પાટણ પાલિકાની બદલાયેલી સત્તા ભાજપને ખૂંચી!

ગત વર્ષના અંતમાં યોજાયેલી પાલિકા-પંચાયતનો ચૂંટણી વખતે પાટણ નગરપાલિકાની સત્તા પણ બદલાઈ હતી. પાલિકામાં પાંચ વર્ષના એકધારા શાસનનો અંત આણીને કોંગ્રેસે ઐતિહાસિક જીત મેળવી તે કદાચ ભાજપને ગમ્યું ન હોય તેવો ઘાટ હવે સર્જાયો છે. રાજ્યની પાલિકાઓમાં વિકાસકાર્યો અર્થે રૂ. ર૬૧૩ કરોડની લહાણી કરવામાં આવી, પરંતુ પાટણને એક પણ રૂપિયો ફાળવાયો નથી.

ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી આનંદીબહેન પટેલે ગુજરાતની નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને શહેરી સત્તામંડળોના સર્વાંગી વિકાસ માટે ૪ મેએ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે રૂ. ર૬૧૩ કરોડની માતબર રકમના ચેકવિતરણનો કાર્યક્રમ યોજ્યો હતો. આ કાર્યક્રમમાં નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તામંડળોના પદાધિકારીઓને હાજર રહેવા ખાસ સૂચના અપાઈ હતી.

પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર પણ હોદ્દેદારો સાથે આ સમારોહમાં કંઈક મળવાની ખુશી સાથે પહોંચી ગયા હતા. જોકે કાર્યક્રમની શરૂઆત થઈ અને એક પછી એક પાલિકા, કોર્પોરેશન અને સત્તા મંડળોને ચેક સોંપાતા ગયા, પરંતુ છેલ્લે સુધી પાટણ નગરપાલિકાનો ઉલ્લેખ જ કરવામાં આવ્યો નહોતો. પાટણ પાલિકાને રૂ. ર૬૧૩ કરોડના ચેકવિતરણમાં માત્ર ડીંગો જ મળ્યો. કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા આંચકી લીધી હતી તેનું આ પરિણામ હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

You might also like