પેટન્ટ મંજૂરીનો વિલંબ ‘મેક ઈન ઈન્ડિયા’ને નડે!

ચીની પ્રગતિનાં મૂળ એટલે નંખાયાં કે ત્યાંની માન્યામાં ન આવે એટલી સસ્તી મજૂરીના કારણે વિશ્વની તમામ મોટી કંપનીઓએ પોતાનાં ઉત્પાદન-એસેમ્બલી એકમ ચીનમાં સ્થાપ્યા. આપણા વડા પ્રધાન વિશ્વની વિરાટ કંપનીઓને એ જ રીતે ભારતમાં પોતાના એકમ નાખવા ‘મેક ઈન ઈન્ડિયા’ના સૂત્રથી આમંત્રી રહ્યા છે. આમંત્રણને ધાર્યો પ્રતિસાદ મળતો નથી, કારણ કે અહીં ઉત્પાદન એકમ સ્થાપવો અને બિઝનેસ કરવો સસ્તો તો છે પણ સરળ નથી. દા.ત. કોઈ નવી શોધ માટે ભારતમાં પેટન્ટ મેળવવાની અરજી કરો તો પેટન્ટ મળતાં ૬ વર્ષ નીકળી જાય છે.

છેલ્લાં દસ વર્ષમાં મંજૂર થયેલી ૬૮,૦૦૦ પેટન્ટ્સના અભ્યાસથી આ હકીકત સામે આવી છે. ૨૦૧૫માં મંજૂર થયેલી પેટન્ટમાંથી ૯૮ ટકાની અરજીઓ પાંચ વર્ષથી વધુ સમય પહેલાં કરવામાં આવી હતી. ૨૦૦૯માં મંજૂર કરવામાં આવેલી પેટન્ટમાંથી માત્ર ૪૨ ટકાની અરજીઓ પાંચ વર્ષથી જૂની હતી.

દરેક કંપની પોતાની નવી શોધ બજારમાં મૂકીને લાભ લેવા મથતી હોય છે. પેટન્ટથી એ શોધનો વીસ વર્ષ સુધી અન્ય કોઈ કંપની લાભ ન લઈ શકે એવી સુરક્ષા મળી જાય છે. જો પેટન્ટ મંજૂર થવામાં મોડું થાય તો દરેક કંપની પોતાની નવી પ્રોડક્ટ બજારમાં મૂકવામાં મોડી પડે.

અમેરિકા અને બ્રિટનમાં સરેરાશ ત્રણ વર્ષમાં પેટન્ટ મંજૂર થઈ જાય છે. વડા પ્રધાને તાજેતરમાં સ્ટાર્ટ-અપ ઈન્ડિયાની વાત કરતાં પેટન્ટની અરજીથી મંજૂરી સુધીની સમગ્ર પ્રક્રિયામાં ધરમૂળથી સુધારો કરવા હાકલ કરી દીધી છે. જોઈએ શું થાય છે!

You might also like