ ફોડ્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે સમાજને ઈબીસી જોઈએ છે કે અોબીસી તે અંગે સમાજ જ નક્કી કરશે. એટલું જ નહીં સમાધાન અંગે થઈ રહેલા પ્રયાસો અંગે હાર્દિકે એવો ખુલાસો કર્યો છે કે સમાધાન કરવા માટે જેટલા માત્ર ર૦ ટકા લોકો સક્રિય છે તેના કરતાં વધુ લોકો એટલે કે સમાજના ૮૦ ટકા લોકો સમાજને તોડવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તેણે સમાજને ૧૯૮ર અને ર૦૧પની વેદનાની યાદ અપાવીને ઇશારો પણ કર્યો છે.

પાટીદાર અનામત અાંદોલન સમિતિ (પાસ) દ્વારા પાટીદારોને અોબીસીમાં અનામત અાપવા માટે અાંદોલન ચલાવવામાં અાવી રહ્યું છે. અા અાંદોલનના પગલે પાસના કન્વીનર હાર્દિક પટેલ હાલ સુરતની લાજપોર જેલમાં બંધ છે. જેલમાં બેઠા બેઠા હાર્દિકે એક પછી એક અનેક લેટર મોકલીને અાંદોલન અંગે જણાવ્યું છે. હાર્દિક દ્વારા વધુ એક લેટર બોમ્બ ફોડવામાં અાવ્યો છે.

હાર્દિકે પાસના સહકન્વીનર નિખીલ સવાણીને ઉલ્લેખીને વધુ એક પત્ર લખ્યો છે. જેમાં તેણે જણાવ્યું છે કે જૂના જ કેસ નહીં તમામ કેસ પાછા ખેંચવામાં અાવે તેવી વાતને મારું સમર્થન નથી તેવા સમાચારો પ્રસિદ્ધ થયા છે તે ખોટા છે. સમાજના નિર્દોષ યુવાનો ઉપર થયેલા તમામ કેસ પાછા ખેચવામાં અાવશે. એ કેસ નવા હોય કે જૂના તેનો કોઈ મતલબ નથી. મેં અગાઉ પણ કહ્યું છે કે સમાજના યુવાનોના ભોગે કોઈ પણ સમાધાન નહીં થાય.

તેણે વધુમાં જણાવ્યું હતું કે સમાજને ઈબીસી જોઈએ છે કે અોબીસી તે હું નહીં સમાજ જ નક્કી કરશે. જો સમાજ કહેશે કે ઈબીસી તો ઈબીસી અને અોબીસી કહેશે તો અોબીસી. જે કહે તે મંજૂર રાખીશું. અા ઉપરાંત સરકારે જાહેર કરેલા ઈબીસીની જોગવાઈને પણ સમજવી પડશે. હાર્દિકે વધુમાં જણાવ્યું છે કે અાવા ઈસ્યુથી સમાજને તોડવાનો નથી.

સમાજના હિતમાં કોઈ પણ સમાજને નુકસાન ન થાય તેવા પ્રયાસો અાપણે કરવાના છે. ત્યારે સમાજ એ વાતનું ધ્‍યાન રાખે કે હાલમાં સમાધાનની પ્રક્રિયા ચાલી રહી છે તેમાં માત્ર ર૦ ટકા જ છે. જ્યારે સમાજને તોડવા માટે રાજકીય તેમજ અાપણા સમાજના ૮૦ ટકા લોકો કાર્યરત છે. ભલે મારી જિંદગી જેલમાં પૂરી થઇ જાય એનું મને દુ:ખ નથી. સમાજને હક્ક મળે તેમજ સમાજનું નિર્માણ સમાનતાના ધોરણે થાય તેમાં જ મને ખુશી છે.

તેણે સમાજને વિનંતી કરતાં જણાવ્યું છે કે, સમાજે રાજકીય નજર સુધારવી પડશે. કોઈની વાતમાં અાવીને ભરમાવવાની જરૂર નથી. વર્ષ ૧૯૮ર પછી વર્ષ ર૦૧પમાં મળેલી વેદના ભૂલવા જેવી નથી. જો અાપણે ૧૯૮રમાં મળેલી વેદનાને ૩૦ વર્ષ સુધી ના ભૂલ્યા તો ર૦૧પની વેદના ભૂલવા જેવી તો છે જ નહીં. મારા અા અાંકડા સમજુ સમાજ માટે ઈશારો કાફી છે.

You might also like