પાટીદાર અનામત આંદોલનનું ભુત ફરી ધુણે તેવી શક્યતાઓ

વડોદરા : હાર્દિક પટેલની જેલમાંથી મુક્તિની માંગ સાથે આજે વડોદરા જિલ્લા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર પરેશ પટેલ પોતાના ઘરે જ આમરણાંત ઉપવાસ પર બેઠા છે. અનશન માટે પોલીસની મંજૂરી મળશે તો મંગળવારે શહેરના ગાંધીનગર ગૃહ બહાર પરેશ પટેલ સહિતના પાટીદારો આમરણાંત ઉપરવાસ આંદોલન પર બેસશે. પરેશ પટેલે જણાવ્યું હતું કે, હરિયાણા સરકારે જાટ લોકોને અનામત આપી તો ગુજરાતના પાટીદારોને કેમ ન મળે.

હરિયાણાના મુખ્યમંત્રી પ્રેકટીકલ છે તેથી જાટ લોકોને અનામત મળી પરંતુ આપણા મુખ્યમંત્રી જડ છે તેથી પાટીદારોને અનામત નથી આપતા.હાર્દિક પટેલ છેલ્લા કેટલાક મહિનાથી રાજદ્રોહના ગુનામાં જેલવાસ ભોગવી રહયા છે જેને લઈને પાટીદારોમાં રોષ જોવા મળી રહયો છે. પાટીદારોએ હવે આમરણાંત ઉપવાસ આંદોલનના માર્ગે જઈ રહયા છે. વડોદરા જિલ્લા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર પરેશ પટેલે વડોદરા પોલીસ પાસે ગાંધીનગર ગૃહ બહાર આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરવા માટેની મંજૂરી માંગી છે.

પરંતુ હજુ સુધી મંજૂરી ન મળતા પરેશ પટેલે પોતાના ઘરે જ આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરી દીધું છે. તેઓએઅન્નનો ત્યાગ કરી આજે સવારથી જ આંદોલનની શરૂઆત કરી દીધી છે.આવતીકાલ સુધીમાં મંજૂરી મળી જશે તો તેઓ પોતાના સાથીદારો સાથે શહેરના ગાંધીનગર ગૃહ ખાતે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ કરશે. વડોદરા જિલ્લા પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર પરેશ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે અમે ગાંધી ચીંધ્યા માર્ગે અહિંસક આંદોલન કરી રહયા છીએ.

પરંતુ સરકાર જાણે કે પાટીદારોમાં અનામતનો ચરૂ હજુઉકળી જ રહયો છે તેમાં ગમે ત્યારે ઉભરો આવી શકે છે અને પાટીદારો ફરીથી અનામત માટે ઉગ્ર આંદોલન કરી શકે છે જયાં સુધી હાર્દિકને મુક્તિ નહીં મળે ત્યાં સુધી આમરણાંત ઉપવાસ ચાલુ જ રહેશે.

You might also like