હિઝબુલના સલાહુદ્દીને પઠાણકોટ હુમલાની જવાબદારી સ્વીકારી

મુઝફફરાબાદ: હિઝબુલ મુજાહિદ્દીનના વડા સૈયદ સલાહુદ્દીને પઠાણકોટ હુમલાની જવાબદારી સ્વીકારતાં જણાવ્યું હતું કે ભારતીય લશ્કરને નિશાન બનાવવાની પ્રક્રિયાનો આ એક ભાગ છે. પાકિસ્તાનના ઉર્દૂ ન્યૂઝ પોર્ટલને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સૈયદ સલાહુદ્દીને પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફથી કાશ્મીર નીતિની પણ ટીકા કરી હતી.

સૈયદ સલાહુદ્દીને જણાવ્યું હતું કે કાશ્મીર મામલામાં પાકિસ્તાન પ્રાથમિક પક્ષકાર અને વકીલ છે. ભારતની સાથે પોતાના સંબંધો સુધારતાં પહેલાં પાકિસ્તાન કાશ્મીરી લોકોની લાગણી અને આકાંક્ષાઓ પ્રત્યે જવાબદાર છે. તમે એક હત્યારા અને મૃતક બંનેના મિત્ર બની શકો નહીં.

સૈયદ સલાહુદ્દીન યુનાઇટેડ જેહાદ કાઉન્સિલનો વડો પણ છે. યુનાઇટેડ જેહાદ કાઉન્સિલના પ્રવકતાએ પઠાણકોટ હુમલાની જવાબદારી લીધી હતી. સૈયદ સલાહુદ્દીન જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાન વાતચીત રોકવાની સાજિશ હોવાની ધારણા ખોટી છે. સશસ્ત્ર મુજાહિદ્દીનો ર૬ વર્ષથી આઠ લાખ ભારતીય સુરક્ષા દળો સામે લડી રહ્યા છે. તેઓ રોજ ભારતીય સેના પર હુમલો કરે છે. પઠાણકોટ હુમલો પણ આ પ્રક્રિયાના ભાગરૂપ હતો. ૧પ૦થી વધુ વખત વાતચીત થઇ ચૂકી છે, પરંતુ કાશ્મીર મુદ્દે એક વાર પણ ચર્ચા થઇ નથી.

ભારત આંતરરાષ્ટ્રીય સમુદાયને દગો આપવા માટે આ પ્રક્રિયા અપનાવે છે કે જેથી કાશ્મીરમાં પોતાની લશ્કરી તાકાત મજબૂત કરવામાં મદદ મળે. ભારત ન તો કાશ્મીર મુદ્દે ચર્ચા કરવા માગે છે કે ન તો આઝાદ કાશ્મીરને પક્ષકાર માનવા તૈયાર છે. આમ વાતચીતની પ્રક્રિયા એ સમયની બરબાદી છે.

કાશ્મીરને ભારતમાંથી લઇ લેવા માટે લડી રહેલા પાકિસ્તાન સ્થિત આતંકી જૂૂથોના વડા સૈયદ સલાહુદ્દીને ભારતના આક્ષેપો પર પાક. સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીની પણ ખુલ્લેઆમ ટીકા કરી છે.

You might also like