પઠાણકોટ કેન્ટથી આઈએસઆઈના જાસૂસની ધરપકડ

પઠાણકોટ/ચંડીગઢ : પંજાબ પોલીસે કેન્ટોન્ટમેન્ટની જાસૂસી અને કેન્ટની આસપાસની સંવેદનશીલ માહિતી પાકિસ્તાનમાંના સૂત્રધારોને મોકલવા બદલ પંજાબ પોલીસે  મૂળ જમ્મુ-કાશ્મીરના વતની ઈરશાદ એહમદની આજે ધરપકડ કરી હતી. જમ્મુ વિસ્તારમાંથી તેના પિતરાઈ ભાઈની પણ ધરપકડ કરવામાં આવી હોવાના અહેવાલ છે.

જોકે, તે માટેની વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. જમ્મુ વિસ્તારમાં સુરનકોટમાં રહેતો ઈરશાદ એક કોન્ટ્રાક્ટરને ત્યાં કામ કરતો હતો તે દરમ્યાન તે મમૂન કેન્ટની આસપાસના વિસ્તારોના ફોટા પાડતો હતો અને તે પાકિસ્તાનમાં તેના સૂત્રધારોને મોકલતો હતો. તેઓ પડોશી દેશની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈના હોવાનું કહેવાય છે.

કેટલાક અહેવાલોમાં જણાવાયું હતું કે પોલીસને તેના સ્માર્ટફોનમાંથી મહત્વના લશ્કરી એકમો અને સાધનોના સંખ્યાબંધ ફોટા મળી આવ્યા હતા. એક અધિકારીએ જણાવ્યું હતુંકે ઈરશાદને કેન્ટોન્ટમેન્ટની અંદર આવેલા તમામ સંવેદનશીલ એકમો અને સાધનોના ફોટા પાડવાની અને તે ફોટા જમ્મુમાં રહેતા તેના ભારતના સૂત્રધાર સજ્જાદને મોકલવાની કામગીરી સોંપવામાં આવી હતી.

સજ્જાદની તાજેતરમાં આર્મ્સ એક્ટના એક પડતર કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. હવે ઈરશાદે આપેલી માહિતીને આધારે સજ્જાદની પૂછપરછ કરવામાં આવશે. તે ઈ-મેલ મારફતે આ ફોટા પાકિસ્તાનમાંના તેના સૂત્રધારોને મોકલતો હતો અને તે મળ્યા કે નહીં તે અંગે મેસેજિંગ દ્વારા ખાતરી કરી લેતો હતો.

અધિકારીઓના જણાવ્યા મુજબ પઠાણકોટ ખાતે આવેલ મમૂન આર્મી કેન્ટોન્ટમેન્ટ એ ભારતીય લશ્કરના સૌથી મહત્વના અને સૌથી મોટા મિલિટરી બેઝ પૈકીનો એક છે.એક ગુપ્તચર અધિકારીએ જણાવ્યું હતું કે ઘણા વખત એવું બને છે કે જે સ્થળે અગાઉ હુમલો થયો હોય ત્યાં હુમલા બાદ સુરક્ષા વ્યવસ્થા કડક બની જતી હોવાથી એક હુમલો કર્યા બાદ આઈએસઆઈ નવું લક્ષ્ય શોધે છે.

ગુપ્તચર સંસ્થાઓ દ્વારા મળેલી માહિતીને આધારે  પંજાબ પોલીસે પઠાણકોટના લશ્કરી કેમ્પમાં મજૂર તરીકે કામ કરતા આઈએસઆઈના કહેવાતા અંડરકવર એજન્ટની ધરપકડ કરી હતી.

You might also like