ભાનુભાઈના સમર્થનમાં ઉંઝામાં ચક્કાજામ, પાટણમાં તોફાન, લોકો રસ્તા પર સૂઈ ગયા

અમદાવાદ, શનિવાર
પાટણમાં જમીન મુદ્દે ગુરુવારે કલેકટર કચેરીમાં આત્મવિલોપનનો પ્રયાસ કરનાર ભાનુભાઈ વણકરનું ગઈ કાલે રાત્રે અપોલો હોસ્પિટલમાં મોત થયું હતું. મૃતદેહને પી.એમ માટે ગાંધીનગર સિવિલ ખાતે લઈ જવાયો હતો. સવારે પેનલ ડોકટરો દ્વારા વીડિયોગ્રાફી કરી અને તેઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.

પીએમ બાદ મૃતકના પરિવારજનોએ ભાનુભાઇનો મૃતદેહ સ્વીકારવા ઇન્કાર કર્યો હતો. સરકાર દ્વારા જ્યાં સુધી માગણીઓ ન સ્વીકારવામાં આવે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારે તેમ જણાવ્યું હતું. પરિવારજનોએ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને આ ઘટનાને રાજકીય રંગ ન આપવા જણાવ્યું હતું.

ભાનુભાઈનું મોત નીપજતાં અલગ અલગ દલિત સંગઠનો દ્વારા ઊંઝા અને પાટણ બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેના પગલે આજે સવારે મોટી સંખ્યામાં દલિત મહિલાઓ ભાનુભાઈના ઘરે પહોંચી હતી. મહિલાઓએ અમદાવાદ, પાલનપુર હાઇવે પર રોડ પર સૂઈ જઈ વિરોધ વ્યક્ત કર્યો હતો. હાઈવે પર ચક્કાજામ કરી સૂત્રોચાર કર્યા હતા.

દલિત સંગઠનોએ રેલી યોજી ઊંઝા બંધ કરાવ્યું હતું. દલિત નેતા જિજ્ઞેશ મેવાણી અને ‘પાસ’ના કન્વીનર હાર્દિક પટેલ પણ સવારે ગાંધીનગર સિવિલ ખાતે પહોંચ્યા હતા અને પરિવારજનોને સાંત્વના આપી હતી. ગાંધીનગર સિવિલ ખાતે વહેલી સવારથી જ પરિવારજનો અને લોકો મોટી સંખ્યામાં ભેગા થઇ ગયા હતા.

એક એસઆરપીની ટૂકડી, એલસીબી, લોકલ પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલ ખાતે ખડકી દેવામાં આવ્યો હતો. પાટણ આત્મવિલોપન મામલે મુખ્યપ્રધાન વિજય રૂપાણીઅે જણાવ્યું હતું ઘટનાની તપાસ મુખ્યસચિવને સોંપવામાં આવી છે.

ભોગ બનનારના પરિવારજનોને સરકાર સાંભળશે અને તેઓને વળતર આપવા વિચારણા કરવામાં આવી રહી છે. જવાબદાર અધિકારીઓ સામે સરકાર કડક પગલાં લેશે. લોકો હિંસાના માર્ગે ન જાય તેવી મારી જનતાને અપીલ છે.

You might also like