નિઃ સંતાન પટેલ દંપતીએ રહસ્યમય સંજોગોમાં અાપઘાત કરતાં ચકચાર

અમદાવાદ: રાજકોટના કોઠારિયા રોડ પર અાવેલી સોસાયટીમાં રહેતા એક પટેલ દંપતીએ રહસ્યમય સંજોગોમાં અાત્મહત્યા કરતાં અા ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. પોલીસે અાપઘાતનો ગુનો દાખલ કરી સઘન તપાસ શરૂ કરી છે. અા અંગેની વિગત એવી છે કે રાજકોટના કોઠારિયા રોડ પર બ્રહ્માણી હોલની બાજુમાં અાવેલી તિરુપતિ સોસાયટીમાં રહેતા અને ઈન્વિટેશનનું કામ કરતાં ૩૨ વર્ષીય મનીષ વેકરિયા અને તેની ૩૦ વર્ષીય પત્ની અલ્પાએ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખ્યું હતું. તપાસ દરમિયાન અા દંપતીના લગ્ન ૧૧ વર્ષ અગાઉ થયા હતા પરંતુ સંતાન ન થતાં તેના નાનાભાઈના પુત્રને દત્તક લીધો હતો.

મળી માહિતી પ્રમાણે પટેલ પરિવારના સભ્યો નજીકના સગાંમાં મરણ થયું હોવાથી હાજરી અાપવા ગયા તે દરમિયાન મનિષ અને તેની પત્ની અલ્પાએ અા અંતિમ પગલું ભર્યું હતું. રહસ્યમય સંજોગો બનેલી અા ઘટનાએ અનેક તર્ક-વિતર્કો જગાવ્યા છે. પોલીસે બંને લાશને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી અાપી અાપઘાત કરવા પાછળનું કારણ જાણવા માટે અનેક લોકોના નિવેદન લઈ સઘન તપાસ શરૂ કરી છે.

You might also like