આતંકીઓ પાકિસ્તાનથી જ આવ્યા હતા: NIA

નવી દિલ્હી: નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ (એનઆઈએ) સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે પઠાણકોટ એરબેઝ પર હુમલો કરનારા ત્રાસવાદીઓ પાકિસ્તાનથી આવ્યા હતા અે વાતમાં લેશમાત્ર શંકા નથી. એનઆઈએ આ હુમલામાં સંડોવાયેલ એક ત્રાસવાદીની માતાના અવાજના નમૂના લેવાની તૈયારી કરી રહી છે, જેની સાથે હુમલાના થોડા કલાક પહેલાં ત્રાસવાદીએ વાત કરી હતી.

દરમિયાન એનઆઈએ દ્વારા ગુરદાસપુર જિલ્લાના એસ.પી. સલવિન્દરસિંઘની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત તેમના મિત્ર રાજેશ વર્મા અને કૂકની પણ પૂછપરછ થઈ હતી. ત્રાસવાદીઓએ પઠાણકોટ એરબેઝ પર હુમલો કરતાં પહેલાં સલવિન્દરસિંઘ તેમના જ્વેલર મિત્ર અને રસોઈયાનું અપહરણ કર્યું હતું.

એનઆઈએના પ્રમુખ શરદકુમારને જ્યારે પૂછવામાં આવ્યું કે આ હુમલામાં સામેલ આતંકવાદીઓની નાગરિકતા શી છે ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે એ વાતમાં કોઈ શંકાને સ્થાન નથી કે આતંકીઓ પાકિસ્તાનથી જ આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અમને જે પુરાવા મળ્યા છે તેના દ્વારા જાણવા મળ્યું છે કે આતંકીઓએ સીમા પારના પોતાના આકાઓ સાથે તેમજ પરિવારજનો સાથે વાતચીત કરી હતી.

પઠાણકોટ હુમલા બાદ ગુપ્તચર એજન્સીઓને શક છે કે પંજાબના સ્થાનિક ડ્રગ માફિયા અને અધિકારીઓની સાઠગાંઠ પાકિસ્તાની આતંકી જૂથો સાથે હોઈ શકે. ગુપ્તચર એજન્સીઓને શંકા છે કે પાકિસ્તાનથી આવેલા આતંકીઓ ડ્રગ સ્મગલર્સની મદદથી ભારતમાં ઘૂસ્યા હતા અને એ જ રસ્તા પરથી આવ્યા હતા, જે રસ્તાનો ડ્રગ સ્મગલર ઉપયોગ કરે છે.

You might also like