મહેસાણાનાં તોફાનોમાં ૧૯ની ધરપકડ

અમદાવાદ: રવિવારે પાટીદારોના જેલ ભરો આંદોલન દરમિયાન મહેસાણામાં હિંસા ભડકી ઊઠી હતી. મોઢેરા ચોકડી પર પથ્થરમારો, તોડફોડ થતાં મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એસપીજી પ્રમુખ લાલજી પટેલ સહિત ૩૭ લોકો સામે હત્યાની કોશિશ, લૂંટ અને રાયોટિંગનો ગુનો નોંધાયો હતો. આ કેસમાં મહેસાણા બી ડિવિઝન પોલીસે ૧૯ જેટલા લોકોની ધરપકડ કરી છે. ગઇ કાલે ગુજરાત બંધના એલાન દરમિયાન પણ વીસનગર અને મહેસાણામાં તોફાની ટોળાએ ગૃહપ્રધાન રજની પટેલના ઘરમાં અને પોલીસચોકીમાં આગચંપી કરી હતી. આ મામલે પણ વીસનગર અને મહેસાણા પોલીસ સ્ટેશનમાં ર૩પ૦ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાઇ છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ એસપીજી અને પાસ દ્વારા રવિવારે જેલ ભરો આંદોલન કરવામાં આવ્યું હતું. સભા બાદ વગર મંજૂરીએ રેલી યોજી જેલ ભરો આંદોલન કરવા જતા પાટીદારોને પોલીસે અટકાવ્યા હતા, જેમાં પોલીસ પર પથ્થરમારો થતાં પોલીસે ટોળાને કાબૂમાં લેવા લાઠીચાર્જ અને પાણીનો મારો ચલાવ્યો હતો. આ ઘટના બનતાં મહેસાણા શહેરમાં તોફાનો શરૂ થઇ ગયાં હતાં અને તોડફોડ અને લૂંટ ચલાવાઇ હતી. આ મામલે મહેસાણા બી ડિવિઝનમાં એસપીજી પ્રમુખ લાલજી પટેલ, અતુલ પટેલ, વરુણ પટેલ, સતીશ પટેલ સહિત ૩૭ લોકો સામે હત્યાની કોશિશ, લૂંટ, રાયોટિંગ વગેરે કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે ગઇ કાલે મહેસાણા પોલીસે ૧૯ જેટલા લોકોની ધરપકડ કરી છે.

ગઇ કાલે ગુજરાત બંધના એલાનના પગલે પણ તોફાની ટોળાએ મહેસાણા સરોવર ચોકીમાં ઘૂસી જઇ તોડફોડ કરી હતી. ચોકીમાં રહેલા કાગળો વગેરે સળગાવી દીધા હતા. ગૃહપ્રધાન રજનીભાઇ પટેલના ઘરે પણ પ૦૦ માણસોનું ટોળાએ ધસી જઇ મકાનમાં આગ ચાંપી હતી. આ ઉપરાંત મહેસાણા તરફ આવતી એસટી બસમાં પણ પાટીદારોના ટોળાએ પથ્થરમારો કરી તોડફોડ કરી હતી. વીસનગર શહેરમાં પણ ખેરાલુ રોડ પર ૭૦૦ જેટલા પાટીદારોના ટોળાએ પોલીસ પર પથ્થરમારો કરી અને સરકારી ગાડીઓમાં તોડફોડ કરી હતી. કાંસા ચોકડી નજીક પણ ૧૦૦૦ પાટીદારોના ટોળાએ રસ્તાની વચ્ચે આડશ મૂકીને કે‌િબન સળગાવી દીધી હતી. આ ઉપરાંત પોલીસ ઉપર પણ પથ્થરમારો કર્યો હતો. હાલમાં પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.

લાલજી પટેલે છાતીમાં દુખાવા, ચક્કર આવવાની ફરિયાદ કરી
રવિવારે જેલભરો આંદોલન દરમિયાન ઇજાગ્રસ્ત એસપીજી પ્રમુખ લાલજી પટેલને મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે ગઇ કાલે રાત્રે તેઓએ ચક્કર આવવાની, છાતીમાં દુખાવા અને હાઇબીપીની ફરિયાદ કરતાં તેઓને હોસ્પિટલના આઇસીયુ વોર્ડમાં ખસેડાયા હતા. એસપીજીએ માગ કરી છે કે લાલજી પટેલને કોઇ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવે. જોકે સૂત્રોએ જણાવ્યું હતું કે ડોકટરો મેડિકલ તપાસ બાદ તેઓને રિફર કરવા કે કેમ? તે અંગે નિર્ણય લેશે.

નેતાઓને ખોટા સંડોવવામાં આવ્યા છેઃ પાસ
પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રવકતા અતુલ પટેલે જણાવ્યું હતું કે રવિવારે મહેસાણામાં જેલ ભરો આંદોલનમાં થયેલી હિંસા મામલે જે ફરિયાદ નોંધાઇ છે તેમાં અમારા પાસના આગેવાનોને સરકારે ખોટી રીતે સંડોવી દીધા છે. અમે સ્ટેજ ઉપર પણ નહોતા અને ટોળામાં પણ નહોતા. જનરલ માણસો ઊભા હતા તેમની વચ્ચે હતા છતાં પોલીસે અમને કેસમાં સંડોવી દીધા છે.

કોની કોની ધરપકડ કરવામાં આવી?
પટેલ દક્ષકુમાર અ‌િનલભાઇ (રહે. ગાંધીનગર), પટેલ અ‌િનલભાઇ જોઇતારામ (રહે. ગાંધીનગર), પટેલ રવિકુમાર બાબુલાલ (રહે. ગાંભુ સોનીવાસ, તા. બેચરાજી), પટેલ રીકેશકુમાર અરવિંદકુમાર (રહે. અંબાસણ, પટેલવાસ, તા. વિજાપુર), પટેલ દશરથભાઇ શાંતિભાઇ (રહે. કમાણા નવાપરા, તા.વીસનગર), પટેલ જયંતીભાઇ મોતીદાસ (રહે.કાસા, ગણપતપુરા), ઠાકોર દીપકકુમાર ખોડાજી (રહે.મહેસાણા), પટેલ ઉર્વીશ મહેન્દ્રભાઇ (રહે.રાધનપુર રોડ, મહેસાણા), પટેલ જૈમીનકુમાર અમૃતભાઇ (રહે.મોટપ, મોટોમાઢ, તા.બહુચરાજી), પટેલ જગદીશભાઇ રામભાઇ (રહે.ગોઝારિયા, તા.બહુચરાજી), પટેલ અંકિતકુમાર રામાભાઇ (રહે.પાંચોટ, આનંદપુરા), પટેલ મેહુલકુમાર પોપટભાઇ (રહે. અમદાવાદ સીટીએમ) પટેલ ની‌િતનકુમાર વસંતભાઇ (રહે. રબારી કોલોની, અમદાવાદ), પટેલ અશોકભાઇ હસમુખભાઇ (રહે. મહેસાણા), પટેલ કેતુરકુમાર નટવરલાલ (રહે. લીંચ, રતનગઢ પરામાં), પટેલ આ‌િશષકુમાર બાબુભાઇ (રહે. પાંચોટ, આનંદપુરા), પટેલ કૃપાલ બાબુલાલ (રહે. પાંચોટ, આનંદપુરા), પટેલ રમણભાઇ અંબાલાલ (રહે. મહેસાણા), પટેલ સોમાભાઇ ખેમાભાઇ (રહે. કેશરગંજ, જિ. સાબરકાંઠા)

You might also like