પઠાણકોટમાં આતંકી હુમલા પછીના પ્રશ્નો

પંજાબના પઠાણકોટ એરબેઝ પર આતંકી હુમલા વિરુદ્ધનું ઓપરેશન પૂર્ણ થયું છે, પરંતુ આ હુમલો કેમ શક્ય બન્યો તેને વિશેની સર્વગ્રાહી તપાસની કામગીરી ચાલી રહી છે. આ તપાસ બહુ જરૂરી છે કેમ કે આ હુમલાની ગંભીરતા ૨૦૦૮ના મુંબઈના આતંકી હુમલા કરતા અનેગણી વધારે છે. વડાપ્રધાન પણ આ વાત સમજી શક્યા છે અને એટલે જ તેમણે પણ પઠાણકોટ એરબેઝની મુલાકાત લેવાનું મુનાસીબ માન્યું. કોઈ પણ લશ્કરી મથક પર હુમલાનું પ્લાનિંગ ત્રાસવાદી સંગઠન સ્વયંભૂ રીતે કરી શકે નહીં. તેની પાછળ કોઈ પણ દેશની સરકારી એજન્સી, સૈન્ય પ્રતિષ્ઠાન અને ગુપ્તચર એજન્સીનું પીઠબળ અને સક્રિય માર્ગદર્શન તેમજ તાલીમ હોય ત્યારે જ એ શક્ય બની શકે.

પઠાણકોટના એરબેઝને ટાર્ગેટ બનાવવાનું અત્યતં મુશ્કેલ મિશન પાકિસ્તાનમાં સક્રિય કોઈ પણ ત્રાસવાદી સંગઠન પાકિસ્તાની સેના અને આઈએસઆઈના સક્રિય સહયોગ વિના હાથ ધરી શકે નહીં. તેને વિશે વિચાર પણ કરી શકે નહીં. ત્રાસવાદીઓ જે તૈયારી અને જે સરંજામ સાથે પઠાણકોટના એરબેઝમાં ઘૂસ્યા હતા એ તથ્ય જ પુરવાર કરે છે કે તેને પાકિસ્તાનમાં પાક્કી તાલીમ અને માર્ગદર્શન પુરા પાડવામાં આવ્યા હતા.

હવે ભારતની તપાસ અને સુરક્ષા એજન્સીઓ પણ એવા તારણ પર આવી છે કે આતંકીઓને પાકિસ્તાનના કોઈ એર મથક પર આ હુમલાની તાલીમ આપવામાં આવી હોવી જોઈએ. સૌથી વધુ મહત્ત્વનો મુદ્દો તો એ છે કે પઠાણકોટના એરબેઝ પર ઝનૂની હદે હુમલાનું ષડયંત્ર કોઈ આતંકી સંગઠન શા માટે રચે ? આવું મિશન તો દુશ્મન દેશની સેનાનું હોઈ શકે. પઠાણકોટ એરબેઝના આતંકી ટાર્ગેટ વિશે પણ આવું અનુમાન હકીકતની ઘણી નજીકનું હોઈ શકે છે. કારણ કે ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધમાં આ એરબેઝે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

પાકિસ્તાનને હવાઈ હુમલાથી ખોખરું કરી નાંખવામાં આ એરબેઝ બહુ ઉપયોગી બન્યું હતું અને તેને કારણે વર્ષોથી આ એરબેઝ પાકિસ્તાની સેનાને આંખના કણાની જેમ ખૂંચતું રહ્યું છે. પઠાણકોટ હુમલાના આતંકીઓના ઈરાદા ખતરનાક હતા. આ એરબેઝમાં રખાયેલા શસ્ત્ર સરંજામ ઉપરાંત મિગ યુદ્ધ વિમાનોના નાશનું બહુ મોટું ષડયંત્ર હતું. ભારતીય સુરક્ષા દળોએ વધુ જાનહાની સહન કરીને પણ હુમલાખોર આંતકીઓને એ વ્યૂહાત્મક સ્થળથી દૂર જ રોકી રાખી ખતમ કરવામાં સફળતા મળી એ એક પ્રકારે યુદ્ધમાં મેળવેલા વિજય જેવી સિદ્ધિ છે.

આશંકા આવે છે કે ત્રાસવાદીઓને હેલિકોપ્ટર અને વિમાન ઉડાવવાની તાલીમ પણ અપાઈ હોઈ શકે અને એટલે જ જો તેઓ જ્યાં સરંજામ અને યુદ્ધ વિમાનો રખાયાં છે એ ક્ષેત્રમાં પહોંચવામાં સફળ થયા હોત તો ભારતને જે નુકસાન થયું હતો એ લશ્કરી સરંજામની સાથોસાથ એટલા જ મોટા પ્રમાણમાં આર્થિક પ્રકારનું પણ હોત. શક્ય છે કે હુમલાખોર આતંકીઓમાંના જ કોઈ આપણા જ એરફોર્સના કોઈ હેલિકોપ્ટર કે વિમાનને ઉડાવી જઈને તેના દ્વારા જ હવાઈ હુમલો કરવામાં સફળ થયો હોત. આવી અનેક પ્રકારની આશંકાઓ અને કલ્પના ધ્રુજાવી મૂકે તેવી છે.

પઠાણકોટ એરબેઝમાં ઘૂસવામાં સફળ થયેલા આતંકીઓ મોટા પ્રમાણમાં શસ્ત્રો અને વિસ્ફોટકો લઈને આવ્યા હતા. આટલા બધા વિસ્ફોટકો સાથે અનેક નાકાબંધી પાર કરીને એરબેઝમાં ઘૂસવામાં આતંકીઓ સફળ બને એ આપણી સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ક્ષતિઓની ચાડી ખાય છે. સંરક્ષણ પ્રધાન મનોહર પરિકરે પણ આ વાત સ્વીકારી છે અને આ ક્ષતિઓ વિશે તપાસના ચક્રો ગતિમાન છે ત્યારે એ વિશે વધુ પડતી ટીકાટિપ્પણ કરવાનું યોગ્ય નથી.

સરકાર અને સંરક્ષણ વિભાગ તેનું કામ કરતા હોય ત્યારે તેને વિશે વધુ પડતી ગેરવાજબી ટીકા આવી સંવેદનશીલ બાબતમાં આમ પણ યોગ્ય ગણાય નહીં. સરકારી સૂત્રો ત્યાં સુધીની હકીકત સ્વીકારીને ચાલે છે કે હુમલાખોર આતંકીઓને એરબેઝમાંથી પણ કોઈ સપોર્ટ મળ્યો હોવો જોઈએ. આવી આશંકા સાથે તપાસ ચાલતી હોય ત્યારે સંરક્ષણ તંત્ર યોગ્ય દિશામાં તપાસમાં આગળ વધી રહ્યું છે એવું સ્વીકારવું જોઈએ. આ હુમલાની તપાસ આગળ ધપી રહી છે તેમ તેની વિગતો પણ થોડા પ્રમાણમાં બહાર આવી રહી છે.

ત્રાસવાદીઓ ક્યા વિસ્તારમાંથી સરહદ પાર કરીને આવ્યા એ પણ એક મહત્ત્વનો પ્રશ્ન છે તેમાં એવું કહેવાયું છે કે ગુરદાસપુરના હુમલાખોર ત્રાસવાદીઓ જે રસ્તે આવ્યા હતા એ રાવી-બિયાસ નદીના રસ્તેથી આવ્યા હોવાનું અનુમાન સાચું ઠરી રહ્યું છે. તપાસકારોને એ નદી વિસ્તારમાં આતંકીઓએ પહેરેલા બૂટના નિશાન મળ્યા છે. પંજાબમાં માદક પદાર્થોનો કારોબાર કરનારાઓ આ માર્ગેથી હેરાફેરી કરે છે એ વાત પંજાબની સરકાર પણ જાણે છે. પંજાબમાં યુવાનોમાં માદક પદાર્થોના સેવનની સામાજિક સમસ્યા ગંભીર બની હોવા છતાં રાજ્ય સરકાર આ હેરાફેરી રોકવા કોઈ પગલાં ન લે એ આશ્ચર્યજનક છે.

ગુરદાસપુરના હુમલાખોરો નદી માર્ગેથી આવ્યા હોવાનું સ્વીકાર્યા પછી આ માર્ગે તકેદારી કેમ વધારવામાં ન આવી એ પ્રશ્ન છે. રાજ્ય સરકારે ત્યારે પણ એવી દલીલ કરી હતી કે સરહદની સુરક્ષાનું કામ કેન્દ્ર સરકારનું છે, રાજ્ય સરકારનું નહીં. આજે પઠાણકોટના હુમલા વખતે પણ રાજ્ય સરકારે આવી જ દલીલ કરી છે. આ દલીલ સાચી છે, પરંતુ તેનો ઉપયોગ જવાબદારીમાંથી છટકબારી તરીકે થવો ન જોઈએ. નદીનો વિસ્તાર છે એ માત્ર સરહદ નથી. એ એક એવો ગેપ અથવા કહો કે અવકાશ છે કે જેનો ઉપયોગ માદક પદાર્થોની હેરફેર જેવી ગુનાખોરી માટે પણ થતો હોય ત્યારે રાજ્ય સરકાર તકેદારીની બાબતમાં સાવ ઉદાસીન વલણ અપનાવે એ વિચિત્ર લાગે છે.

સુરક્ષાની બાબતમાં તપાસ એજન્સીઓ આજે પણ જે એક પ્રશ્ન અંગે મથામણ કરી રહી છે તે એ છે કે જે એસપી સલવિંદરસિંહનું અપહરણ કરી તેની કારને આંચકી લેવામાં આવી હતી એ એસપીએ તેમના કાઉન્ટર પાર્ટને આ આતંકીઓ વિશે જાણ કરી હતી, પરંતુ તેને ગંભીરતાથી લેવામાં આવી ન હતી. હવે તપાસ સંસ્થાઓ તપાસ કરે છે કે આવું કેમ બન્યું ? અંગ્રેજી અખબાર ‘હિન્દુ’ના એક અહેવાલ અનુસાર એસ.પી. સલવિંદરસિંહની જાણકારીને ગંભીરતાથી ન લેવાનું કારણ એવું રહ્યું કે આ મહાનુભાવ રંગીન તબિયતના છે.

મતલબ તેમની વાતને મજાક માની લેવામાં આવી, પરંતુ એ પછી થોડા સમયમાં જ એક આતંકીએ તેમની માતાને કરેલા ફોનને આંતરવામાં આવ્યો ત્યારે એસપીની વાતમાં તથ્ય જણાયું અને એલર્ટ અપાયું. અહીં મહત્ત્વનો મુદ્દો એ છે કે ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન મહાનુભાવોના વ્યક્તિત્વની ઈમેજ કટોકટીની ક્ષણે કેવો દગો દઈ દે છે !

આ એસપી. સાહેબના નિવેદનોમાં વારંવાર બદલાવ જોવાયો છે એથી તેમના નાર્કોટેસ્ટની વાતો ચાલે છે તેમની રંગીન તબિયત વિશે તો ત્યાર પછી એવા અહેવાલ આવ્યા છે કે એક મહિલા કોન્સ્ટેબેલે જ તેઓ વધુ પડતી છૂટછાટ લેતા હોવાની ફરિયાદ તેમની સામે કરી છે તો બીજી બાજુ એક મહિલાએ તે આ એસપી સાહેબની બીજી પત્ની હોવાનો દાવો કર્યો છે. ઉચ્ચ પદ પર બિરાજમાન મહાનુભાવોની નબળાઈઓ પણ ક્યારેક દેશ માટે બહુ ભારે પડી જતી હોય છે. આ એસપી સાહેબ આતંકી હુમલા પછી પોતાની નબળાઈઓ વિશે કશું ગંભીરતાથી વિચારતા હશે કે કેમ – એપણ સવાલ છે.

તરુણ દત્તાણી

You might also like