પાટણ પાલિકામાં કોંગ્રેસે સત્તાનું સુકાન સંભાળ્યું

પાટણ: પાટણ નગરપાલિકાનું સુકાન કોંગ્રેસે વિધિવત પોતાનાં હાથમાં લેતા કોંગ્રેસ ગઇકાલે ગેલમાં આવી ગઈ હતી. ગત રોજ સવારનાં ૧૧ વાગ્યાનાં સુમારે નગરપાલિકા હોલ ખાતે કોંગ્રેસમાંથી પ્રમુખ અને ઉપપ્રમુખના નામનું મેન્ડેડ આવતા કોંગ્રેસનાં ૩૩ અને અપક્ષનાં ૨ કુલ ૩૫ નગરસેવકોએ ટેકો જાહેર કરતા પ્રમુખ તરીકે જાગૃતિબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે દિનેશભાઈ પટણીની સર્વાનુમતે વરણી થતાં કાર્યકરો તેમજ ટેકેદારોએ તેમને વધાવી લીધા હતા.

પ્રાંતઅધિકારી દ્વારા બન્ને નામોની વિધિવત જાહેરાત કરતા પ્રમુખ અને ઉપપ્રમુખે પોતાની ઓફિસમાં જઈ વિધિવત ચાર્જ સંભાળી લીધો હતો. અનામત આંદોલન બાદ પાટણના જે સમીકરણો બદલાયા તે બાદ પાટીદારોએ જે રીતે ભાજપને રામરામ કહી દેતા કોંગ્રેસને વધાવી હતી તે જોતાં પાટીદાર મહિલા પ્રમુખની વરણી કરવામાં આવી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

નવાઈની વાત તો એ છે કે પાટણ પાલિકા ૨૭ કરોડનાં દેવામાં ડૂબેલી છે. ત્યારે કોંગ્રેસ માટે આ તાજ કાંટાળો સાબિત ના થાય તે જોવાનું રહ્યું. કારણ કે કોંગ્રેસ પણ વચનોની લહાણી કરીને સત્તામાં આવી છે તે આ કપરા સમયમાં કેવું શાસન પ્રજાને આપે છે તે તો આવનારો સમય જ બતાવશે.

You might also like