2018ના અંત સુધીમાં માર્કેટમાં આવશે પતંજલિનું ‘સ્વદેશી જિન્સ’

નવી દિલ્હી: યોગ ગુરુ બાબા રામદેવની સ્વદેશી કંપની પતંજલિનું જિન્સ પહેરવાનો ઇંતજાર હવે ખૂબ જ જલદી પૂર્ણ થશે. વર્ષના અંત સુધીમાં પંતજલિ પોતાના ટેકસટાઇલ મેન્યુફેકચરિંગ એટલે કે કપડાંનો ઉદ્યોગ શરૂ કરી દેશેે. આ વાતની જાણકારી પતંજલિના મેનેજિંગ ડિરેકટર બાલકૃષ્ણએ ખુદ એક ઇન્ટર્વ્યુમાં આપી છે.

ઉલ્લેખનીય છે કે એ વાતની જાહેરાત પહેલાં જ થઇ ચૂકી હતી કે પતંજલિ ‘પરિધાન’ નામથી પોતાની કપડાંની બ્રાન્ડ લોન્ચ કરશે. હવે ઇન્ટર્વ્યુ દ્વારા બાલકૃષ્ણએ આ પ્લાન અંગે જાણકારી આપી છે. બાલકૃષ્ણના જણાવ્યા મુજબ કાપડ ઉદ્યોગનું તમામ કામ નોઇડાથી સંચાલિત થશે. જેના માટે પહેલાં જ એક ટીમ બનાવાઇ ચૂકી છે.

કપડાંનું નિર્માણ કોઇ થર્ડ પાર્ટી પાસે કરાવાશે. પતંજલિ શરૂઆતમાં પરિધાનના ૧૦૦ એકસકલુઝિવ શોરૂમ ખોલશે. ‘પરિધાન’ અંગે બાબા રામદેવે જણાવ્યું કે તેમાં ૩,૦૦૦ જેટલી આઇટમ હશે. તેમાં બાળકોનાં કપડાં, યોગના ડ્રેસ, સ્પોર્ટસ વેર, ટોપી, જૂતાં, ટોવેલ, બેડશીટ્સ વગેરે મળશે.

પતંજલિનો કપડાંનો શો રૂમ ખૂલતાં પહેલાં તેનાં જિન્સની ચર્ચા શરૂ થઇ છે. તેની ખૂબીઓ બાલકૃષ્ણએ લગભગ બે વર્ષ અગાઉ જ જણાવી દીધી હતી. તે સમયે આ પ્રોજેકટ એક કન્સેપ્ટ હતો. મહિલાઓ માટે જે જિન્સ હશે તે ભારતીય કલ્ચર પ્રમાણે હોવાની સાથે સાથે આરામદાયક પણ હશે. જિન્સ એ વેસ્ટર્ન કન્સેપ્ટ છે, પરંતુ આપણે તેને સ્વદેશી બનાવીશું. તેની સ્ટાઇલ, ડિઝાઇન અને કપડું ભારતીય ‌રંગમાં રંગાઇ જશે.

You might also like