ભાજપ વિરુદ્ધ એક થવા માટે પાટીદારોને હાર્દિકની હાંકલ : હજારો પાટીદારો ઉંઝા પહોંચ્યા

વિસનગર : વિસનગરથી રવિવારે સમસ્ત પાટીદાર સમાજ દ્વારા ઉમીયામાતા ધામ ઉંઝા ખાતે પગપાળા સંઘ કાઢવામાં આવ્યો હતો. પાટીદાર સમાજનાં યુવાનો જેલમુક્ત થાય તે આશાએ કેટલાક અગ્રણીઓ દ્વારા માનતા માનવામાં આવી હતી. જેને પુરી કરવામાં સમગ્ર પાટીદાર સમાજ જોડાયો હતો. બીજી બાજુ હાર્દિક પટેલ દ્વારા અનામત આંદોલન ચાલુ હોવાનું તથા સમાજનાં નેતાઓ જેલમુક્ત થતા આંદોલન ફરી બેઠું થયું હોવાની ચેતવણી ઉચ્ચારી હતી.

હાર્દિકને આંદોલન અંગે પુછવામાં આવતા તેણે જણાવ્યું હતું કે કોણ કહે છે કે આંદોલન પુરૂ થઇ ચુક્યું છે. મારી સહિત નેતાઓ જેલમુક્ત થવાનાં કારણે આંદોલન ફરી બેઠું થયું છે. આંદોલનનાં એપી સેન્ટર તેવા મહેસાણા ખાતેથી 60 હજાર કરતા પણ વધારે પાટીદારો ઉમીયાધામ ગયા હોવાનો દાવો હાર્દિકે કર્યો હતો. પાટીદારોને ફરી એકવાર તૈયાર થઇ જવા માટેની હાંકલ હાર્દિકે કરી હતી. હાર્દિકે જણાવ્યું કે સમય આવી ગયો છે કે ભાજપને ફરી એકવાર પાટીદાર પાવર દેખાડવામાં આવે.

અત્રે ઉલ્લેખનીય છે કે 23મી જુલાઇથી પાટીદાર અનામદ આંદોલને વેગ પકડ્યો હતો. દરેક પાટીદારનાં મનમાં રહેલા છુપા રોષે 23મી જુલાઇએ જુવાળનું સ્વરૂપ ધારણ કર્યું હતું. 28 હજાર યુવાનો સામે પોલીસ કેસ થયા હતા. 2400 જેટલા પાટીદાર યુવાનો જેલભેગા થયા હતા. 6 યુવાનો સામે રાજદ્રોહ અને 6 યુવાનોએ પોતાનાં જીવ ખોયા હતા. પાટીદાર અનામત આંદોલન પાછળ હાર્દિક પટેલ, લાલજી પટેલ અને વરૂણ પટેલ જેવા નેતાઓ મુખ્ય રહ્યા હતા.આંદોલનનો જુવાળ જોતા પાટીદારો સામે સરકારે જુકવુ પડ્યું હતું અને સવર્ણોને EBC સ્વરૂપે અનામત અપાઇ હતી. જો કે પાટીદારોને આ અનામત મંજુર નહી હોવાનાં કારણે આંદોલન નવા ક્લેવર અને નવા તેવર સાથે ફરીથી થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.

You might also like